સુરક્ષા ઘેરો તોડીને AI સમિટમાં ઘૂસ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ, શર્ટ કાઢીને વડા પ્રધાન વિરુદ્ધ લગાવ્યા વિવાદિત નારા: 4-5ની અટકાયત

દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપમમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ ‘એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ (AI Impact Summit) દરમિયાન શુક્રવારે (20 February 2026) ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરક્ષા ઘેરો તોડીને પરિસરમાં પ્રવેશ કરી લીધો હતો. પ્રદર્શનકારીઓએ એઆઈ સમિટમાં ઇન્ડો-યુએસ ટ્રેડ ડીલ વિરુદ્ધ નારા લગાવ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા.

આ વિરોધ પ્રદર્શન થયો ત્યારે સમિટમાં દેશ-વિદેશના અનેક મોટા મહાનુભાવો અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અચાનક બેનર-પોસ્ટર લઈને મુખ્ય હૉલ પાસે પહોંચી ગયા.

પ્રદર્શનકારીઓએ ‘PM is Compromised’ જેવા નારા લગાવ્યા અને નારેબાજી કરી. સુરક્ષાકર્મીઓએ તરત જ કાર્યવાહી કરીને પ્રદર્શનકારીઓને કાબૂમાં લીધા અને પરિસરમાંથી બહાર કાઢ્યા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં 4થી 5 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે તેઓ આ આખા વિવાદને લઈને કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર તપાસ કરવામાં આવી રહી છે કે પ્રદર્શનકારીઓ પાસના રસ્તેથી અંદર આવ્યા હતા કે અન્ય કોઈ રસ્તેથી.

આ સુરક્ષા ચૂકને ગંભીરતાથી લેવામાં આવી રહી છે કારણ કે કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિઓ હાજર હતા. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.