(તંત્રીલેખ, 12 સપ્ટેમ્બર)
રાજકારણ, બ્યુરોક્રસીથી માંડીને ફિલ્મજગત સુધીનાં ક્ષેત્રો દૈનિક ધોરણે આપણને એ વાતની અનુભૂતિ કરાવતાં રહે છે કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નો પેલો ‘સરકાર ઉનકી હો, સિસ્ટમ હમારા હૈ’નો સંવાદ એકદમ સાચો હતો. એક્યુરેટ હતો. આમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પણ આવી જાય.
હમણાં મુંબઈ સ્થિત આઈઆઈટી બૉમ્બે વિવાદમાં આવી. કારણ એક ઇવેન્ટ છે, જે સ્પોન્સર કરી હતી આ શિક્ષણ સંસ્થાએ. વિષય હતો– ‘સાઉથ ઈન્ડિયન કેપિટલિઝમ.’ તેનું એક પોસ્ટર બનાવવામાં આવ્યું હતું, જે પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયું. પોસ્ટરમાં એક પિરામિડ છે. તેના એક ભાગમાં મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનાં ચિત્રો છે. સાથે લખવામાં આવ્યું છે– ‘વી ફૂલ યુ.’ ગુજરાતી થાય– ‘અમે તમને મૂરખ બનાવીએ છીએ.’
વિવાદ થયો તો આઈઆઈટી બૉમ્બેએ પીછેહઠ કરી લીધી અને કારણ એવું આપ્યું કે તેમને આ પોસ્ટર વિશે જાણ ન હતી. તેઓ સ્પોન્સરશિપ પરત લઈ રહ્યા છે. પણ પછીથી જે કૉલમિસ્ટ હર્ષિલ મહેતાએ આ મામલો ઉજાગર કર્યો તેમને બ્લૉક કરી દેવામાં આવ્યા! એક જાહેર શિક્ષણ સંસ્થા, કરદાતાઓના પૈસે ચાલતી સંસ્થા પ્રશ્ન પૂછતા એક નાગરિકને બ્લૉક કરી શકે?
આ એક આઇઆઇટીની વાત નથી. ગાંધીનગર આઈઆઈટી પણ છેલ્લા થોડા વખતથી સતત વિવાદોમાં રહી છે. ઑપઇન્ડિયાએ સતત આ વિષય પર રિપોર્ટિંગ કર્યું છે.
હમણાં ગાંધીનગર આઈઆઈટી ફેવરેટિઝમના કારણે ચર્ચામાં આવી. ફેવરેટિઝમ કે ભાઈભત્રીજાવાદ શેમાં? નિમણૂકોમાં. સોશિયલ મીડિયા પર અમુક યુઝરોએ ધ્યાન દોર્યું કે આ એક જ સંસ્થામાં 14 દંપતી કામ કરે છે. કોઈ અધ્યાપકની કોરિયન પત્ની અહીં પહેલાં વિઝિટિંગ ફેકલ્ટી હતી. હવે પ્રોફેસર બની ગઈ છે. કોઈ વાલી અહીં પીએચડીની વિદ્યાર્થિની હતી. તેણે પછીથી અહીંના અધ્યાપક સાથે લગ્ન કરી લીધાં. હવે બંને અહીં કામ કરે છે. લોકો પૂછે છે કે આમાં કન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ નથી? શિક્ષણ સંસ્થા મૌન છે. આપણે તુચ્છ માણસો છીએ. આઈઆઈટી આપણને જવાબો ન આપે.
અગાઉ અહીં એક અધ્યાપકનું એનજીઓ સાથે જોડાણ ઉજાગર થયું હતું, જે એનજીઓ નર્મદાના વિસ્થાપિતો માટે કામ કરવાનો દાવો કરે છે અને જેના સંચાલકો ‘ફાધરો’ છે. અધ્યાપક ચોપડીઓ પણ લખી ચૂક્યા છે. એકનાં વળી ટ્વિટ વાયરલ થયાં હતાં, જેમાં ભાઈ ગુજરાતને ભરપૂર ગાળો દે છે. પછીથી અન્ય કારસ્તાનો પણ બહાર આવ્યાં તો હકાલપટ્ટી કરી દેવામાં આવી.
તે પહેલાં આઈઆઈટી ગાંધીનગરમાં ઈસ્લામિક વિષયો પર થિસીસ લખવામાં આવતી હોવાનો મુદ્દો બહુ ચગ્યો હતો. પછીથી અધ્યાપકો વિદ્યાર્થીઓને ધમકાવતા હોવાનું પણ સામે આવ્યું. પછીથી અમુક વિવાદિત લોકોનાં લેક્ચરો અહીં યોજાઈ ચૂક્યાં હોવાનું બહાર આવ્યું. વધારે ઊંડા ઊતરતાં ખબર પડી કે અહીં ઈદ પર કવ્વાલીના કાર્યક્રમો રંગેચંગે યોજાય છે, પણ લક્ષ્મી પૂજાની પરવાનગી આપવામાં સંચાલકોને જોર પડે છે!
આ એક-બે આઈઆઈટીની વાત થઈ. વધારે ઊંડા ઊતરીશું તો ખબર પડશે કે આવું બધે જ વત્તાઓછા પ્રમાણમાં ચાલે છે. મોટો પ્રશ્ન એ છે કે આ રીતે ખુલ્લેઆમ દેશના વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને એક રાજ્યના મુખ્યમંત્રીને લોકોને મૂરખ બનાવનારા કહેવાનો, વિવાદિત લેક્ચરો યોજવાનો, વિદ્યાર્થીઓમાં વામપંથી વિચારધારાનાં બી વાવવાનો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? ઇકોસિસ્ટમમાંથી. આપણી કલ્પનામાં ન હોય ત્યાં સુધી તાર જોડાયેલા હોય છે. બધા વિખેરાયેલા હોવા છતાં એક જ મકસદ માટે કામ કરતા રહે છે.
આ જ ઇકોસિસ્ટમ વ્યાખ્યાઓ ઘડે છે, તેને અમલમાં મૂકે છે. તેઓ જ બીજાને પ્રમાણપત્રો આપે છે, પોતે પણ પ્રમાણપત્રો લઈ લે છે. તેઓ જ નક્કી કરે છે કે સરકાર ફાસીવાદી છે કે નહીં. સમય છે આવી પ્રવૃત્તિઓને ડામવાનો. વામપંથી ફેક્ટરીઓના શુદ્ધિકરણ માટે હવે સરકારે કામ હાથ પર લેવું પડશે. આપણા કરતાં તેમની પાસે હજરગણી વધારે માહિતી હશે. અનેક વધુ ઇનપુટ્સ હશે. હવે તેઓ આગળ આવીને કામ હાથ પર લે એ સમયની જરૂરિયાત છે.


