હોમપેજરાજકારણહા, લિબરલશ્રેષ્ઠો… બંગાળ ચૂંટણી એ ઈલેક્શન કમિશનની પણ જીત છે!

હા, લિબરલશ્રેષ્ઠો… બંગાળ ચૂંટણી એ ઈલેક્શન કમિશનની પણ જીત છે!

ચૂંટણી પંચે જ્યારે સઘન સુધારણા માટે SIR પ્રક્રિયા ચાલુ કરી ત્યારે પણ ઇકોસિસ્ટમ બબ્બે ફૂટ જેટલી ઊંચી ઉછળી હતી અને સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી. કોર્ટે એમને સાંભળ્યા ખરા પણ કોઈ રાજ્યમાં SIR ન અટકાવી એટલે ત્યાં પણ મનસૂબા પર પાણી ફરી ગયું. અંતિમ વિકલ્પ તરીકે પરાજય બાદ ફરી એક વખત ચૂંટણી પંચને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું.

- Advertisement -

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત અને દોઢ દાયકાથી સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસના કારમા પરાજય બાદ ફરી એક વખત ઈકોસિસ્ટમના નિશાને ચૂંટણી પંચ ચડી ગયું છે. હારીને હતાશ થઈ ગયેલા વિપક્ષ નેતાઓ, તેમનો ઈગો સંતોષવા માટે એજન્ડાને અનુરૂપ લખીને ગલગલિયાં કરાવતા તથાકથિત પત્રકારો અને કારકિર્દીની શોધમાં આ બંનેની આગળ-પાછળ ફરતા એક્ટિવિસ્ટોએ ફરી એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે કે ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને વિપક્ષને નુકસાન થાય એ રીતે ચૂંટણી કરાવી અને એટલે ભાજપની આટલી મોટી જીત થઈ.

વાસ્તવિકતાની ધરતીથી બે વેંત છેટા ચાલતા આ વિદૂષકો એ જોતા નથી કે ભાજપને આ જીત જે સ્કેલ પર મળી છે અને જે વાતાવરણમાં મળી છે, એ જનાદેશ હોય, સ્પષ્ટ જનાદેશ હોય તો જ મળી શકે, તેમાં કોઈ ‘મૅનેજમેન્ટ’ કામ આવતું નથી. જનાદેશ કેટલો પ્રચંડ છે એ ટીવી સ્ક્રીન પર તો ઠીક, પણ કલકત્તા અને બંગાળનાં અન્ય શહેર-ગામડાંની સડકો પર દેખાય રહ્યો છે. ટેકનોલોજી અને ઈન્ટરનેટની કૃપાથી તમારા મોબાઈલની સ્ક્રીન પર પણ આ ઉત્સાહ-ઉમંગ દેખાય રહ્યો છે. બે દિવસથી બંગાળ ભગવામય બની ગયું છે એ જ આ પરિણામો કેટલાં સાચાં છે એ દર્શાવે છે.

પરંતુ કાયમ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે વિપક્ષ નેતાઓ જેમ ચૂંટણી પંચને ગાળો દેવાનું શરૂ કરી દે છે એવું જ આ વખતે પણ થયું છે. પહેલાં તેમના નિશાને EVM હતું. લગભગ એકાદ દાયકો આ તૂત ચલાવ્યું પણ કોઈ ફાવટ ન આવી એટલે ‘વોટ ચોરી’ અને ‘ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ થાય છે’ એવું ગતકડું શોધી કાઢવામાં આવ્યું.

- Advertisement -

ચૂંટણી પંચે જ્યારે સઘન સુધારણા માટે SIR પ્રક્રિયા ચાલુ કરી ત્યારે પણ ઇકોસિસ્ટમ બબ્બે ફૂટ જેટલી ઊંચી ઉછળી હતી અને સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી. કોર્ટે એમને સાંભળ્યા ખરા પણ કોઈ રાજ્યમાં SIR ન અટકાવી એટલે ત્યાં પણ મનસૂબા પર પાણી ફરી ગયું. અંતિમ વિકલ્પ તરીકે પરાજય બાદ ફરી એક વખત ચૂંટણી પંચને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું.

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ અમુક કટાક્ષ કરીને આને ‘ચૂંટણી પંચની જીત’ ગણાવી રહ્યા છે. નરેટિવ એવો ગોઠવાય રહ્યો છે કે ચૂંટણી પંચે, તેના અધિકારીઓએ મોદી અને શાહ સાથે મળીને ટીએમસીને હરાવવા માટે આખું તંત્ર ગોઠવી દીધું હતું. આવી જ વાત મમતા બેનર્જીએ બીજા દિવસની પ્રેસ કૉન્ફરન્સમાં કરી અને ચૂંટણી પંચને વિલન ઘોષિત કરી દીધું. રાહુલ ગાંધીને તેમની આસપાસના જિહજુરિયાઓ આવી એકાદ સ્ક્રિપ્ટ પકડાવી દે એટલે તેઓ અઠવાડિયું એની પાછળ કાઢી નાખે છે. પછી કોઈ વિદેશની ટિકિટ કરાવી લે છે.

આ કોઈ પ્રોપગેન્ડાબાજો એ જણાવતા નથી કે તો પછી કેરળમાં અને તમિલનાડુમાં ભાજપને આવું ‘તંત્ર’ ગોઠવતાં કેમ ન આવડ્યું? બંગાળમાં પણ ભાજપની સરકાર તો હતી નહીં. ઉપરથી જો ખરેખર આવું કરવું હોય તો તમિલનાડુ અને કેરળ બંગાળ કરતાં તો સરળ છે. આ પ્રશ્નનો જવાબ આપે તો આખો પ્રોપગેન્ડા ધ્વસ્ત થઈ જાય એમ છે.

બીજું, SIRને દોષ આપવામાં આવે છે. ગુજરાતમાં પણ અમુકને સનેપાત ઉપડ્યો છે. SIRમાં લાખો વોટ ડિલીટ થયા એટલે ટીએમસીને નુકસાન ગયું એવું આ ગેંગ આપણને કહે છે. આંકડાઓ આપતી નથી. કારણ કે ડેટા આપવામાં પોલ ખુલી જાય એમ છે. ડેટા કહે છે કે જે 20 બેઠકો પર સૌથી વધુ વોટ ડિલીટ થયા હતા, તેમાંથી 13 પર ટીએમસીની જીત થઈ છે. આમાં ટીએમસીને નુકસાન થયું કઈ રીતે કહેવાય?

SIR તમિલનાડુ અને કેરળમાં પણ થયું હતું, પરંતુ તેનાં પરિણામો એજન્ડાને અનુરૂપ આવ્યાં હોવાથી ત્યાં મોં ખુલી રહ્યાં નથી. વાસ્તવિકતા એ પણ છે કે બિહારમાં SIR પ્રોસેસ થઈ, પછીથી અન્ય રાજ્યોમાં પણ થઈ, ક્યાંય એક પણ નાગરિકે બહાર આવીને પોતાનો જેન્યુઈન વોટ કપાઈ ગયો હોવાનું જણાવ્યું નથી. મતદાર યાદીમાંથી નકામા, બોગસ વોટ દૂર થાય એવું કયો દેશ ન ઇચ્છે? કયા દેશની સરકાર અને સંસ્થાઓ ન ઇચ્છે? પરંતુ ઇકોસિસ્ટમને દરેક બાબતમાં સમસ્યા છે.

હકીકત એ પણ છે કે આ ચૂંટણી ચૂંટણી પંચ પણ જીત્યું છે. કઈ રીતે? પશ્ચિમ બંગાળમાં આ પહેલાંની 2021ની વિધાનસભા ચૂંટણી યાદ કરો. લોકોમાં રીતસર ટીએમસીના ગુંડાઓએ ભય બેસાડી દીધો હતો. લોકો મતદાન કરવા આવવાથી પણ ડરતા હતા. ચૂંટણીમાં મમતાની પાર્ટીની જીત બાદ પશ્ચિમ બંગાળમાં ખૂની ખેલ ખેલાયો. હિંસા આચરવામાં આવી. કેટલાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હત્યા થઈ. પોસ્ટ પોલ વાયોલન્સની આવી 40 ઘટનાઓની યાદી અહીં મળી જશે. સેંકડો ઘટનાઓ ક્યાંય રિપોર્ટ થયા વગર દબાઈ ગઈ હતી.

વચ્ચે થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં હાલત વધુ ખરાબ હતી, કારણ કે ત્યારે તંત્ર સંપૂર્ણ મમતા સરકારના હાથમાં હતું. અધિકારીઓ અને પોલીસને પણ હાથમાં કરી લેવામાં આવી હતી અને ગુંડારાજ જેવો માહોલ હતો. ઠેરઠેર ચૂંટણી પ્રક્રિયામાં અરાજકતાનાં દ્રશ્યો આવતાં હતાં, ટીએમસીના ગુંડા મતપેટી ઉઠાવી લઈને જતા જોવા મળ્યા હતા. જો આ ગેંગને ખરેખર પારદર્શી ચૂંટણીની ચિંતા હોત તો ત્યારે અવાજ ઉઠાવ્યો હોત પણ ત્યારે તેઓ મૂંગા રહ્યા હતા.

આ વખતે આવી કોઈ ઘટના ન બની. આ વખતે એક પણ હત્યાની ઘટના વગર, કોઈ મોટી હિંસાની ઘટના વગર ચૂંટણી પૂર્ણ થઈ.  તેમ છતાં ફાલ્ટા અને અન્ય અમુક ઠેકાણે TMCએ આદત ન છોડી તો કેન્દ્રીય બળોએ તાત્કાલિક સ્થિતિ સંભાળી લીધી.

સમગ્ર ચૂંટણી દરમ્યાન બંગાળમાં કેન્દ્રીય બળો રહ્યાં. જો CRPFની ટુકડીઓ આટલી મોટી સંખ્યામાં તહેનાત કરવામાં ન આવી હોત તો મમતા સરકારના હાથ નીચે દબાઈને કામ કરતી બંગાળ પોલીસ સ્થિતિ સંભાળી શકી ન હોત અને ટીએમસીના ડરના કારણે કાર્યવાહી પણ કરી ન હોત. આ ચૂંટણી શક્ય બની કારણ કે ચૂંટણી પંચે અગમચેતી દાખવીને કેન્દ્રીય બળો ખડકી દીધાં હતાં.

ખરેખર તો ચૂંટણી પંચ પોતાની ફરજ નિભાવવામાં સંપૂર્ણ સફળ રહ્યું છે. તેનું કામ છે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવી. એ કામ જ ચૂંટણી પંચે કર્યું. ઇકોસિસ્ટમને જોઈતું પરિણામ આવ્યું નથી અને દોષનો ટોપલો ઢોળવા માટે માથું જોઈએ છે, જે ટાર્ગેટ આ વખતે ચૂંટણી પંચના અધિકારીઓને બનાવ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં