લોકશાહીમાં વિરોધનો અધિકાર એટલો જ પવિત્ર ગણાય છે જેટલો મતદાનનો અધિકાર. અસહમતિ જ લોકશાહીને જીવંત રાખે છે. પરંતુ દરેક અધિકાર સાથે એક મર્યાદા પણ જોડાયેલી હોય છે, ખાસ કરીને ત્યારે જ્યારે વિરોધ માત્ર સરકાર સામે નહીં પણ આખા રાષ્ટ્રની છબી સાથે જોડાઈ જાય. તાજેતરમાં એઆઈ સમિટ જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલું (અર્ધ)નગ્ન પ્રદર્શન તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે.
ભારતમાં વિરોધની પરંપરા અત્યંત સમૃદ્ધ રહી છે. સ્વતંત્રતા આંદોલનથી લઈને અન્ય આંદોલનો સુધી, ખેડૂતોના ધરણાથી લઈને વિદ્યાર્થીઓની માર્ચ સુધી, દરેક સમયે અસહમતિ વ્યક્ત કરવાની અસંખ્ય રીતો રહી છે. વિરોધ પ્રદર્શન માટે ઘણા ઉપવાસ પર ઉતરે છે, ઘણા મૌન રેલીઓ કાઢે છે અને લોકશાહીમાં આવું થવું પણ સ્વાભાવિક છે. પરંતુ અર્ધનગ્ન થઈને જાહેરમાં, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી કોઈપણ સંજોગોમાં ‘વિરોધ પ્રદર્શન’ ના કહી શકાય, તેને સાદા શબ્દોમાં ‘અંગ પ્રદર્શન’ કહેવાય.
શર્ટ કાઢીને, લગભગ નગ્ન અવસ્થામાં આંતરરાષ્ટ્રીય સંમેલન સ્થળ પર નારા લગાવવા શું વાસ્તવમાં રાજકીય અસહમતિનું સ્વરૂપ છે કે પછી તે માત્ર ધ્યાન આકર્ષિત કરવાનું એક આક્રમક દૃશ્યાત્મક હથિયાર છે? વિરોધનો હેતુ જો નીતિ પર ચર્ચા હોય તો તર્ક સામે આવે છે. જો હેતુ રાજકારણ હોય તો દૃશ્યો પેદા કરવામાં આવે છે. AI સમિટની ઘટનામાં તર્ક શૂન્ય અને નાટક વધુ દેખાયા છે.
આંતરરાષ્ટ્રીય મંચ અને રાષ્ટ્રીય છબી
એઆઈ સમિટ કોઈ સ્થાનિક રાજકીય સભા નહોતી. તે ભારતની તકનીકી ક્ષમતા, ડિજિટલ ભવિષ્ય અને વૈશ્વિક ભાગીદારીના પ્રદર્શનનું મંચ હતું, જ્યાં વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો, પ્રતિનિધિઓ, રોકાણકારો અને નીતિ-નિર્માતાઓ હાજર હતા. આવા મંચ પર થતી દરેક ઘટના માત્ર ઘરેલુ રાજકારણ સુધી મર્યાદિત રહેતી નથી, તે સીધી ભારતની આંતરરાષ્ટ્રીય છબી સાથે જોડાઈ જાય છે.
કોઈ પણ લોકશાહી દેશમાં વિપક્ષ સરકારની ટીકા કરે છે, પરંતુ વિદેશી મહેમાનોની સામે દેશને અરાજક કે અસ્થિર દેખાડવો રાજકીય પરિપક્વતાનો સંકેત નથી. તેવામાં આંતરરાષ્ટ્રીય મંચની પસંદગી જ સીધું દર્શાવી દે છે કે ટાર્ગેટ પર માત્ર સરકાર નહીં, પરંતુ દેશની પ્રતિષ્ઠા હતી, દેશનું ગૌરવ હતું અને દેશનો વિકાસ હતો.
સરકારથી વિરોધ કે રાષ્ટ્રથી અસંતોષ?
કોંગ્રેસ અવારનવાર એ દલીલ આપે છે કે તેમનો વિરોધ સરકાર સામે છે, દેશ સામે નહીં. પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર થયેલું અંગ પ્રદર્શન આ રેખાને ધૂંધળી કરી દે છે. વિદેશીઓ માટે ‘ભારત’ અને ‘ભારતની સરકાર’ અલગ-અલગ સંસ્થાઓ નથી, તેઓ ભારતને માત્ર ભારતની દ્રષ્ટિએ જુએ છે.
અહીંથી જ તે ધારણા જન્મ લે છે કે શું સત્તાની લડાઈ હવે દેશની છબીથી પણ ઉપર ચઢી ગઈ છે. આ એ જ પ્રશ્ન છે જે વારંવાર ઉભો થાય છે જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નિવેદન ‘ભારતીય રાજ્ય’ સામે લડાઈની વાત કરે છે. જો સંઘર્ષ માત્ર સરકાર સામે હોત તો આ ધંધા ન કરી શક્યા હોત, પરંતુ કોંગ્રેસીઓએ દર્શાવી દીધું છે કે દેશ કરતાં તેમના માટે રાજકારણ અને ‘સત્તા’ મહત્વપૂર્ણ છે.
વડા પ્રધાન: પાર્ટી નહીં, રાષ્ટ્રના પ્રતિનિધિ
ભારતીય લોકશાહીમાં વડા પ્રધાન કોઈ એક પાર્ટીના નેતા નથી હોતા, પદ સંભાળ્યા પછી તેઓ આખા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંમેલનો અને વૈશ્વિક મંચો પર તેઓ ‘સરકાર’નો નહીં, પરંતુ ‘ભારત’નો ચહેરો હોય છે.
તેવામાં વડા પ્રધાન પ્રત્યે અણગમો રાખીને, તેમને વારંવાર ટાર્ગેટ કરવા માટે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમના વિરોધના નામે નગ્નતા આચરવી રાષ્ટ્રને શરમમાં મૂકવા જેવું છે, એટલે જ તો ત્યાં હાજર સામાન્ય જનતાએ પણ કોંગ્રેસીઓને જાહેરમાં જ ફટકારી પણ દીધા હતા. પ્રદર્શન કરવાની અનેક રીતો હોય છે, પરંતુ સમય, સ્થળ અને રીત પ્રદર્શનને સંપૂર્ણપણે બદલી નાખે છે.
વિરોધની અનેક રીતો, પરંતુ પસંદગી નગ્નતાની
આ ઘટના એટલે જ ચર્ચામાં છે કારણ કે વિરોધના અસંખ્ય વિકલ્પો હતા – જ્ઞાપન આપવું, શાંતિપૂર્ણ ધરણા, પ્રેસ કૉન્ફરન્સ, સોશિયલ મીડિયા અભિયાન, સંસદમાં વિરોધ, ન્યાયિક માર્ગ અથવા પ્રતીકાત્મક મૌન પ્રદર્શન. છતાં જો પસંદગી (અર્ધ)નગ્નતાની કરવામાં આવી તો તે માત્ર અસહમતિ વ્યક્ત કરવાની રીત નથી, પરંતુ એક રાજકીય સંદેશ પણ છે કે રાજકારણ અને સત્તા માટે મર્યાદાને પાછળ ધકેલી શકાય છે. આ એ જ વલણ છે જેમાં પ્રભાવ તર્ક કરતાં વધુ મહત્વનો બની જાય છે.
ભારતીય જનતા પાર્ટી દાયકાઓ સુધી વિપક્ષમાં રહી, પણ તેણે વિરોધ પ્રદર્શનનું એક સ્તર કાયમ જાળવી રાખ્યું હતું, તેમણે સત્તાથી ઉપર રાષ્ટ્રને મૂક્યું. અટલ બિહારી વાજપેયી તો એવું પણ કહેતા કે સરકારો આવશે અને જશે, પણ દેશ અમર રહેવો જોઈએ, દેશનું લોકતંત્ર અમર રહેવું જોઈએ. બીજી તરફ માત્ર એક દાયકો વિપક્ષમાં રહ્યા બાદ કોંગ્રેસીઓ ફ્રસ્ટેડ થઈ ગયા છે અને હવે તો નગ્નતા પર ઉતરી આવ્યા છે.
લોકશાહીમાં સરકારો બદલાતી રહે છે, પરંતુ દેશ સ્થાયી રહે છે. રાજકીય પક્ષો આવતા-જતાં છે, પરંતુ રાષ્ટ્રીય સન્માન જળવાઈ રહેવું જોઈએ. અસહમતિ જો રાષ્ટ્રને મજબૂત કરે તો તે લોકશાહીની શક્તિ છે, જો તે માત્ર ક્ષણિક રાજકીય લાભ માટે દેશને જ કઠોડે ઊભો કરી દે તો તે આત્મઘાતી રાજકારણ બની જાય છે. વિરોધની હજારો રીતો હતી, પરંતુ જો પસંદગી નગ્નતાની થઈ તો ઇતિહાસ અવશ્ય પ્રશ્ન પૂછશે કે આ લડાઈ કોની સામે હતી – સરકારની સામે કે ભારતની સામે?


