કેતનની હત્યા માટે સિયા-ચેતને ગૂગલ પર કર્યું હતું ‘રિસર્ચ’, પકડાઈ ગયા બાદ પોલીસને શું જવાબ આપવા તેની પણ તૈયારી હતી

પુણેના કેતન અગ્રવાલના હત્યા કેસમાં જેમ-જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે તેમ નવી વિગતો બહાર આવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ કેતનની હત્યા કરવા માટે ઓનલાઇન જુદી-જુદીપદ્ધતિઓ સર્ચ કરી હતી અને આખરે લોહગઢના કિલ્લા પરથી ધક્કો મારવાનું નક્કી કર્યા બાદ પણ કઈ જગ્યાએથી ધક્કો મારવો જેથી તે અકસ્માત લાગે તેની પણ તૈયારીઓ કરી રાખી હતી.

સિયા અને ચેતનની ધરપકડ કર્યા બાદ પોલીસ હવે બંનેની પૂછપરછ કરી રહી છે, જેમાં આ બાબત જાણવા મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે બંને આરોપીઓએ પકડાઈ જવાની સ્થિતિમાં પોલીસને શું જવાબો આપવા તેની પણ અગાઉથી તૈયારી કરી રાખી હતી.

પોલીસ અનુસાર સિયા અને ચેતન ઘણાં અઠવાડિયાંથી કેતનને મારવાનો પ્લાન બનાવી રહ્યાં હતાં. હત્યા કઈ રીતે કરી શકાય તે માટે ગૂગલનો પણ સહારો લીધો હતો. ઉપરાંત બંને લોહગઢના કિલ્લા પર જઈને રિહર્સલ પણ કરી આવ્યાં હતાં.

હત્યા પહેલાં અને પછી બંનેએ ફોન કૉલ હિસ્ટ્રી, ચેટ હિસ્ટ્રી ડિલીટ કરી દીધી હતી અને રિસાયકલ બિન પણ ખાલી કરી દીધું હતું. બંનેની ધરપકડ બાદ પોલીસે મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા છે, જેથી આ ડેટા રિકવર કરી શકાય.

પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

શનિવારે (27 જૂન) પોલીસ બંને આરોપીઓને લઈને લોહગઢના કિલ્લા પર ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કયો રૂટ લેવામાં આવ્યો હતો, કોણ ક્યાં ઊભું હતું, દરેક મિનિટે શું-શું બન્યું, કેતનને કેવી રીતે ધક્કો મારવામાં આવ્યો, અને ત્યારબાદ શું થયું– તમામ બાબતો પોલીસ જાણી રહી છે. ઉપરાંત પોલીસે સિયાનાં માતા-પિતા અને અન્ય સંબંધીઓ, જેઓ લગ્નમાં સામેલ હતા તેમની પણ પૂછપરછ કરી છે.

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે કેતન સાથે લગ્ન ન કરવા માગતી સિયાએ પ્રેમી ચેતન સાથે મળીને કેતનને માર્ગમાંથી હટાવવા માટે આખો પ્લાન ઘડ્યો હતો.

સિયા અને ચેતન ઑક્ટોબર 2025માં એકબીજાને મળ્યાં હતાં અને ત્યારથી રિલેશનશિપમાં હતાં. નવેમ્બરમાં બંને પરિવારો વચ્ચે સિયા-કેતનનાં લગ્નની વાત ચાલી અને બંને પક્ષોની સહમતી બાદ માર્ચ-એપ્રિલ 2026માં સગાઈ થઈ હતી. પરંતુ સિયા આ દરમ્યાન સતત ચેતન સાથે પણ સંપર્કમાં હતી. પારિવારિક દબાણના કારણે લગ્ન ન તોડી શકે એમ લાગતાં બંનેએ કેતનની જ હત્યાનો પ્લાન બનાવ્યો.

15 મેથી સિયા અને ચેતન સતત એકબીજાના સંપર્કમાં રહ્યાં હતાં. બંનેએ કેતનની હત્યાનો પ્લાન બનાવ્યો, કઈ રીતે મારી શકાય તે રિસર્ચ કર્યું, મે અંત સુધીમાં પ્લાન ફાઈનલ કર્યો. 14 જૂનના રોજ સિયા અને કેતન લોહગઢના કિલ્લા પર ગયાં હતાં ત્યારે સિયાએ પહેલી વખત કેતનને મારવાનો પ્રયાસ કર્યો પણ નસીબજોગે તે બચી ગયો હતો. ત્યારે સિયાએ સાપ હોવાનું બહાનું આપી દીધું હતું. ત્યારબાદ સિયા-ચેતને સાથે મળીને હત્યાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું.

18 જૂનના દિવસે ચેતન ઓળખ છુપાવવા માટે હુડી પહેરીને કિલ્લા પર આવ્યો હતો. સિયા અને કેતન પણ ત્યાં જ હતાં. અગાઉથી નક્કી કરેલા સ્થાન પર બંને પહોંચ્યાં ત્યારે ચેતન પણ પીછો કરતો ગયો. બંનેએ કેતનને ધક્કો મારી દીધો, ત્યારબાદ ચેતન ત્યાંથી ભાગી ગયો અને સિયાએ રડવાનાં નાટકો શરૂ કરી દીધાં.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કેતનનું મોત માથામાં ગંભીર ઈજાના કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસ કેસની વધુ તપાસ કરીને શક્ય બને એટલા પુરાવા એકઠા કરી રહી છે.