તામિલનાડુનાં 52 મોટાં મંદિરોમાં કેમેરાવાળા મોબાઇલ પર પ્રતિબંધ, જમા કરાવવા ₹5ની ફી: વિજય સરકારના નિર્ણય સામે ભક્તોમાં રોષ

તાજેતરમાં જ જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તામિલનાડુ સરકારે રાજ્યનાં 52 મોટા મંદિરોમાં કેમેરાવાળા મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા આ નિયમ હેઠળ ભક્તોએ દર્શન માટે મંદિર પરિસરમાં પ્રવેશતા પહેલાં પોતાના કેમેરાવાળા મોબાઇલ ફોન નિયુક્ત કાઉન્ટર પર જમા કરાવવા પડશે. આ નિર્ણય હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) વિભાગ હેઠળ આવતાં મંદિરો માટે લાગુ કરવામાં આવ્યો છે.

જોકે, કેમેરા વગરના સાદા મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. આ નિર્ણય પાછળ સરકારનો તર્ક છે કે મંદિરોમાં ફોટોગ્રાફી, વિડીયો, સેલ્ફી અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની પ્રવૃત્તિથી થતી અસુવિધા રોકવા તેમજ મંદિરનું શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણ જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

હાઇકોર્ટના આદેશનો હવાલો

આ નિણર્ય લેવા માટે સરકારે મદ્રાસ હાઇકોર્ટના 2 ડિસેમ્બર 2022ના એક આદેશનો હવાલો આપ્યો છે જેમાં કોર્ટે તામિલનાડુનાં મંદિરોમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવા અંગે કહ્યું હતું. સરકારના મતે મંદિર દર્શન દરમિયાન કેમેરાના ઉપયોગથી અન્ય ભક્તોને અસુવિધા થતી હોય છે. જ્યારે ભીડવાળા મંદિરોમાં કોઈ વ્યક્તિ ફોટો કે વિડીયો બનાવવા માટે ઊભી રહે ત્યારે દર્શનની લાઇન અને લોકોની અવરજવરમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.

જોકે હાલમાં સોશિયલ મીડિયા પર HR&CE વિભાગની ભૂમિકા પર જ પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અશ્વથામન અલિમુથુએ દાવો કર્યો કે હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગને ભક્તોના મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાની સત્તા નથી અને વિભાગની ભૂમિકા મંદિરના હિસાબો તથા વહીવટી બાબતો સુધી મર્યાદિત હોવી જોઈએ.

આ ઉપરાંત વિરોધનું અન્ય એક કારણ છે મોબાઈલ જમા કરવા માટે ઉઘરવવામાં આવતી રૂપિયા 5ની ફી. મંદિરોમાં કેમેરાવાળા ફોન લઈને આવતા ભક્તોએ નિયુક્ત કાઉન્ટર પર ફોન જમા કરાવવો પડશે અને તેના માટે ₹5 ફી આપવી પડશે. સરકારે કહ્યું છે કે આ ₹5ની ફીની ઇન્ટિગ્રેટેડ ટેમ્પલ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે રસીદ પણ આપવામાં આવશે.

₹5ની ફીનો વિરોધ

ફી અંગે સ્પષ્ટતા કરતા વિજયની સરકારે એવી દલીલ કરી છે કે મોબાઇલ જમા કરાવવાના કાઉન્ટર ચલાવવા, સ્ટાફની વ્યવસ્થા કરવા અને તેની કામગીરીનો ખર્ચ પૂરો કરવા માટે આ રકમ લેવામાં આવે છે. જોકે, ભક્તો અને અન્ય લોકો આ તર્કથી સંતુષ્ટ નથી અને સવાલ કરી રહ્યા છે કે સરકારે બનાવેલ નિયમનું પાલન કરવા માટે પણ ભક્તો પાસેથી અલગથી શા માટે પૈસા લેવામાં આવે?

આ ઉપરાંત સામાન્ય લોકો એવી દલીલ કરી રહ્યા છે કે જે ભક્તો દરરોજ અને વારંવાર મંદિર આવે છે તેમના માટે આ ₹5નો ખર્ચ નાની રકમ હોવા છતાં આર્થિક બોજ બની શકે છે. કોઈ વ્યક્તિ અઠવાડિયામાં અનેક વખત મંદિર જતી હોય તો દરેક મુલાકાતે ફોન જમા કરાવવા માટે ચૂકવણી કરવી પડે. તેથી કેટલાક ભક્તોનું કહેવું છે કે કાઉન્ટર અને સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ મંદિર પ્રશાસન અથવા સરકારે જ ઉઠાવવો જોઈએ.

અહીં મુદ્દો માત્ર ₹5નો નથી, પરંતુ નિયમના અમલની રીત અંગે છે. એક તરફ સરકાર ભક્તોને મોબાઇલથી દૂર રાખીને મંદિરમાં જવા કહે છે, જ્યારે બીજી તરફ એ જ પ્રક્રિયા માટે ભક્તો પાસેથી ફી વસૂલવામાં આવે છે. આ કારણોસર મોબાઇલ પ્રતિબંધ સાથે ₹5ની ફી પણ જાહેર ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો આ મોબાઈલ ફોન અને ફોટોગ્રાફીના પ્રતિબંધનું સમર્થન પણ કરી રહ્યા છે.

પરંતુ દરેક પ્રકારની ફોટોગ્રાફીને એકસરખી રીતે જોવી યોગ્ય નથી. તામિલનાડુનાં મંદિરો માત્ર પૂજાનાં સ્થળો નથી, તેઓ સ્થાપત્ય, શિલ્પ, સંગીત, નૃત્ય, શિલાલેખો અને સ્થાનિક ઇતિહાસનાં મહત્વપૂર્ણ કેન્દ્રો પણ છે. ફોટોગ્રાફી અને વિડીયો દ્વારા ઘણી પ્રાચીન મૂર્તિઓ, શિલ્પો, શિલાલેખો, ધાર્મિક પરંપરાઓ અને ઉત્સવોનું દસ્તાવેજીકરણ થયું છે. દૂર રહેતા લોકો, વૃદ્ધો અથવા મુસાફરી કરી ન શકતા ભક્તો માટે વિડીયોકોલ અને લાઇવ દર્શન પણ મહત્વપૂર્ણ બની શકે છે.

મોબાઈલ જમા કરાવવાની વ્યવસ્થા જ પડકાર

આ ઉપરાંત મોબાઇલ જમા કરાવવાની વ્યવસ્થા પોતે જ એક મોટો વહીવટી પડકાર છે. ભક્તો જે ફોન જમા કરાવે છે તેમાં તેમની વ્યક્તિગત તસવીરો, મેસેજ, બેંકિંગ એપ્લિકેશન, કામકાજની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ ડિજિટલ ડેટા હોય છે. કેટલાક ફોનની કિંમત હજારો રૂપિયાથી લઈને એક લાખ રૂપિયાથી પણ વધુ હોય છે. આવી સ્થિતિમાં મંદિર પ્રશાસનની જવાબદારી માત્ર ફોન સ્વીકારવાની નથી, પરંતુ તેને સુરક્ષિત રાખવાની અને યોગ્ય વ્યક્તિને યોગ્ય ફોન પરત આપવાની પણ છે.

જો કોઈ ફોન ખોવાઈ જાય, નુકસાન થાય અથવા ખોટા વ્યક્તિને પરત કરવામાં આવે તો જવાબદારી કોની રહેશે તે અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. મોટા ધાર્મિક ઉત્સવો દરમિયાન એકસાથે હજારો ભક્તો આવે ત્યારે આ વ્યવસ્થા કેવી રીતે જાળવવામાં આવશે તેની પણ કોઈ સ્પષ્ટતા સરકારે કરી નથી.

વિરોધનો વધુ એક ગંભીર મુદ્દો VIP અને સામાન્ય ભક્તો માટે નિયમના સમાન અમલને લઈને સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ મૂકવામાં આવ્યો કે તામિલનાડુના ધારાસભ્ય વિજય પ્રભુએ સિરુવાપુરી મુરુગન મંદિરમાં પોતાની પત્ની સાથે ફોટો પડાવ્યો હતો, જ્યારે સામાન્ય ભક્તોને કેમેરાવાળા મોબાઇલ મંદિરની અંદર લઈ જવાની મંજૂરી નથી. પોસ્ટમાં સવાલ કરવામાં આવ્યો કે શું સામાન્ય ભક્તો માટે અલગ નિયમ અને VIP માટે અલગ છૂટછાટ છે?

હાલમાં ઘણા લોકો એ બાબતને લઈને પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે સરકાર મસ્જિદો કે અન્ય સાંપ્રદાયિક સ્થળો માટે કોઈ નિયમો કે પ્રતિબંધો નથી લાવી રહી પરંતુ માત્ર હિંદુઓના ધર્મસ્થળો માટે આવા નિયમો લાવી રહી છે. તેથી સોશિયલ મીડિયા પર એવા દાવા થઈ રહ્યા છે કે મંદિરો એ સરકારની ખાનગી સંપત્તિ નથી. હાલમાં વિરોધનું કેન્દ્ર છે કે ‘₹5ની ફીની વ્યવસ્થા કે ભક્તો પર આર્થિક બોજ’ અને કાઉન્ટર પર દરેક મોબાઈલ કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવશે?