દાયકાઓ સુધી પાકિસ્તાનની (Pakistan) આતંકી હરકતો સહન કર્યાં બાદ એક સમય એવો આવ્યો કે ભારતને મજબૂત કેન્દ્ર સરકાર મળી. પાકિસ્તાન જે ભાષા સમજે છે એ જ ભાષામાં પ્રત્યુત્તર આપવાનું સાહસ નવા ભારતે બતાવ્યું. આ વખતે પણ એવું જ થયું. પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની સંડોવણીના પુરાવા સામે આવ્યા અને શરૂ થયું ઑપરેશન સિંદૂર. આતંકી ઠેકાણાં ધ્વસ્ત કરવાથી લઈને આતંકીઓને સંરક્ષણ આપતી પાકિસ્તાનની આતંકી સેનાનું મનોબળ તોડવા સુધીની આ કાર્યવાહી ભારતીય નાગરિકો પ્રથમ વખત જોઈ રહ્યા હતા.
દેશ આતંકવાદ વિરુદ્ધની આ ઐતિહાસિક કાર્યવાહી સાથે મજબૂતીથી ઊભો હતો. પરંતુ જેટલો જરૂરી હતો આતંકવાદ પર પ્રહાર, તેટલું જ જરૂરી હતું પાકિસ્તાનને વિશ્વ સામે ઉઘાડું પાડવું. ઑપરેશન સિંદૂર બાદ હવે સમય હતો વિશ્વને આતંકવાદ સામે ભારતના સંઘર્ષથી માહિતગાર કરવું અને પાકિસ્તાનના કારસ્તાનો વિવિધ દેશો સુધી પહોંચાડવા. મોદી સરકારે દેશની બધી જ પાર્ટીઓના સાંસદોના અલગ-અલગ પ્રતિનિધિમંડળ બનાવ્યાં અને તેમને વિશ્વના જુદા-જુદા દેશોમાં મોકલ્યાં.
દેશની બધી પાર્ટીઓના સાંસદોને પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા પણ ખૂબ જરૂરી હતા. કારણ કે, આતંકવાદ વિરુદ્ધની આ લડાઈ માત્ર સરકારની નહોતી. આતંકવાદ વિરુદ્ધનું આ યુદ્ધ આખા દેશનું હતું. એકતા દેખાય, દેશ એકજુટ રહે તેના માટે સરકારે તમામ પાર્ટીઓ સામેલ કરી હતી, તમામ પાર્ટીઓના નેતાઓને નેતૃત્વ આપ્યું હતું, એક સાંસદ ધરાવતી પાર્ટીઓમાંથી પણ સાંસદને લીધા અને પ્રતિનિધિમંડળો બનાવીને વિશ્વમાં મોકલ્યા.
દેશહિતના કાર્યમાં પણ કોંગ્રેસે શોધી કાઢ્યું રાજકારણ
એક તરફ મોદી સરકાર પાકિસ્તાનને બધી બાજુથી ઘેરવાની યોજના બનાવી રહી છે અને વિશ્વભરમાં સંયુક્ત ભારતની મજબૂત છબી દર્શાવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ તેમાં પણ રાજકારણ શોધી રહી છે. પ્રતિનિધિમંડળ મોકલવાની બાબતે પણ કોંગ્રેસે રાજકારણ શોધી કાઢ્યું અને શરમ નેવે મૂકીને કહી દીધું કે ભાજપ પાસે માણસો ન હતા એટલે કોંગ્રેસની મદદ લીધી અને સાંસદોને વિશ્વભરમાં મોકલ્યા. જોકે, બધી પાર્ટીના સાંસદોને મોકલવાની વાસ્તવિકતા એ છે કે, વિશ્વમાં એવો સંદેશ જાય કે, આતંકવાદ સામેની લડાઈમાં ભારત એકજૂટ છે.
How low can Congress stoop?
— Ankur Singh (@iAnkurSingh) May 25, 2025
Congress is saying that BJP couldn't find enough MPs to convey their stand so asked Congress to help.
India sent All Party Delegation to foreign countries. It is done to show the world that United India is fighting Pakistan backed Terrorism.
Even… pic.twitter.com/w9rTIVBTtk
પરંતુ અહીં એ પણ નોંધવું જરૂરી છે કે, જો ભાજપે માત્ર પોતાના જ પક્ષના સાંસદોને મોકલ્યા હોત તો પણ આ જમાતને વાંધો પડ્યો હોત. તો આ જમાત એવું લઈને બેઠી હોત કે વિપક્ષને સાઇડલાઇન કરી દીધો અને લોકતંત્રની હત્યા કરી નાખી. પણ હવે વિપક્ષને સામેલ કરવા પર આવી વાહિયાત વાતો પણ આ જ ટોળકી કરી રહી છે. વાસ્તવમાં કોંગ્રેસનું કામ જ રાજકારણને દૂષિત કરવાનું છે. આચાર્ય ચાણક્ય સહિતના ઘણા મહાપુરુષોએ કહ્યું હતું કે, રાજકારણ ખૂબ પવિત્ર કાર્ય છે. પરંતુ, તેઓ એટલા માટે કહી શક્યા હતા, કારણ કે ત્યારે કોંગ્રેસ નહોતી.
આજે મોટા ઉપાડે જે કોંગ્રેસ કહી રહી છે કે, ભાજપ પાસે યોગ્ય માણસો નહોતા તેથી તેમના માણસોને મોકલ્યા છે. એ જ કોંગ્રેસ ત્યારે મૌન થઈ જાય છે, જ્યારે પૂછવામાં આવે છે કે અટલ બિહારી વાજપેયીને સરકારનો પક્ષ રાખવા માટે વિદેશ કોણે મોકલ્યા હતા? તે સમયે કોની સરકાર હતી? ત્યારે તો ભાજપે આવી વાહિયાત વાતો નહોતી કરી કે કોંગ્રેસ પાસે યોગ્ય માણસો નથી તેથી અટલ બિહારી વાજપેયીને મોકલ્યા છે.
નોંધવું જરૂરી છે કે, વર્ષ 1994માં તત્કાલીન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન નરસિંહા રાવે અટલ બિહારી વાજપેયીને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિમંડળના વડા તરીકે નિયુક્ત કરીને મોકલ્યા હતા, ખાસ કરીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સામે ભારતનું મજબૂત વલણ રજૂ કરવા માટે. વાજપેયી તે સમયે વિપક્ષના નેતા હતા અને દેશહિતમાં પ્રતિનિધિમંડળના વડા બનીને મજબૂત પક્ષ રાખીને આવ્યા હતા. ત્યારે ભાજપે કોઈ રાજકારણ નહોતું કર્યું અને હમણાંના વિપક્ષના નેતા તો પાકિસ્તાની પ્રોપગેન્ડાને હવા આપીને આતંકી દેશને હાથો આપવાનું કામ કરી રહ્યા છે. આટલો તફાવત છે બે વિચારધારા વચ્ચે.
વાસ્તવમાં કોંગ્રેસ માટે દેશહિત કરતાં વધુ મહત્વનું એ છે કે કઈ રીતે મોદી સરકારને ટાર્ગેટ કરી શકાય. તેથી જ આવા સંવેદનશીલ મુદ્દાઓમાં પણ તેઓ રાજકારણ ઘૂસાવીને પોતાના હોવાપણાની સાબિતી આપી રહ્યા છે. શશિ થરૂરની પસંદગી વખતે પણ કોંગ્રેસે આવાં જ ગતકડાં કર્યાં હતાં અને કહ્યું હતું કે તેમણે જે ચાર નામો મોકલ્યાં તેમાંથી તો કોઈ છે જ નહીં! જ્યારે થરૂર તો તેમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમ છતાં રાડારાડ કરવામાં આવી હતી.
સાથે એ યાદ કરવું પણ જરૂરી છે કે, ઑપરેશન સિંદૂર અને પહલગામ આતંકી હુમલા વખતે કોંગ્રેસીઓ સરકાર સાથે ઊભા રહેવાની વાતો કરતા હતા, પણ ગણતરીના દિવસોમાં જ રંગ બતાવવા લાગ્યા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતા પણ અગાઉ આવા કારસ્તાન કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ તો વિદેશ મંત્રીને ઘેરવા જતાં સેનાને સવાલ પણ પૂછી લીધો હતો કે, ભારતે કેટલા રાફેલ જેટ ગુમાવ્યાં છે! હકીકતે આચાર્ય ચાણક્ય પછી કોંગ્રેસનો ઉદય થયો અને કોંગ્રેસની આ પરંપરા અસ્તિત્વમાં આવી. આજે કોંગ્રેસ સસ્તા રાજકારણનો પર્યાય બનીને રહી ગઈ છે. બધી જ બાબતોમાં રાજકારણ કરવું યોગ્ય નથી, અમુક બાબતોમાં દેશહિતને પ્રાથમિકતા આપવી પણ ખૂબ જરૂરી છે.