Monday, July 14, 2025
More

    ભાષાવિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં એકમંચ પર દેખાયા ઠાકરેબંધુ, મનસે અને શિવસેનાની (UBT) સંયુક્ત રેલી 

    પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચાલતા ભાષા વિવાદ વચ્ચે શનિવારે (5 જુલાઈ) શિવસેના (UBT) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા. લગભગ વીસ વર્ષ પછી ઠાકરેબંધુઓ ફરી એક વખત સાથે જોવા મળ્યા છે. 

    બંને નેતાઓએ એક સંયુક્ત રેલી સંબોધિત કરી, જેને ‘મરાઠી વિજય રેલી’ નામ આપવામાં આવ્યું હતું. મંચ પર ઉદ્ધવ અને રાજ એકસાથે જોવા મળ્યા, ત્યારબાદ બંનેએ સંબોધન પણ કર્યું. 

    સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ ભવિષ્યના ગઠબંધનના પણ સંકેત આપ્યા અને કહ્યું કે, “અમે સાથે આવ્યા છીએ, એકસાથે રહેવા માટે. અમે સાથે રહીએ એ મહત્ત્વપૂર્ણ છે. અમારી અને રાજ વચ્ચે જે અંતર હતું, તે અમુક લોકોએ દૂર કરી દીધું છે. મરાઠીનું અપમાન સાંખી લેવામાં નહીં આવે.

    રાજ ઠાકરેએ કહ્યું કે, “મેં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈ પણ રાજકારણ કે લડાઈથી મોટું છે. આજે 20 વર્ષ પછી હું અને ઉદ્ધવ સાથે આવ્યા છીએ. જે બાળાસાહેબ ન કરી શક્યા, એ દેવેન્દ્ર ફડણવીસે કર્યું– અમને બંનેને સાથે કરવાનું કામ.” ત્યારબાદ બંને નેતાઓએ રાજ્યની ફડણવીસ સરકાર અને કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા હતા.