Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતહાઇકોર્ટનાં અવલોકનોના ખોટા રિપોર્ટિંગનો મામલો: ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે અમદાવાદ...

    હાઇકોર્ટનાં અવલોકનોના ખોટા રિપોર્ટિંગનો મામલો: ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે અમદાવાદ આવૃત્તિના પહેલા પાને માફી માંગી, કહ્યું- રિપોર્ટમાં ભૂલ થઈ હતી, ભવિષ્યમાં ધ્યાન રાખીશું

    અખબારોએ કહ્યું, રિપોર્ટમાં ભૂલ થઈ હતી, જેના કારણે એવો સંદેશ ગયો હતો કે માઉન્ટ કેરેમલ હાઈસ્કૂલ અને અન્યો વિરુદ્ધ ગુજરાત સરકાર અને અન્યો મામલે હાઈકોર્ટે નિર્ણય કરી લીધો છે. જ્યારે હકીકતે કોર્ટ આ મામલે કોઇ નિર્ણય પર પહોંચી નથી.

    - Advertisement -

    કોર્ટની કાર્યવાહીનું ખોટી રીતે રિપોર્ટિંગ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ફટકાર લગાવ્યા બાદ અંગ્રેજી અખબારો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ (Times of India) અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’એ (Indian Express) પહેલા પાને માફી પ્રકાશિત કરી છે. શુક્રવાર (23 ઑગસ્ટ)ની અમદાવાદ આવૃત્તિમાં બંને અખબારોએ હાઈકોર્ટ અને વાચકોની માફી માંગી હતી. 

    ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે, “13 ઑગસ્ટની અમદાવાદ આવૃત્તિમાં ‘માઈનોરિટી એન્ડ મેજોરિટી સ્કૂલ્સ ધેટ ગેટ એઈડ મસ્ટ કંપ્લાય વિથ નોર્મ્સ: HC’ શીર્ષક સાથે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભૂલ થઈ હતી, જેના કારણે એવો સંદેશ ગયો હતો કે માઉન્ટ કેરેમલ હાઈસ્કૂલ અને અન્યો વિરુદ્ધ ગુજરાત સરકાર અને અન્યો મામલે હાઈકોર્ટે નિર્ણય કરી લીધો છે. જ્યારે હકીકતે કોર્ટ આ મામલે કોઇ નિર્ણય પર પહોંચી નથી. હાઇકોર્ટ માટે અખબારને ખૂબ સન્માન છે અને ભવિષ્યમાં અમે બમણું ધ્યાન રાખીશું. અમે હાઈકોર્ટ અને અમારા વાચકોની બિનશરતી માફી માંગીએ છીએ.” અખબારના પ્રથમ પાને ‘એપોલોજી’ (માફી) શીર્ષક સાથે આ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 

    (ડાબેથી) ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની અમદાવાદ આવૃત્તિઓના પહેલે પાને પ્રકાશિત માફી (ફોટો- IE, TOI)

    આ જ રીતે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ પણ પહેલા પાને માફી પ્રકાશિત કરી છે. જેમાં તંત્રી વતી જણાવવામાં આવ્યું કે, “13 ઓગસ્ટ, 2024ની અમદાવાદ આવૃત્તિમાં ‘સ્ટેટ કેન રેગ્યુલેટ માઈનોરિટી ઇન્સ્ટિટ્યૂશન્સ ફોર એક્સલન્સ ઇન એજ્યુકેશન: HC’ મથાળા સાથે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભૂલ થઈ હતી, જેના કારણે એવો સંદેશ ગયો હતો કે માઉન્ટ કેરેમલ હાઈસ્કૂલ અને અન્યો વિરુદ્ધ ગુજરાત સરકાર અને અન્યો મામલે હાઈકોર્ટે નિર્ણય કરી લીધો છે. જ્યારે હકીકતે કોર્ટ આ મામલે કોઇ નિર્ણય પર પહોંચી નથી અને મામલો કોર્ટમાં લંબિત છે. હાઇકોર્ટ માટે અખબારને ખૂબ સન્માન છે અને ભવિષ્યમાં અમે બમણું ધ્યાન રાખીશું. આ રિપોર્ટના રિપોર્ટિંગમાં થયેલી ભૂલ બદલ અમે હાઈકોર્ટ અને અમારા વાચકોની બિનશરતી માફી માંગીએ છીએ. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે અમે પૂરતી કાળજી રાખીશું.”

    - Advertisement -

    શું છે મામલો? 

    ગુજરાત હાઇકોર્ટ 2021માં દાખલ કરવામાં આવેલી એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર સુનાવણી કરી રહી છે. અરજીમાં લઘુમતીઓ દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે બનાવેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. ગત 12 ઑગસ્ટના રોજ આ મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી. જેની ઉપર અંગ્રેજી-ગુજરાતી અખબારોએ બીજા દિવસે રિપોર્ટિંગ કર્યું હતું. 

    જેમાં ટાઈમ્સ ઑફ ઇન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કર દ્વારા થયેલા રિપોર્ટિંગનો મામલો પછીથી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ‘આ ન્યૂઝ આઇટમો એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે વાંચીને એવું લાગી શકે કે પોતાની પસંદગીના શિક્ષકોની નિમણૂક કરવાના લઘુમતી સંસ્થાઓના અધિકારો તેમજ લઘુમતીઓ દ્વારા ચાલતી શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવાની રાજ્ય સરકારની સત્તા મામલે કોર્ટે પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે.’ કોર્ટનું કહેવું હતું કે તેમનાં અવલોકનોને ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. 

    કોર્ટે 13 ઑગસ્ટના રોજ અખબારોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો, જે મામલે 2 અંગ્રેજી અખબારોએ એફિડેવિટ દાખલ કર્યાં હતાં. પરંતુ કોર્ટે 22 ઑગસ્ટની સુનાવણીમાં કહ્યું હતું કે, આ પ્રકારની માફીનો કોઇ અર્થ નથી અને અખબારો પહેલે પાને વાચકોની માફી માંગે. ત્યારબાદ બીજા દિવસે બંને અંગ્રેજી અખબારોએ કોર્ટના આદેશનું પાલન કર્યું હતું. બીજી તરફ, દિવ્ય ભાસ્કર તરફથી કોર્ટમાં કોઇ હાજર ન રહેતાં તેમની વિરુદ્ધ અદાલતની અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવી તેનો ખુલાસો માંગીને કોર્ટે અખબારના તંત્રીને નોટિસ પાઠવી હતી. 

    કેસ વિશે વિગતે અહીંથી વાંચી શકાશે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં