Wednesday, February 26, 2025
More
    હોમપેજગુજરાત2001ના ભૂકંપથી 2025ની વિકસિત ભારતની યાત્રા સુધી: મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતીઓની દ્રઢ...

    2001ના ભૂકંપથી 2025ની વિકસિત ભારતની યાત્રા સુધી: મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતીઓની દ્રઢ સંકલ્પશક્તિએ બદલી નાખી કચ્છની તસવીર

    આજે તે ભયાનક ઘટનાને 24 વર્ષ પૂર્ણ થયાં, પરંતુ કચ્છ તેને પાછળ છોડીને ઘણું આગળ આવી ગયું છે.

    - Advertisement -

    26 જાન્યુઆરી, 2001. વાર- શુક્રવાર. વહેલી સવારની એ ગોઝારી ઘટના જેણે ન માત્ર કચ્છ (Kutch), પરંતુ ગુજરાત અને દેશને પણ હચમચાવી મૂક્યો. એ ભયાનક ઘટનાએ બે ઘડીમાં કચ્છના અસ્તિત્વને ખતમ કરી નાખ્યું. 7.7ની તીવ્રતાના આ ભૂકંપે (Earthquake) હસતાં-ખેલતાં શહેરો તો તબાહ કર્યાં જ, પરંતુ તેની સાથે 20,000 નાગરિકોનો પણ ભોગ લીધો. આજે 26 જાન્યુઆરી, 2025ની શરૂઆત સાથે તે ભયાનક ભૂકંપના 24 વર્ષ પૂર્ણ થયાં. આજે 24 વર્ષે કચ્છ તરફ નજર કરીએ તો કલ્પના પણ ન થઈ શકે, બે દાયકા પહેલાં તે આખો વિસ્તાર વિરાન થઈ ગયો હતો. આપદાએ દુઃખની સાથે ઘણા અવસરો પણ આપ્યા અને મહામાનવ પણ આપ્યા. આજે એક નજર કચ્છની તે 24 વર્ષની યાત્રા તરફ.

    કચ્છના ભૂકંપે ગુજરાતનું બધુ જ નજરાણું લઈ લીધું હતું. બધી જ વસ્તુઓને પળભરમાં જમીનમાં સમાવી દીધી હતી. પરંતુ આ આપદાની ઘણી દેન પણ છે. કચ્છના ભૂકંપે દેશને નરેન્દ્ર મોદી એક શાસકના સ્વરૂપમાં આપ્યા. એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે કે, નરેન્દ્ર મોદીનો રાજકારણના પદ પર પ્રવેશ આ ભૂકંપે કરાવ્યો હતો. જાણે કચ્છને પણ ખબર હતી કે, તેને બેઠું કરવા માટે કોઈ દીર્ઘદ્રષ્ટિવાળા માણસની જરૂર પડશે. નરેન્દ્ર મોદી ગુજરાતના શાસક બન્યા, ત્યારે તેમને વારસામાં મળી હતી માત્ર તબાહી. વિરાન પડેલું કચ્છ અને રોકકળ કરતા બાળકો. પરંતુ સાથે વારસામાં મળ્યા હતા અનેક અવસરો અને પોતાની જાતને સાબિત કરવાની શક્તિ પણ.

    રાખમાંથી ઊભા થવાની ગુજરાતની તાસીર

    નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા કે તરત જ તેમણે કચ્છને ફરીથી સોહામણું કરવાનો સંકલ્પ લીધો. ભયાનક વિનાશ વેરાયો, પરંતુ ગુજરાતની તાસીર અલગ હતી. આપણે ન ફરિયાદો કરી કે ન હાથ પર હાથ ધરીને બેઠા રહ્યા. મોદી સરકારે તાત્કાલિક અસરથી કામ ઉપાડ્યું અને કચ્છને ફરીથી બેઠું કરવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા. કચ્છને બેઠું કરવા માટે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી રચના કરી. એ જ બાબતને ધ્યાને રાખીને કેન્દ્રની UPA સરકારે 2005માં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની રચના કરી અને આજે આ NDRF દેશભરમાં આપદાની સામે રક્ષક બનીને ઊભું રહ્યું છે.

    - Advertisement -

    કચ્છને ફરી બેઠું કરવા માટે મોદી સરકારે બેન્ક ખાતાની પણ યોજના બનાવી હતી. જે હેઠળ અસરગ્રસ્ત લોકોના તાત્કાલિક બેન્ક ખાતા ખૂલ્યા અને સરકારી સહાય સીધી તેમાં જમા થવા લાગી. જેના કારણે હવે ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો અને લોકોનું જીવનધોરણ સુધરવા લાગ્યું. આ જ પ્રયોગનું અનુકરણ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યાની સાથે ‘જનધન ખાતા’ તરીકે કર્યું હતું. જેના કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો અને લોકોને તેમના અધિકારો મળતા થયા.

    ગુજરાત માત્ર એટલે ન અટક્યું. સરકારનો સંકલ્પ એ નહોતો કે, કચ્છને મદદ કરીને પહેલાં હતું તેવું દોડતું અને હસતું કરી દઈએ. ગુજરાત એ સંકલ્પ સાથે નીકળ્યું હતું કે, 2001માં દુનિયા માટે આપદાના કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલું કચ્છ, હવે થોડાં જ વર્ષોમાં તેના વિકાસને કારણે ચર્ચાવું જોઈએ અને થયું પણ એવું જ. મોદી સરકારની દીર્ઘદ્રષ્ટિ અને નીતિઓના કારણે કચ્છ નકશા પર ઉભરવા લાગ્યું. ટુરિઝમ વિકસવા લાગ્યું. કચ્છમાં પાણી પહોંચ્યું તો લોકો પણ આવતા થયા અને સ્થાનિકોના જીવનમાં પણ સુધારો થયો. આખરે કચ્છ ફરી બેઠું થયું અને પહેલાં કરતાં વધુ મક્કમતા અને આત્મસન્માન સાથે બેઠું થયું.

    કચ્છ માત્ર ગુજરાતનું જ નહીં, દેશનું પણ બન્યું ઘરેણું

    આજે ‘વિકસિત ભારત’ના સ્વપ્નને વિરોધીઓ જેવી રીતે હાસ્યમાં કાઢી રહ્યા છે, તેવી જ રીતે કચ્છને ફરીથી બેઠું કરવાના સ્વપ્નને પણ ઘણા લોકોએ માત્ર હાસ્યમાં ખપાવી દીધું હતું. પરંતુ શાસકની પ્રચંડ ઈચ્છાશક્તિ અને દેશ માટે કંઈક કરી ગુજરવાની અસીમિત જિજ્ઞાસાએ કચ્છને દેશનું ઘરેણું બનાવી દીધું છે. આજે કચ્છ ગુજરાતનું સૌથી વધુ મુલાકાત લેવાતું સ્થળ છે. વિરાન થયેલા રણને આજે ઉત્સવમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે અને દુનિયાભરના સહેલાણીઓ આજે તે નિર્જન રણને હોંશેહોંશે જોવા માટે આવે છે. માત્ર એક માણસના વિઝને રણમાં ઉત્સવ ખિલવી દીધો અને વિશ્વને રણોત્સવની ભેટ આપી.

    આજે રણોત્સવને કોઈ વ્યાખ્યાની જરૂર નથી. વિશ્વભરમાં તેની પ્રસિદ્ધિ નોંધપાત્ર છે. તેથી જ તો રણોત્સવના સ્થળ ધોરડોને UNWTOએ ‘વિશ્વના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ’નો ખિતાબ આપ્યો છે. જે ભયાનક ઘટનાને હજારો જિંદગીઓને તબાહ કરી, આજે તે ઘટનાને રજૂ કરતું સ્મૃતિવન મ્યુઝિયમ પણ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમોની યુનેસ્કોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ મ્યુઝિયમ પણ પ્રબુદ્ધ શાસક નરેન્દ્ર મોદીનું વિઝન હતું.

    આજે કચ્છ ન માત્ર ગુજરાતનું, પરંતુ દેશનું ઘરેણું બનીને ઊભું થયું છે. જે વિકાસ અને વ્યવસ્થાની કોઈએ કલ્પના સુદ્ધાં નહોતી કરી, આજે કચ્છ ત્યાં જઈને ઊભું છે. વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કચ્છવાસીઓની દ્રઢતાએ કચ્છને ન માત્ર બેઠું કર્યું, પરંતુ એક લાંબી છલાંગ લગાવવાની પ્રેરણા પણ આપી. 2001માં કચ્છને ફરી બેઠું કરવાનો નરેન્દ્ર દામોદરદાસ મોદીનો સંકલ્પ અને 2025માં વિશ્વપ્રસિદ્ધ બનેલું કચ્છ… આ તાકાત છે ગુજરાતની માટીની અને આ તાસીર છે ગુજરાતના ખમીરની. આજે તે ભયાનક ઘટનાને 24 વર્ષ પૂર્ણ થયાં, પરંતુ કચ્છ તેને પાછળ છોડીને ઘણું આગળ આવી ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં