Friday, September 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'આ મજાક નથી, કોને સમજાશે કે માફી શાના માટે છે?': TOI, એક્સપ્રેસ...

    ‘આ મજાક નથી, કોને સમજાશે કે માફી શાના માટે છે?’: TOI, એક્સપ્રેસ અને ભાસ્કરને ફરી સ્પષ્ટ રીતે માફી માંગવાનો હાઈકોર્ટનો આદેશ, કોર્ટ કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગનો મામલો

    સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે વકીલને સંબોધીને કહ્યું હતું કે, “આ કોઈ મજાક નથી. તમે કોર્ટની પ્રતિષ્ઠા સાથે રમી રહ્યા છો, તમે કોર્ટની કાર્યવાહી સાથે રમી રહ્યા છો. તમે આવું ના કરી શકો. અખબારોમાં કોર્ટની કાર્યવાહીનું જે રીતે રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તેનાથી અમને સખત વાંધો છે."

    - Advertisement -

    કોર્ટની કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગ બદલ બે અંગ્રેજી અખબારો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ અને એક ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ ત્રણેયે વારાફરતી પહેલા પાને માફી પ્રકાશિત કરી હતી. પરંતુ કોર્ટે આ માફી નકારી દીધી છે અને કહ્યું છે કે વાચકોને સમગ્ર મુદ્દો સમજાય તે રીતે અને બોલ્ડ લેટરમાં સ્પષ્ટ ઉલ્લેખો સાથે માફીનામાં પ્રકાશિત કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, આ માફીનામાં ખૂબ જ અસ્પષ્ટ અને ટૂંકાં હતાં. કોર્ટે ત્રણ દિવસનો સમય આપ્યો છે અને કહ્યું છે કે ફરીથી બોલ્ડ લેટર્સમાં, સમગ્ર વિગતો સાથે અન્ય અન્ય કોઇ સમાચાર સાથે નહીં પણ અલગ રીતે માફીનામાં પ્રકાશિત કરવામાં આવે.

    બાર એન્ડ બેંચના અહેવાલ અનુસાર, ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ગુરુવારે (2 સપ્ટેમ્બર) આ આદેશ આપ્યો હતો. હકીકતે 22 ઑગસ્ટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ત્રણ અખબારોને કોર્ટ કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગ બદલ માફી પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. બીજા દિવસે બે અંગ્રેજી અખબારો અને તેના બીજા દિવસે દિવ્ય ભાસ્કરે તેવું કર્યું પણ હતું, પરંતુ પહેલે પાને ખૂબ ઓછી જગ્યામાં આખું માફીનામું પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટે આ એફિડેવિટ નકારી દીધાં છે અને માફી ફરીથી પ્રકાશિત કરવા માટે કહ્યું છે.

    કોર્ટે આદેશમાં કહ્યું કે, ત્રણ અખબારો ઈન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અને દિવ્ય ભાસ્કરના તંત્રીઓ દ્વારા દાખલ સોગંદનામાં કોર્ટમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જેમાં 13 ઑગસ્ટ, 2024ના રોજ છાપાંમાં પ્રકાશિત રિપોર્ટ અંગે માફી માંગવામાં આવી હતી. પરંતુ કોર્ટને તેનાથી સંતોષ નથી. તમામ એફિડેવિટ નકારી દેવામાં આવે છે. સાથે ત્રણેય અખબારોને નવેસરથી માફી માંગવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. 

    - Advertisement -

    આ કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સમાચાર પત્રોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલને સ્પષ્ટપણે પૂછ્યું હતું કે, “તમે આ માફીનામાં બોલ્ડ અક્ષરોમાં કેમ ન પ્રકાશિત કર્યાં? આ કોઇ વાંચી શકે એમ નથી.” આગળ કહ્યું, “તમારે સંપૂર્ણ હેડલાઈન આપવી જોઈતી હતી કે, માફી શા માટે માંગી છે. કોણ સમજશે કે માફી શેના માટે છે… તમારે કહેવું જોઈએ કે, ખોટા રિપોર્ટિંગ બદલ માફી માંગવામાં આવી છે. આ વાત સ્પષ્ટપણે જણાવવામાં આવવી જોઈએ. માફીની સાથે રિપોર્ટ પણ હોવો જોઈએ.”

    સોમવારે (સપ્ટેમ્બર 2) હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે, “અમે તેમને ત્રણ દિવસનો સમય આપીએ આપીએ છીએ, તેઓ પ્રથમ પૃષ્ઠ પર મોટા અક્ષરોમાં સાર્વજનિક રીતે માફી માંગે, જેનાથી સામાન્ય જનતાને સ્પષ્ટ રીતે સૂચિત કરી શકાય કે, આ કેસની સુનાવણી અંગે 13 ઑગસ્ટ, 2024ના રોજ પ્રકાશિત સમાચાર પત્રોમાં તેમના દ્વારા થયેલા ખોટા રિપોર્ટિંગની જાણકારી આપવામાં આવી છે.” નોંધનીય છે કે, હાઈકોર્ટે 13 ઑગસ્ટ, 2024ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરના સંપાદકોને નોટિસ મોકલીને તેમની પાસેથી ગ્રાન્ટ એઈડ લઘુમતી સંસ્થાનોના અધિકારો સંબંધિત સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર ચાલતી સુનાવણી દરમિયાન કોર્ટ કાર્યવાહીની ‘ખોટી અને અધૂરી માહિતી’ આપવાને લઈને સ્પષ્ટતા માંગી હતી.

    ‘તમે કોર્ટની પ્રતિષ્ઠા સાથે રમી રહ્યા છો’- ચીફ જસ્ટિસ

    સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે વકીલને સંબોધીને કહ્યું હતું કે, “આ કોઈ મજાક નથી. તમે કોર્ટની પ્રતિષ્ઠા સાથે રમી રહ્યા છો, તમે કોર્ટની કાર્યવાહી સાથે રમી રહ્યા છો. તમે આવું ના કરી શકો. અખબારોમાં કોર્ટની કાર્યવાહીનું જે રીતે રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તેનાથી અમને સખત વાંધો છે.”

    નવું માફીનામું જાહેર કરવા માટે વધુ એક તક આપવાની વકીલની વિનંતી પર ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી કે, તાજું માફીનામું મોટા કદનું હોવું જોઈએ, સમાચાર સાથે બોલ્ડ અક્ષરોમાં હોવું જોઈએ અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હોવો જોઈએ કે, આ માફીનામાં સંપાદકો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યાં છે. આ પછી કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આગામી વખતે માફીનામું ફ્રન્ટ પેજ પર અને મોટી જગ્યાએ પ્રકાશિત કરવામાં આવવું જોઈએ. એટલું જ નહીં, આ માફીનામાં સિવાય પેજ પર બીજું કંઈ ન હોવું જોઈએ.

    શું છે સમગ્ર મામલો?

    વાસ્તવમાં આ મામલો ગત 12-13 ઑગસ્ટનો છે. ગુજરાત હાઈકોર્ટ લઘુમતીઓ દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે બનાવેલા કાયદાને પડકારતી એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર સુનાવણી કરી રહી છે. 12 ઑગસ્ટની સુનાવણી બાદ બીજા દિવસે છાપાંઓએ કોર્ટનાં અવલોકનો પરથી અહેવાલો પ્રકાશિત કર્યા હતા. 

    આ રિપોર્ટિંગનો મામલો પછીથી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ‘આ ન્યૂઝ આઇટમો એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે વાંચીને એવું લાગી શકે કે પોતાની પસંદગીના શિક્ષકોની નિમણૂક કરવાના લઘુમતી સંસ્થાઓના અધિકારો તેમજ લઘુમતીઓ દ્વારા ચાલતી શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવાની રાજ્ય સરકારની સત્તા મામલે કોર્ટે પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે.’ કોર્ટનું કહેવું હતું કે તેમનાં અવલોકનોને ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. 

    ત્યારબાદ 13 ઑગસ્ટના રોજ કોર્ટે ત્રણેય અખબારોને નોટિસ પાઠવી હતી. જેના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘કોર્ટનાં અવલોકનોના સનસનાટીભર્યા રિપોર્ટિંગથી સામાન્ય જનતાને એવો સંદેશ જશે કે કોર્ટે મામલામાં પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે, જે બીજું કશું જ નહીં પણ કોર્ટની કાર્યવાહીનું અવળું અર્થઘટન છે. આ પ્રકારે જે કોર્ટ કેસમાં સુનાવણી ચાલી રહી હોય તેના આવા સનસનાટીભર્યા રિપોર્ટિંગ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આથી અમે ‘ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીઓને નોટિસ પાઠવી રહ્યા છીએ.’ 

    નોટિસ મળ્યા બાદ 22 ઑગસ્ટની સુનાવણીમાં બે અંગ્રેજી અખબારોના વકીલો કોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કર્યું હતું. જોકે, કોર્ટે કહ્યું હતું કે આવા એફિડેવિટ કે માફીનો કોઇ અર્થ નથી અને તેઓ અખબારના પહેલા પાને બિનશરતી માફી માગે. ત્યારબાદ અંગ્રેજી અખબારોએ તેમ કરવાની તૈયારી દર્શાવી હતી અને 23 ઑગસ્ટના રોજ માફી માંગી હતી.

    બીજી તરફ, નોટિસ મળ્યા બાદ પણ દિવ્ય ભાસ્કર તરફથી કોર્ટમાં કોઇ હાજર ન રહેતા આદેશના ઉલ્લંઘન બદલ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે તેનો ખુલાસો માંગતી નોટિસ ફટકારવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. આખરે ભાસ્કરે પણ 24 ઑગસ્ટના રોજ માફી માંગી લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં