
7 ઑક્ટોબરના હમાસના આતંકવાદી હુમલા બાદ ઇઝરાયેલે શરૂ કરેલા ઑપરેશનમાં ગાઝા મોટાભાગનું સમતલ થઈ ગયા બાદ તેના પુનર્નિર્માણ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ‘બોર્ડ ઑફ પીસ’ની રચના કરી હતી. એક રિપોર્ટ અનુસાર 23 સપ્ટેમ્બરના રોજ બોર્ડની એક બેઠક યોજાઈ, જેમાં ગાઝાના પુનર્નિર્માણ માટે $2.45 બિલિયનનો (આશરે ₹2.05 લાખ કરોડ) પ્લાન રજૂ કરવામાં આવ્યો. યોજના આગામી 6 મહિના માટે તૈયાર કરવામાં આવી છે.
આ પ્લાન હેઠળ કુલ 66 નાના-મોટા પ્રોજેક્ટ શરૂ થશે. તેમાં લોકો માટે કામચલાઉ ઘરો બનાવવાં, રસ્તાઓ પરથી કાટમાળ હટાવવો, તબાહ થયેલી હોસ્પિટલોનું સમારકામ, સ્થાનિક અર્થતંત્રને સુધારવાના પ્રયાસો, શાંતિ જાળવવા બહુરાષ્ટ્રીય સુરક્ષા દળો તહેનાત કરવાં જેવા પ્રયાસો સામેલ છે.
યુદ્ધના કારણે ગાઝામાં ભારે તબાહી મચી છે. રિપોર્ટ અનુસાર ગાઝામાં $35.2 બિલિયનનું સીધું ભૌતિક નુકસાન થયું છે. તેથી આગામી 10 વર્ષમાં સંપૂર્ણ પુનઃનિર્માણ માટે $71.4 બિલિયનની જરૂર પડશે. અધિકારીઓના મતે, આ યોજના તબાહ થયેલા ગાઝાને ફરીથી બેઠું કરવાનો એક નકશો છે.
આ પ્લાન હેઠળ પાયાની સુવિધાઓ સુધારવા માટે સીમા ક્રોસિંગ્સનું સમારકામ, વીજળી અને પાણીની પાઈપલાઈન પુનઃસ્થાપિત કરવી, 25,000 પોર્ટેબલ સોલાર પાવર કિટ્સનું વિતરણ કરવું અને સુરક્ષાના હેતુથી ભૂગર્ભ ટનલોને કાયમી ધોરણે બંધ કરવાનો સમાવેશ થાય છે. બોર્ડ ઑફ પીસનું કહેવું છે કે આ પ્લાન એક વર્ષની મહેનત અને 28 સભ્ય દેશોના સહયોગથી તૈયાર થયો છે.
જોકે આ પ્લાનને અમલમાં મૂકવો પણ સહેલો નથી. આ માટે ઇઝરાયેલ અને હમાસ બંનેનો સહયોગ જરૂરી છે. ઇઝરાયેલ સરકારે પ્લાન સ્વીકાર્યો છે પણ રાજકીય કારણોસર તેનો અમલ રોકી રાખ્યો છે. બીજી તરફ હમાસ પોતાના હથિયારો મૂકશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ઇઝરાયેલમાં 27 ઑક્ટોબરે ચૂંટણી છે, તે પછી જ કામ શરૂ થઈ શકે તેમ છે.
એક સમસ્યા એ પણ છે કે બોર્ડ ઑફ પીસ કે પેલેસ્ટાઇન સરકાર કોઈની પાસે આ $2.45 બિલિયનનું ફંડ ઉપલબ્ધ નથી, તેમને આશા છે કે સભ્ય દેશો દાન આપશે.
અહીં ઉલ્લેખનીય છે કે 7 ઑક્ટોબર 2023ના રોજ ગાઝાનું સંચાલન કરતાં આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર એક ભીષણ હુમલો કરી દીધો હતો. પહેલાં રોકેટ વડે હુમલો કરવામાં આવ્યા બાદ હમાસના આતંકવાદીઓ સરહદ પાર કરીને ઇઝરાયેલનાં ગામોમાં ઘૂસી ગયા હતા અને નિર્દોષ ઇઝરાયેલીઓની કત્લેઆમ કરી. આ નરસંહારમાં સેંકડો લોકો માર્યા ગયા અને અમુકને હમાસે બંધક બનાવી લીધા હતા.
ઇતિહાસના સૌથી મોટા હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર હુમલો કરી દીધો અને હમાસને ખતમ કરવાનું શરૂ કર્યું. બે-અઢી વર્ષ સુધી સતત હવાઈ હુમલા બાદ ગાઝા હવે સંપૂર્ણ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. હમાસની મોટાભાગની લીડરશીપ પણ ખતમ થઈ ગઈ છે.

