1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા હતા. મહારાષ્ટ્રના જન્મની સાથે જ તેને આર્થિક પાટનગર મુંબઈ મળ્યું હતું, આ ઉપરાંત પુણે, થાણે અને નાગપુર જેવા અન્ય વિકસિત શહેરો પણ ખરા જ. પરંતુ ગુજરાતના જન્મની સાથે આવું કશું થયું નહોતું. ગુજરાતનું અલગ માત્ર એક વહીવટી પુનર્ગઠન નહોતું, પરંતુ એક સાંસ્કૃતિક અને ભાષાઈ ઓળખની જીત હતી. પરંતુ ઓળખ મળી જવી અને પ્રગતિ કરી લેવી આ બંને અલગ વાતો છે. ગુજરાતને પોતાની ઓળખ તો મળી ગઈ હતી, પરંતુ આવનારા કેટલાક દાયકાઓ સુધી તે એ ઊંચાઈ સુધી પહોંચી શક્યું નહોતું જેની તેનાથી અપેક્ષા હતી.
ગુજરાતના પ્રારંભિક દાયકાઓની વાત એવા રાજ્યની વાત છે જે સંભાવનાઓથી ભરપૂર હતું, પરંતુ દિશા અને સ્થિર નેતૃત્વના અભાવમાં વારંવાર ભટકતું રહ્યું. ઉદ્યોગ અને વેપારની પરંપરા હોવા છતાં વ્યાપક સ્તરે વિકાસનું તે માળખું ન બની શક્યું જે રાજ્યને દેશના અગ્રણી હિસ્સાઓમાં ઊભું કરી શકે. વધુમાં ગુજરાતને હિંસા અને રમખાણોના કાદવમાં હોમી દેવાયું. વિકાસની અછત, બેરોજગારી, ગરીબી અને અર્થતંત્ર, બધુ જ ઠરીને ઠામ થઈ ગયું હતું. ન તો સારી દશા હતી અને ન તો કોઈ દિશાસૂચક નેતા.
તે સમયે અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં મોટાં શહેરો હતાં, પણ વિકાસની અછત વળગીને આંખે આવે તેવી હતી. સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં લોકો પાણી માટે ઝઝૂમી રહ્યા હતા. ધોલેરા, ધંધુકામાં પાણીની અછતના કારણે કોઈ દીકરી આપવા માટે તૈયાર નહોતું. કચ્છ અને કાઠિયાવાડના ઘણા વિસ્તારો સૂકો અને કાળમીંઢ ખારોપટ બની ગયા હતા. કોઈ જોવાવાળું નહોતું અને કોઈ કરવાવાળું પણ નહોતું. લોકોએ અપેક્ષાઓ પણ છોડી દીધી હતી.
ગુજરાતે ભાષાની અસ્મિતાની લડાઈ લડીને અલગ રાજ્ય તો મેળવી લીધું પણ પછીથી તે રાજ્યને એક મોડેલ કેમ બનાવવું તેના પર કોઈ કામ ન થયું. મુખ્યમંત્રીઓ બદલાતા ગયા, પણ ન બદલાયું માત્ર ગુજરાત. ઇન્ફ્રાસ્ટ્રકચરના નામે આગગાડીઓના પાટા અને પુલ જોઈ શકાતા હતા. ડામરના કાચા રસ્તાને લોકો વિકાસ ગણીને વધાવી રહ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત નિસાસો નાખી રહ્યું હતું અને ભવિષ્ય તરફ અંધકારથી જોઈ રહ્યું હતું.
અસ્થિરતા, સામાજિક તણાવ અને રાજકીય પ્રયોગોનો સમય
1980ના દાયકામાં ગુજરાતનું રાજકારણ એવા વળાંકે પહોંચ્યું જ્યાં સત્તાના સમીકરણોએ સામાજિક સંતુલનને અસર કરવાનું શરૂ કર્યું. આ સમયમાં માધવસિંહ સોલંકીની ‘KHAM’ (Kshatriya, Harijan, Adivasi, Muslim) રણનીતિએ ચૂંટણી ગણિત તો સાધ્યું, પરંતુ તેના સામાજિક પરિણામો લાંબા સમય સુધી અનુભવમાં આવતા રહ્યા.
આંદોલનો, જાતીય તણાવ અને શહેરી હિંસાએ રાજ્યને વારંવાર શરમાવ્યું. અનેક શહેરોમાં પરિસ્થિતિ એવી બની કે આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થવા લાગી. આ તે સમય હતો જ્યારે ગુજરાત, જે પોતાની ઉદ્યમશીલતા માટે જાણીતું હતું, અસ્થિરતા અને અવિશ્વાસના વાતાવરણમાં ડૂબી ગયું હતું.
સમય-સમય પર થતા રમખાણો અને સામાજિક અથડામણે રોકાણ અને વિકાસ બંનેને અસર કરી. એ કહેવું ખોટું નહીં ગણાય કે તે સમયે ગુજરાતની છબી એક સ્થિર અને વિશ્વસનીય રોકાણ ગંતવ્યની નહોતી, પરંતુ એવા રાજ્યની હતી જ્યાં રાજકીય પ્રયોગોની સામાજિક અસર દેખાઈ રહી હતી.
1990ના દાયકા સુધી આવતાં-આવતાં ગુજરાત એક વિચિત્ર સ્થિતિમાં આવી ગયું. એક તરફ તેની વેપારી ઊર્જા હતી, બીજી તરફ વહીવટી અને રાજકીય અસ્થિરતા. વારંવાર સરકારો બદલાવી, નીતિઓમાં નિરંતરતાનો અભાવ અને ક્ષેત્રીય અસંતુલન, આ બધાએ રાજ્યને એક પ્રકારની અસ્થિરતામાં મૂકી દીધું હતું.
આ તે સમય હતો જ્યારે દેશના અન્ય ભાગો ઉદારીકરણ પછી તેજીથી આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકતું નહોતું. રોજગારના અવસરો મર્યાદિત હતા અને જે હતા તે પણ મોટા શહેરો સુધી કેન્દ્રિત હતા. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વિકાસની ગતિ ધીમી હતી અને હિંસા તો છાશવારે થતી હતી. માધવસિંહ સોલંકીના સમયમાં જ અમદાવાદમાં રમખાણો વચ્ચે ‘ગુજરાત સમાચાર’ની ઑફિસ સળગાવી દેવામાં આવી હતી.
નેતૃત્વની સાથે બદલાતી દિશા
ગુજરાત રડતું-કકળતું આગળ વધી રહ્યું હતું. 2000ના દાયકા સુધી પહોંચતા-પહોંચતા ગુજરાતે કોઈ વિકાસ ન જોયો, ન તો કોઈ સિદ્ધિ જોવા મળી. 2001નો ભૂકંપ ગુજરાત માટે એક મોટો આઘાત હતો. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી થઈ હતી. ગુજરાત એવા માણસને શોધી રહ્યું હતું જે તેનો મહાન વારસો આગળ લઈ જઈ શકે, જે તેને ફરી ઊભું કરી શકે અને એક મોડેલ સ્થાપિત કરી શકે. આ જ પૃષ્ઠભૂમિમાં 2001ના અંતમાં ગુજરાતને નરેન્દ્ર દામોદરદાસ મોદી મળી જાય છે અને ગુજરાતની એ શોધ પૂર્ણ થાય છે.
નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન સોંપવામાં આવ્યા બાદ 2002ની શરૂઆત ગુજરાત માટે એક અન્ય કઠિન પરીક્ષા લઈને આવી. ગોધરાકાંડ અને તે પછીના રમખાણો રાજ્યના ઇતિહાસનો એક સંવેદનશીલ અને વિવાદાસ્પદ અધ્યાય છે. પરંતુ તે પછી જે થયું, તે જ આ ઇતિહાસનો નિર્ણાયક ભાગ બની જાય છે.
નેતૃત્વ સંભાળ્યા પછી શરૂઆતી ફોકસ વિકાસ પર નહીં, પરંતુ સ્થિરતા પર હતો. વહીવટીતંત્રને સખ્ત બનાવવું, કાયદો-વ્યવસ્થાને નિયંત્રણમાં લાવવા અને એ સંદેશ આપવો કે રાજ્ય હવે સતત હિંસાના ચક્રમાં નહીં ફસાય, આ પ્રાથમિકતા બની. સમય સાથે ગુજરાતમાં મોટાપાયે રમખાણોની ઘટનાઓ થંભી ગઈ. આ ફેરફાર માત્ર કાયદો-વ્યવસ્થાનો નહોતો, પરંતુ રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે એક જરૂરી આધાર પણ તૈયાર થઈ રહ્યો હતો.
ગુજરાત મોડલનો ઉદય
સ્થિરતા પછીનો મોદી સરકારનો આગલો તબક્કો હતો આક્રમક વિકાસ. આ જ તે સમય હતો જ્યારે ‘ગુજરાત મોડલ’ શબ્દ ચર્ચામાં આવ્યો. પરંતુ તેને સમજવા માટે તેને માત્ર એક રાજકીય નારા તરીકે નહીં, પરંતુ એક કાર્યપદ્ધતિ તરીકે જોવું પડશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પૂર્ણ ગતિએ કામ થયું. રસ્તાઓ, વીજળી, પાણીની સમસ્યાઓ એક પછી એક સમાપ્ત થતી ચાલી. વીજળી ક્ષેત્રમાં સુધારાઓએ ગામડાઓ સુધી 24×7 વીજળી પહોંચાડવાનો માર્ગ પ્રશસ્ત કર્યો. ઉદ્યોગો માટે પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી, રોકાણકારોને સ્પષ્ટ નીતિ અને તેજ નિર્ણયનો વિશ્વાસ આપવામાં આવ્યો.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા આયોજનોએ રાજ્યને વૈશ્વિક રોકાણ માનચિત્ર પર લાવીને ઊભું કર્યું. મોટા ઉદ્યોગોથી લઈને નાના અને મધ્યમ ઉદ્યમો સુધી, એવું વાતાવરણ બનાવવામાં આવ્યું જ્યાં રોકાણને અવસર તરીકે જોવામાં આવ્યું, જોખમ તરીકે નહીં.
જોકે ઘણી વખત ગુજરાતની સફળતાને ઉદ્યોગ સુધી મર્યાદિત કરી દેવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિવર્તનનો એક મોટો હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાં થયો. જળ વ્યવસ્થાપન, ચેક ડેમ, માઇક્રો-ઇરિગેશન અને કૃષિ વિસ્તાર સેવાઓએ ખેતીને વધુ ઉત્પાદક બનાવી.
ગુજરાત, જેને ક્યારેક સૂકું-પ્રવણ રાજ્ય માનવામાં આવતું હતું, કૃષિ વિકાસ દરમાં નોંધપાત્ર સુધારો દેખાડવા લાગ્યું. ખેડૂતોની આવક અને ઉત્પાદન બંનેમાં વૃદ્ધિ થઈ. આ પરિવર્તન એટલે મહત્વનું હતું કારણ કે તેણે વિકાસને માત્ર શહેરી વિસ્તારો સુધી મર્યાદિત ન રહેવા દીધો.
‘પહેલાં વીજળી એટલે શું એ ખબર નહોતી’- વિકાસના પ્રત્યક્ષદર્શીઓ
મોદી પહેલાંનું ગુજરાત કેવું હતું અને હવે મોદી પછીનું ગુજરાત કેવું છે એ સમજવા માટે ઑપઇન્ડિયાએ ઘણા એવા માણસોનો સંપર્ક કર્યો હતો, જેમણે આ બંને સમય જોયા હોય. સૌરાષ્ટ્રના ભાવનગરના એક અંતરિયાળ ગામમાં રહેતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે ભાવનગરના અંતરિયાળ વિસ્તારમાં તેમનું ગામ છે અને ત્યાં સુધી એક સમયે કોઈ સુવિધા પહોંચી શકી નહોતી. 2000ના દાયકા પહેલાં સ્થિતિ એવી હતી કે હટાણું કરવા જવા માટે પણ પગપાળા જવું પડતું અથવા તો બળદગાડું જોતવું પડતું. વીજળી કોને કહેવાય એ ગ્રામીણોને ખબર પણ નહોતી.
કોઈ સરકારી સુવિધા નહોતી. શહેરોમાં ભાગ્યે સરકારી બસો મળતી, તેવામાં આવા દરિયાકાંઠાના અને અંતરિયાળ વિસ્તારમાં તેની કલ્પના કરવી પણ અશક્ય હતી. ગોવિંદભાઈએ કહ્યું કે 2001 બાદ સ્થિતિ બદલાવા લાગી. ગામમાં વીજળી આવી ગઈ અને એ પણ 24 કલાક માટે. તે વિસ્તાર તો ખારોપટ કહેવાતો હતો, ત્યાં પીવાનાં પાણીની ધોમ અછત હતી, પરંતું મોદી આવ્યા બાદ ઘરે-ઘરે નળ પહોંચી ગયા અને નર્મદાનું પાણી છેક કાઠિયાવાડના દરિયાકાંઠાના ગામડાઓના લોકો સુધી પહોંચ્યું.
વિકાસનો ખરો અર્થ જ એ છે લોકોને સુલભતા મળે. ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રમાં એવું થઈ રહ્યું નહોતું. મોદી આવ્યા બાદ સમગ્ર દ્રષ્ટ બદલાઈ ગયું. અંતરિયાળ ગામડાઓમાં સરકારી બસ સેવા શરૂ થઈ. ગોવિંદભાઈએ સંસ્મરણો વાગોળતાં કહ્યું કે તેમને આછું-પાતળું યાદ છે કે તેમના ગામમાં પહેલી વખત પાણી આવ્યું ત્યારે ગામના લોકો તેની પૂજા કરવા અને વધાવવા આવ્યા હતા અને પહેલી વખત સરકારી બસ આવી તો બાળકો અને વૃદ્ધો કુતૂહલ સાથે જોવા આવ્યા હતા.
આજે એ ગામડાઓની સ્થિતિ સારી છે. આસપાસમાં દરિયાઈ બંદરો બન્યાં છે, રોડ-કનેક્ટિવિટી પણ મજબૂત બની ગઈ છે અને 24 કલાક વીજળી પણ રહે છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં રહેતા ભીખાભાઈએ પણ મોદી પહેલાંના તેમના વિસ્તારની વાત કરી હતી. ભીખાભાઈ સરકારી શિક્ષક રહી ચૂકેલા છે અને નવસારી હાઇસ્કૂલમાં કાયમ તેઓ પગપાળા જતાં હતા. દરરોજનું લગભગ 30 કિલોમીટર જેટલું અંતર તેઓ ચાલીને કાપતા હતા, કારણ કે તે સમયે એ શહેરોમાં અને આસપાસના ગામડાઓમાં જાહેર વાહનનો અભાવ હતો. કોઈ ઉદ્યોગ કે રોજગાર નહોતો.
આજે એ જ દક્ષિણ ગુજરાત ઉદ્યોગ હબ બની ગયું છે. સુરત ડાયમંડ સિટી બની ગયું છે. વિશ્વના 98% હીરા સુરતમાં બને છે અને દક્ષિણ ગુજરાતમાં વિકાસ પણ બેધારો થયો છે. આ પ્રત્યક્ષદર્શીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે મોદીના આવ્યા બાદથી ગુજરાત બેઠું થયું છે, જે અગાઉ મહારાષ્ટ્રથી અલગ થયા પછી ક્યારેય થયું નહોતું.
સિસ્ટમમાં સુધારા
મોદી શાસનની એક મોટી વિશેષતા વહીવટી સુધારાઓ પર ભાર હતી. ઈ-ગવર્નન્સ, સમયબદ્ધ સેવાઓ અને જવાબદારી આ બધાએ સરકારી મશીનરીની કાર્યશૈલી બદલવાના પ્રયાસ કર્યા. નીતિઓમાં નિરંતરતા અને નિર્ણય લેવાની ગતિએ એવું વાતાવરણ બનાવ્યું જ્યાં યોજનાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીન પર ઉતરતી હતી. આ જ તે પાસું હતું જેણે ગુજરાતને ‘નીતિ-સ્થિર’ રાજ્ય તરીકે સ્થાપિત કર્યું.
એ સમય પણ યાદ હશે કે જ્યારે બંગાળમાંથી મમતા બેનર્જીએ ટાટા નેનો પ્લાન્ટ હટાવ્યો કે તરત જ તક ઝડપીને મોદીએ ટાટા માટે ગુજરાતના દ્વાર ખોલી દીધા અને તાત્કાલિક નિર્ણયથી જમીન પણ ફાળવી દીધી. પ્રક્રિયામાં સમય વેડફવાની જગ્યાએ સિસ્ટમને જ ઝડપી કરી દીધી અને તેનું પરિણામ એ આવ્યું કે આજે ગુજરાત ઑટોમોબાઇલ સેક્ટરનું હબ બની ગયું.
વિકાસની આ યાત્રા પડકારોની વગરની નહોતી. કેન્દ્રમાં તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને રાજ્ય સાથે તેને ભારોભાર વાંધો હતો. પરંતુ રાજકીય ટકરાવો વચ્ચે પણ ગુજરાતની વિકાસ ગતિ ચાલુ રહી, તે ન તો અટકી અને ન તો ગુજરાતે ફરી પાછું વળીને ક્યારેય જોયું.
2014માં જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્રમાં આવ્યા, ત્યારે ગુજરાતનો અનુભવ તેમની સાથે દિલ્હી પહોંચ્યો. અનેક રાષ્ટ્રીય યોજનાઓમાં તે જ વિચારસરણીની ઝલક દેખાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર, ડિજિટલ ગવર્નન્સ, રોકાણ આકર્ષિત કરવાના પ્રયાસ. ગુજરાત એક રાજ્ય કરતાં વધુ એક સંદર્ભ બની ચૂક્યું હતું, એવું ઉદાહરણ જેને વિકાસ મોડલ ગણવામાં આવે છે.
માત્ર 13 વર્ષના ઓછા સમયમાં મોદીએ ગુજરાતની દશા પણ બદલી નાખી અને દિશા પણ બદલી નાખી, આ કોઈ ક્રાંતિથી ઓછું નથી. કારણ કે એક દળદળમાં ફસાયેલું રાજ્ય, હિંસામાં ઝઝૂમી રહેલો વિસ્તાર, વિકાસથી છેટો રહેતો પ્રદેશ અને બેરોજગારીથી બચકાં ભરતું ગુજરાત માત્ર 13 વર્ષમાં અડીખમ ઊભું થઈ ગયું.
આજે ગુજરાતની ઓળખ એક એવા રાજ્ય તરીકે છે જે ઉદ્યોગ, નિકાસ, મૂળભૂત માળખું અને રોકાણમાં અગ્રણી છે. બંદરોથી લઈને ઔદ્યોગિક કોરિડોર સુધી, અનેક ક્ષેત્રોમાં રાજ્યે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. આજે ગુજરાત દેશના સૌથી વિકસિત રાજ્યો પૈકીનું એક છે. આ પરિવર્તન અચાનક નહોતું થયું. આ એક લાંબી પ્રક્રિયાનું પરિણામ છે, જેમાં સ્થિરતા, નીતિ અને નેતૃત્વ ત્રણેયનું યોગદાન રહ્યું છે.
ગુજરાતની આ વિકાસયાત્રા માત્ર ‘પહેલાં અને પછી’ની તુલના નથી. આ તે પરિવર્તનની કથા છે જેમાં એક મજબૂત શાસકના નેતૃત્વમાં એક રાજ્યે પોતાના પડકારોમાંથી બહાર નીકળીને પોતાને ફરીથી ઊભું કર્યું અને ખૂબ ઓછા સમયમાં પોતાને ઉન્નતિના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડ્યું. ગુજરાત સ્થાપના દિવસ પર એ યાદ કરવું જરૂરી છે કે ઓળખ કરતાં આગળ વધીને પ્રદર્શન જ કોઈ રાજ્યને અલગ બનાવે છે અને ગુજરાતની યાત્રા આ જ બદલાવની સાક્ષી આપે છે.


