Friday, December 27, 2024
More

    ‘DMK સરકારને ઉખાડી ન ફેંકું ત્યાં સુધી નહીં પહેરું પગરખાં’: તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈનું એલાન

    તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને યુવા નેતા અન્નામલાઈએ (Annamalai) ગુરુવારે (26 ડિસેમ્બર) એલાન કર્યું કે જ્યાં સુધી DMKને સત્તામાંથી ઉખાડી ન ફેંકે ત્યાં સુધી તેઓ પગરખાં પહેરશે નહીં. અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સાથે યૌન ઉત્પીડન મામલે તમિલનાડુ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં તેમણે આ ઘોષણા કરી હતી. 

    આ મામલો 23 ડિસેમ્બરનો છે. ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં એક 19 વર્ષીય વિદ્યાર્થિનીનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે એકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

    આ કેસને લઈને એક તરફ જ્યાં ભાજપ અધ્યક્ષ અન્નમલાઈએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા તો બીજી તરફ FIR કૉપીના માધ્યમથી પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ પોલીસને ફટકાર લગાવી હતી. તેમણે આ મામલે મહિલા આયોગને એક પત્ર પણ લખ્યો છે. 

    ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એલાન કર્યું કે, જ્યાં સુધી DMKને સત્તામાંથી ઉખાડી ન ફેંકે ત્યાં સુધી પોતે પગરખાં પહેરશે નહીં. તેમજ આવતીકાલથી ઘરની બહાર પ્રદર્શન કરશે, પોતાને જ ચાબુક મારશે અને 48 દિવસ સુધી ઉપવાસ કરશે. તેમણે કહ્યું કે, હવે આ સરકારનો અંત આવવો જોઈએ.