(લેફ્ટ, રાઈટ અને સેન્ટર : શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025: સૌરભ શાહ )
વિવેક અગ્નિહોત્રીની ‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ ગયા શુક્રવારે રિલીઝ થઈ એ જ દિવસે સાંજે જોઈ. પ્રાઇવેટ શો હતો. મુંબઈના એક સેલિબ્રિટી આઈ સર્જ્યને પોતાના 300 મિત્રો-સ્વજનો માટે આયોજન કર્યું હતું. સ્વભાવિક છે કે થિયેટર હાઉસફૂલ હતું.
બીજી વાર, બે દિવસ પછી, રવિવારે બપોરના શોમાં જોઈ. સ્પોન્સર્ડ કે પ્રાઇવેટ નહીં, પબ્લિક શો હતો અને થિયેટર હાઉસફુલ હતું જેની એક રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વહેતી મૂકેલી.
ત્રીજી વખત ગઈકાલે, ગુરુવારે મોડી સાંજના શોમાં જોઈ. પચાસ ટકા પ્રેક્ષકો હતા જેમાંના અડધા ખાધેપીધે અતિ સુખી-સંસ્કારી બૅકગ્રાઉન્ડવાળા સિટિઝન્સ છે એવું એમને દૂરથી જોતાં લાગતું હતું. બાકીના પ્રેક્ષકોમાં મોટાભાગના વીસથી ત્રીસની ઉંમરના સ્માર્ટ મુંબઈગરાઓ હતા.
ત્રીજી વખત જોયા પછી પણ આઘાત, સ્તબ્ધતા, મૂક જેવાં વિશેષણો વાપરવાં પડે એવી પ્રતિક્રિયા હતી. એમાંથી બહાર આવ્યા પછી ‘વાહ, વિવેક!’ શબ્દો જ નીકળે અને તમે વિચારતા થઈ જાઓ કે આઝાદીના લગભગ આઠ દાયકા થવા આવશે, હજુ સુધી કોઈ ફિલ્મમેકરે આવી ફિલ્મ કેમ નહીં બનાવી હોય ?
વિવેક અગ્નિહોત્રીની ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ રિલીઝ થઈ તે વખતે વિરોધીઓએ ફિલ્મ રજૂ થતાં પહેલાં ( પહેલાં ) કોઈ વિરોધપ્રચાર કર્યો નહોતો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વખતે રિલીઝ પછી ઘણો વિરોધ થયો પરંતુ રિલીઝ પહેલાં એવો કોઈ મોટો હોબાળો કે અવળો પ્રચાર વિરોધીઓએ નહોતો કર્યો. પણ ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ સામે તો ટ્રેલર આવતાં પહેલાં જ વિરોધીઓ દ્વારા એલફેલ બોલાતું થઈ ગયું હતું, ટ્રેલર આવ્યા પછી તો વિરોધીઓ દ્વારા એવો માહોલ બનાવવામાં આવ્યો કે ફિલ્મ રિલીઝ થશે તો દેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળશે. વિરોધીઓને ડર હતો કે ક્યાંક આ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જેમ સુપરહિટ ના થઈ જાય. એ ફિલ્મે રૂપિયા 15 કરોડના બજેટની સામે રૂપિયા 350 કરોડનો બિઝનેસ કર્યો હતો.
‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ રિલીઝ થયા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં રાષ્ટ્ર વિરોધી તત્વોએ નેગેટિવ રિવ્યુઝનો મારો ચલાવ્યો. ટ્વીટર અને ફેસબુક પર તો અમુક લોકોએ ફિલ્મ જોયા વિના જ એના વિરુદ્ધ અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. કોઈપણ હિન્દી ફિલ્મ વિશે આવો અને આટલો અપપ્રચાર હજુ સુધી થયો હોય એવું જાણ્યું નથી.
ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શનના આંકડા ફિલ્મની ઇમ્પેક્ટ કે ફિલ્મની મહત્તા કે મહાનતા કે ફિલ્મની ગુણવત્તાનો કે ઇવન લોકપ્રિયતાનો પુરાવો નથી હોતા. હૉલિવુડમાં એનું સૌથી મોટું ઉદાહરણ 1990ના દાયકામાં રિલીઝ થયેલી આજના ચાર્લ્સ ડિકન્સ ગણાતા સ્ટીફન કિંગની વાર્તા પરથી બનેલી ‘શૉશેન્ક રિડેમ્પશન’ છે. જેલના બે કેદીઓની વાતવાળી આ ફિલ્મ રિલીઝ થયા પછી ફ્લૉપ જાહેર થઈ. આજની તારીખે તમે હૉલિવુડની ટોપ ટેન ફિલ્મોની કોઈ પણ યાદી જોઈ લો. મોટેભાગે તમને જોવા મળશે કે મારિયો પૂઝોની નવલકથા પરથી બનેલી ‘ધ ગૉડફાધર’ પ્રથમ ક્રમાંકે હશે, ‘શૉશેન્ક રિડેમ્પશન’ બીજા ક્રમાંક હશે.
હિન્દી સિનેમામાં પણ એવા અગણિત દાખલા જોવા મળશે. ગુરુદત્તની ‘કાગઝ કે ફૂલ’ અને રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ની બૉક્સ ઑફિસની નિષ્ફળતાએ નિર્માતાઓની કમર તોડી નાખી હતી. આજે એ કલ્ટ ક્લાસિક ગણાય છે. દિગ્દર્શકની પોતાની શ્રેષ્ઠ ફિલ્મોમાં જ નહીં હિન્દી ફિલ્મોની શ્રેષ્ઠ ફિલ્મોમાં અને એની ગણના થાય છે. જમાના કરતાં આગળ હતી, તે વખતના પ્રેક્ષકો આવી ફિલ્મો જોવા માટે હજુ તૈયાર નહોતા— એવું કહેવાય છે. યશ ચોપરાની મલ્ટી સ્ટારર ‘સિલસિલા’ પણ સુપરહિટ ગીતો બાવજૂદ ફ્લૉપ પુરવાર થયેલી. આજની તારીખે એ કલ્ટ ક્લાસિક ગણાય છે. ઘણા દાખલા છે આવા.
વિવેક અગ્નિહોત્રીની ‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ રૂપિયા 35થી 40 કરોડના ખર્ચે બની હોવાનો અડસટ્ટો લગાવવામાં આવે છે. ફિલ્મનું પ્રથમ સાત દિવસનું બૉક્સ ઑફિસ કલેક્શન રૂપિયા 15 કરોડ સુધી પહોંચ્યું નથી એવું ઇન્ડસ્ટ્રીનાં વિવિધ સૂત્રો જણાવે છે. ભારતમાં આ ફિલ્મે લગભગ રૂપિયા 11થી 12 કરોડનો બિઝનેસ કર્યો છે, અત્યાર સુધીમાં. અને વિદેશનું કલેક્શન અઢી કરોડ રૂપિયાની આસપાસ થયું છે એવું કહેવાય છે.
‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ના આ આંકડા જરૂર નિરાશાજનક છે. ‘જવાન’ જેવી ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ કલેક્શનના આંકડા બઢાવીચઢાવીને ફિલ્મરસિકોની અને બીજાઓની આંખમાં ધૂળ નાખતા હોય છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મો માટે એવું મેનિપ્યુલેશન કરવાની જરૂર નથી—જે છે તે જ સત્ય બહાર આવવાનું છે.
ફિલ્મ જો 35 કરોડમાં બની હોય અને એ 35 કરોડનો બિઝનેસ કરે એટલે એનો ખર્ચ નીકળી જાય અને એ પછી જેટલો બિઝનેસ કરે એમાં વકરો એટલો નફો થશે એવું નથી હોતું. 35 કરોડનું કલેક્શન થાય એમાંથી સૌથી પહેલાં સરકારને મનોરંજન કર ભરવો પડે. પછી થિયેટર માલિકોનો હિસ્સો આપવાનો થાય. બીજા કેટલાક ખર્ચાઓ બાદ કરીને જે રકમ વધે એમાં ડિસ્ટ્રિબ્યુટરનો ભાગ આપવાનો હોય. એ પછી નિર્માતાઓને ભાગે જે રકમ આવે તેમાંથી ફિલ્મ નિર્માણનો ખર્ચો બાદ કરીને જે વધે તે પ્રોફિટ ગણાય જેના પર ઇન્કમ ટેક્સ લાગે.
સામાન્ય ગણિત મુજબ 35 કરોડમાં બનેલી ફિલ્મનું કલેક્શન 70 કરોડ જેટલું થાય ત્યારે ફિલ્મ બ્રેક-ઇવન પર આવે, અને નહીં નફો-નહીં નુકસાનના બે ત્રાજવાં સમતોલ થાય. 71મા કરોડ પછી નિર્માતાઓને એમાંથી પોતાના ભાગનો નફો મળતો થાય.
‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ના ઓટીટી પર રિલીઝ કરવાના હક વેચાઈ ચૂક્યા હશે પણ એની રકમ હજુ સુધી જાહેર નથી થઈ. એ રકમ જે હોય તે પણ આજની તારીખે આ ફિલ્મના નિર્માતાઓએ જેટલી રકમ એને બનાવવા પાછળ ખર્ચી છે એટલી કમાણી કરીને નુકસાનીમાંથી ઉગરી જાય એવી શક્યતા લાગતી નથી. નિર્માતા અભિષેક અગ્રવાલ અને અગ્નિહોત્રી દંપત્તિ છે. ત્રણેયે આ ફિલ્મમાંથી નફો કરવાને બદલે ભાગે આવતી ખોટ વહેંચી લેવી પડશે. એવું ન બને તેવી પ્રાર્થના.
વિવેક અગ્નિહોત્રીએ એકાધિક ઇન્ટરવ્યુઝમાં કહ્યું છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માંથી જે નફો થયો તેમાંથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ પાછળ ખર્ચવામાં આવેલાં નાણાં પણ જો પાછા ન આવે, નફાની તો વાત દૂર જ રહી, તો શું વિવેક અગ્નિહોત્રી હવે પછી ફિલ્મ બનાવી શકશે? એમનામાં ભલે અખૂટ હિંમત હોય પણ બીજાઓ એમના પ્રોજેક્ટને આર્થિક ઇંધણ પૂરું પાડશે? વિવેક અગ્નિહોત્રીએ નાસીપાસ ના થવું જોઈએ. એમની ટીમ કે એમના સપોર્ટરોએ એમનો સાથ છોડવાનું વિચારવાનું પણ ના હોય. ચડાવ-ઉતાર તો આવે.
એક ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ જવાથી એનો સર્જક નિષ્ફળ નથી જતો. માત્ર કમાણી જ કરવી હોત તો વિવેક અગ્નિહોત્રી કરણ જોહર કે પ્રિયદર્શન જેવી ફિલ્મો બનાવીને દુબઈ-સ્વિટ્ઝરલૅન્ડમાં વિલાઓ અને કૉટેજો બાંધી શક્યા હોત. એટલી ટેલન્ટ, આવડત અને હોશિયારી એમનામાં છે જ. પણ તેઓ ફિલ્મના માધ્યમથી દેશમાં જાગૃતિ લાવવા માગે છે, અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કે ‘વૅક્સિન વૉર’ કે ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ દ્વારા ભારતના પ્રેક્ષકોમાં જાગૃતિ આવી છે. ત્રીજીવાર ફિલ્મ જોઈને બહાર નીકળતો હતો ત્યારે થિયેટરના ફૉયરમાં પાંચ-સાત કોલેજિયનોની વાત કાને પડી. એક યુવાન પૂછી રહ્યો હતો : ‘ખરેખર, શાસ્ત્રીજીનું ખૂન ‘એમણે’ કરાવ્યું હતું ?’ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મો જોઈને ભારતની જનતાની આંખ ઉઘડતી થઈ છે, તેઓ પ્રશ્નો પૂછવા લાગ્યા છે.
ડાયરેક્ટ એક્શન ડે અને નોઆખલી હિન્દુ હત્યાકાંડ વિશે ભારતના બહુ ઓછા લોકોને અત્યાર સુધી જાણકારી હતી. શાળા-કૉલેજના અભ્યાસક્રમમાંથી ઇતિહાસનાં એ પાનાં ગાયબ કરી દેવામાં આવ્યાં છે. આવી ફિલ્મો બને છે ત્યારે એ સત્ય બહાર આવે છે. કાશ્મીરમાં ત્યાંના મૂળ નિવાસી હિન્દુઓનું નિકંદન કેવી રીતે નીકળ્યું અને કેવી રીતે કાશ્મીરને બાકીના ભારતથી અલગ કરી દેવામાં આવ્યું એની વિગતો ફિલ્મ આવી તે પહેલાં મુઠ્ઠીભર લોકો પાસે જ હતી. ફિલ્મે આ વાત કરોડો લોકો સુધી પહોંચાડી. કોવિડની મહામારી વખતે ફાઇઝર જેવી અમેરિકી મલ્ટીનૅશનલ ફાર્મા કંપનીની ગોબાચારી સામે ભારત કેવી રીતે અડીખમ રહ્યું જેને કારણે દેશને મસમોટું આર્થિક નુકસાન થતું બચી ગયું એટલું જ નહીં ફાઇઝરની ગલત રસીને કારણે ભારત જેવા સમશિતોષ્ણ દેશમાં થઈ શકનારાં મૃત્યુ થતાં અટકી ગયાં એનો છૂટોછવાયો દસ્તાવેજી ઇતિહાસ તમને કોઈ છાપાંના અહેવાલોમાં કે બે-ચાર પુસ્તકોમાં કદાચ મળશે પરંતુ સામાન્ય નાગરિક તરીકે તમે એના પર નજર પણ નથી નાખવાના. બે -અઢી કલાકની ‘વૅક્સિન વૉર’ તમે જોશો તો બધું સમજાઈ જશે.
આવું જ લાલ બહાદુર શાસ્ત્રીના અપમૃત્યુની બાબતમાં. તાશ્કંદમાં એમનું અવસાન શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. ઘણા બધા પુરાવાઓ સાથે સત્તાવાર ધોરણે ચેડાં કરવામાં આવ્યાં. શું કામ ભારતની સરકારે આ આખો વિવાદ જાજમ તળે ધકેલી દીધો? વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ના આવી હોત તો ભારતની મોટાભાગની પ્રજા આ આખાય વિવાદાસ્પદ પ્રકરણથી અજાણ રહી જાત.
વિક્રમ સારાભાઈ કે હોમી ભાભા જેવા મહાન વૈજ્ઞાનિકોનાં મોત વિશે વિવેક અગ્નિહોત્રી જેવા સર્જકો ફિલ્મ બનાવશે તો અને ત્યારે આપણી આંખો ઉઘડશે.
ભારતમાં માઓવાદ અને નક્સલવાદના નામે દેશના અંતરિયાળ વિસ્તારોમાં થતી હિંસાને શહેરમાં ભણેલાગણેલા અને તથાકથિત દાનધર્માદાની પ્રવૃત્તિઓમાં ડૂબેલા અર્બન-નક્સલો વિશે વિવેક અગ્નિહોત્રીએ છેક એક-દોઢ દાયકા પહેલાં ‘બુદ્ધ ઈન ટ્રાફિક જામ’ જોવા સાંકેતિક શિર્ષકવાળી નાનકડા બજેટની એક ફિલ્મ બનાવેલી.
મેઈનસ્ટ્રીમ હિન્દી સિનેમાનો એક ફેમસ ડાયલોગ ઉધાર લઈને આપણે કહી શકીએ કે —‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ ફ્લૉપ થઈ નથી, ‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ જેવી ફિલ્મ ફ્લૉપ થતી નથી.
આવી ફિલ્મો બનાવવા માટે નૈતિક હિંમત જોઈએ. આબરૂનું જ નહીં જાનનું પણ જોખમ હોય છે આવું કામ કરવામાં. ગાંઠના પૈસાનો સવાલ હોય છે. બે-ચાર હજાર કે બે-ચાર લાખનો નહીં, કરોડો રૂપિયાના નુકસાનને સહન કરવાનું જોખમ ઉઠાવવાનું હોય છે. તમારા વિરોધીઓ તમારા જશને માથે જૂતિયા જ મારવાના છે એવી ખાતરી હોવા છતાં કર્મણ્યે વાધિકારસ્તેની ફિલસૂફીમાં આસ્થા રાખવાની હોય છે.
‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ જેવી ફિલ્મો બનવી જોઈએ. બૉક્સ ઑફિસ પર નબળો દેખાવ કરશે એવી દહેશતથી આ પ્રકારના વિષયો ગુમનામીના અંધારામાં ધકેલાઈ જાય એવું ના બનવું જોઈએ. ‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ને બદલે ડાબેરીઓ અને સેક્યુલરોને ગમે એવી ફિલ્મ બની હોત અને બૉક્સ ઑફિસ પર સારો દેખાવ ના કરી શકી હોત તો લેફ્ટિસ્ટો અને સેક્યુલરો શું એના કલેક્શનના આંકડાઓ પર ફોકસ કરતા હોત કે પછી ફિલ્મના દિગ્દર્શકની સર્જકતાને, એની હિંમતને વખાણતા હોત ?
વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની જેમ ખૂબ કમાણી કરી હોત તો બીજા ફિલ્મ સર્જકોને, ફાઇનાન્સરોને ઘણું મોટું પીઠબળ મળ્યું હોત. જસ્ટ ગણતરી કરો કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ભવ્ય સફળતાથી પ્રેરાઈને એકતા કપૂર જેવી નિર્માત્રીએ ‘સાબરમતી રિપોર્ટ’ બનાવી, વિપુલ અમૃતલાલ શાહ જેવા કચ્છી-ગુજરાતીએ ‘ધ કેરળ સ્ટોરી’ જેવી ફિલ્મનું નિર્માણ કરવાનું સાહસ કર્યું. આ ઉપરાંત બીજી નાનીમોટી ડઝનેક ફિલ્મો આવી જે કદાચ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કારણે સર્જાયેલા માહોલને લીધે જ બની.
સારી ફિલ્મો-સાચી ફિલ્મો અને કમર્શ્યલી સક્સેસફુલ ફિલ્મો વચ્ચે ફરક છે. બધી જ સારી-સાચી ફિલ્મો નફો કરે એવું બનતું નથી. નફો કરનારી બધી જ ફિલ્મો સારી-સાચી કે જોવા જેવી હોય છે એવું પણ જરૂરી નથી. પણ સારી ફિલ્મો બનાવનારા ખોટ ખાય ત્યારે દુઃખ થતું હોય છે. એમની કમાણી ઉપરાંત એમણે ફિલ્મ બનાવવામાં રહેલી સર્જકતા ઊગી નથી નીકળી એનું દુઃખ.
પણ આ દુઃખ સર્જકે, સર્જકની ટીમે, સર્જકના આપણા જેવા લાખો-કરોડો ચાહકોએ—સૌએ સહન કરવાનું હોય છે. આપણે આપણી જાતને આશ્વાસન આપવાનું હોય કે ‘કાગઝ કે ફૂલ’ કે પછી ‘મેરા નામ જોકર’ કે ‘સિલસિલા’ કે ‘શૉશેન્ક રિડેમ્પશન’ જેવી સેંકડો ફિલ્મોની જેમ ‘ધ બેન્ગૉલ ફાઈલ્સ’ પણ ભવિષ્યમાં એક કલ્ટ ક્લાસિક સિનેમાની જેમ વખણાતી હશે. અને ગૌરવ મહેસૂસ કરવાનું છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અમે એક વાર (કે પછી ત્રણ-ત્રણ વાર) જોઈ હતી.
છેલ્લો બૉલ
લેફ્ટિસ્ટ સર્જક સત્યજિત રાયે બંગાળના દુકાળ પર બનાવેલી ‘અશાનિ સંકેત’ બૉક્સ ઑફિસ’ પર ના ચાલી કે 2002નાં રમખાણો વિશેની રાહુલ ધોળકિયાની ‘પરજાનિયા’ બૉક્સ ઑફિસ પર ઊંધે માથે પડી ત્યારે એ ફિલ્મકારોનાં પેટનું પાણી પણ હાલ્યું નહોતું.– સુરજિત દાસગુપ્તા (પત્રકાર)


