હોમપેજગુજરાતમીડિયા, માનહાનિ અને માફીનામાં

મીડિયા, માનહાનિ અને માફીનામાં

એ પણ નોંધવા જેવી બાબત છે કે જ્યારે-જ્યારે કોઈ અખબાર આવા કોઈ કેસમાં ફસાય કે ફેક ન્યૂઝ ફેલાવતું પકડાય ત્યારે બીજા દિવસના અંકમાં જે માફીનામુ પ્રકાશિત કરે છે તેની સાઈઝમાં ને જે સમાચાર છાપ્યા હોય તેની સાઈઝમાં આસમાન-જમીનનો ફેર હોય છે.

- Advertisement -

(તંત્રીલેખ, 16 સપ્ટેમ્બર) 

આઉટલુક નામનું એક મેગેઝિન આવે છે. એક જમાનામાં જ્યારે મેગેઝિનોનો સૂરજ મધ્યાહ્ને હતો ત્યારે ખાસ્સું જાણીતું બન્યું હતું. હવે ચાલે છે, પણ પત્રિકાઓ મેઇનસ્ટ્રીમ નરેટિવ બનાવવામાં પાછળ પડતી જાય છે, અને એટલે ચર્ચામાં પણ ઓછી આવે છે. હમણાં જોકે ચર્ચામાં આવ્યું તેનું કારણ એ છે કે આ મેગેઝિને છેક સત્યાવીસ (27) વર્ષ પછી એક નોંધ પ્રકાશિત કરીને ઉત્તર પ્રદેશના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંઘની માફી માગી છે. 

રઘુરાજ પ્રતાપ સિંઘ ‘રાજા ભૈયા’ના નામે વધુ જાણીતા છે. કુંડાથી સાત ટર્મથી ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે. અખિલેશ-મુલાયમ સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે. પોતે અપક્ષ લડતા હતા. 2018માં તેમણે એક પક્ષ બનાવ્યો. હાલ આ પક્ષના સુપ્રીમો છે. 

- Advertisement -

રાજા ભૈયા વિશે આમ પણ મીડિયામાં બહુ સાચું-ખોટું લખાયું છે. તેમની છબી એક ‘બાહુબલી’ તરીકેની ઘડવામાં મુખ્યધારાના મીડિયાનો મોટો ફાળો છે. અમુક વાયકાઓ, કથાઓ પણ તેમના નામે પ્રચલિત છે. પોતે રાષ્ટ્રવાદી છે, હિંદુત્વની વાત કરતા રહે છે, રાષ્ટ્રવાદ અને હિંદુત્વ મુદ્દે કાયમ સરકારની પડખે ઊભા રહે છે. આવી વ્યક્તિ આમેય મેઈનસ્ટ્રીમ મીડિયાના રડાર પર જ રહે છે. 

રાજા ભૈયા વિશે 1997ના એક અંકમાં આઉટલુકે એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં તેમના માટે શબ્દો વપરાયા હતા– ‘કુંડા કા ગુંડા.’ એ પણ મથાળામાં. પછીથી રાજા ભૈયાના કોઈ સમર્થક મેગેઝિનને કોર્ટમાં ઘસડી લઈ ગયા. આટલાં વર્ષો સુધી કેસ ચાલ્યો અને હવે ચુકાદો નજીક છે તેવું જાણવા મળ્યું અને નિર્ણય પેલા પક્ષે જઈ શકે તેવું લાગ્યું તો મેગેઝિને ધારાસભ્યનો સંપર્ક કરીને માફીનામુ પ્રકાશિત કરવાની શરતે કેસ પાછો ખેંચવાની વિનંતી કરી. પછી તેમ થયું અને આખરે માફીનામું પ્રકાશિત કર્યું. 

માફીનામામાં રઘુરાજ પ્રતાપ સિંઘની માફી માંગીને માનહાનિ કરવા બદલ માફી માંગવામાં આવી છે. જે શબ્દો હેડલાઇનમાં વાપરવામાં આવ્યા હતા તેની ઉપર પણ દિલગીરી અને ખેદ વ્યક્ત કરવામાં આવ્યાં. અખબારને એ સ્વીકારવામાં સત્યાવીસ વર્ષ લાગ્યાં કે પેલા શબ્દો અયોગ્ય હતા. વાપરવા જોઇતા ન હતા. મેગેઝિન તો હવે ઓછાં ધ્યાને ચડે છે પણ રાજા ભૈયાએ જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો આ ધ્યાને આવ્યું. 

વાસ્તવમાં મુખ્યધારાના મીડિયાની, મોટાં અખબારોની આ જ આદત કે કુટેવ રહી છે. કામ કરવાની શૈલીમાં આ વણાઈ ગયું છે. પત્રકારત્વના પોતે જ બનાવેલા નિયમો અને સિદ્ધાંતોને માળિયે ચડાવીને ખોટા આરોપો અને બનાવી કાઢેલી વાતોના જોરે વ્યક્તિની બદનક્ષી કરવા સુધી પહોંચી જાય છે. જેના સૌથી વધુ પીડિતો જમણેરીઓ જ રહ્યા છે, કારણ કે ડાબેરીઓ માટે મીડિયા કાયમ ઘરની ખેતી રહી છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીથી સારું બીજું આનું ઉદાહરણ કોઈ હોય ન શકે.  

હવે મોદીવિરોધી લખાણો ઓછાં થતાં જાય છે તેનું કારણ એ છે કે મીડિયાએ પણ જનતાનો મિજાજ જોઈને બદલાવું પડ્યું છે. ત્રણ ટર્મથી ચૂંટાતો માણસ પ્રચંડ જનસમર્થન હોય તો જ સત્તા પર ટકી શક્યો હોય એ મીડિયા સમજતું થઈ ગયું છે. બાકી 2002થી 2014 સુધી ભારતના મુખ્યધારાના મીડિયાએ મોદી વિશે જે છાપ્યું અને લખ્યું તે બધા પર મોદી માનહાનિના કેસ કરવા ગયા હોત તો ભારતની સુપ્રીમ કોર્ટે એક અલગ કોર્ટ બનાવીને તેને આ બધા કેસો સોંપવા પડ્યા હોત અને અમુક કેસ તો છેક હમણાં સુધી ચાલુ રહ્યા હોત. 

એક એલાઇટ વર્તુળમાં ન હોય કે ઈકોસિસ્ટમનો ભાગ ન હોય તેવી વ્યક્તિઓ માટે મેઇનસ્ટ્રીમ મીડિયા છૂટા હાથે લખે છે. લખતું આવ્યું છે. કોઈ જવાબમાં ઈકોસિસ્ટમના માણસો માટે એવું કરવાનું શરૂ કરે ત્યારે પત્રકારત્વની સલાહ આપે છે. પોતાને બધાથી ઉપર માનીને કામ કરવાની આ કુટેવ પછી જોકે ઘણાને નડી છે. આ રાજા ભૈયાના કેસમાં પણ એમ જ બન્યું. 1997માં તો મેગેઝિનોની બોલબાલા હતી. ત્યારે કોણ હાથ લગાવી શકે એવું પત્રિકાને હશે. આખરે 2025 આવતાં સુધીમાં સમય બદલાઈ ગયો.  

એ પણ નોંધવા જેવી બાબત છે કે જ્યારે-જ્યારે કોઈ અખબાર આવા કોઈ કેસમાં ફસાય કે ફેક ન્યૂઝ ફેલાવતું પકડાય ત્યારે બીજા દિવસના અંકમાં જે માફીનામુ પ્રકાશિત કરે છે તેની સાઈઝમાં ને જે સમાચાર છાપ્યા હોય તેની સાઈઝમાં આસમાન-જમીનનો ફેર હોય છે. માફીનામું કોઈ એક ખૂણામાં પડેલું જોવા મળશે, જ્યાં બહુ ધ્યાન પણ ન જાય. દિવ્ય ભાસ્કરે એક વખત ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું મિસરિપોર્ટિંગ કર્યું હતું પછી કોર્ટે ફટકાર લગાવીને માફી માંગવા કહ્યું તો અખબારે વધારે પડતી બુદ્ધિ વાપરીને આવું જ કર્યું હતું. પછી ન્યાયાલયે આગલી સુનાવણીમાં ફરી ફટકાર લગાવી અને યોગ્ય કદમાં, પહેલા પાને માફી માંગવા કહ્યું હતું. આ એક-બે કિસ્સાઓની વાત થઈ. શોધવા જઈશું તો ઘણા મળશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં