
દેશભરમાં વધતા રખડતા શ્વાનોના હુમલાઓ અને ડોગ બાઇટની ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે (19 મે) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે રેબીઝગ્રસ્ત, અસાધ્ય રીતે બીમાર અથવા આક્રમક અને ખતરનાક રખડતા શ્વાનોને જરૂરી જણાય તો સત્તાવાર તંત્ર દ્વારા યૂથેનાઇઝ કરી શકાશે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના આદેશોનું સારા ઈરાદાથી પાલન કરનારા અધિકારીઓ સામે સામાન્ય રીતે કોઈ FIR અથવા ફોજદારી કાર્યવાહી ન થવી જોઈએ.
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે જ્યાં રખડતા શ્વાનોની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ હોય અને સતત હુમલાઓ જાહેર સુરક્ષા માટે જોખમ બની રહ્યા હોય ત્યાં યોગ્ય વેટરનરી નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ કાયદાકીય જોગવાઈઓ અનુસાર કાર્યવાહી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે પોતાના 7 નવેમ્બર 2025ના અગાઉના આદેશમાં કોઈ ફેરફાર કરવાનો ઇનકાર પણ કર્યો હતો. તે આદેશ હેઠળ હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, રેલવે સ્ટેશનો અને અન્ય જાહેર સંસ્થાઓમાંથી રખડતા શ્વાનોને દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. અનેક અરજીઓ દ્વારા આ આદેશ પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને યથાવત રાખ્યો.
કોર્ટે આર્ટીકલ 21નો ઉલ્લેખ કરતા કહ્યું કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર એટલે લોકો ભય વગર જાહેર સ્થળોએ ફરી શકે તે પણ છે. કોર્ટે નોંધ્યું કે દેશના અનેક ભાગોમાં નાના બાળકો પર હુમલાઓ થયા છે, વૃદ્ધો પર હુમલા થયા છે, સામાન્ય નાગરિકો જાહેર જગ્યાઓમાં અસુરક્ષિત બન્યા છે અને વિદેશી પ્રવાસીઓ પણ આવી ઘટનાઓના ભોગ બન્યા છે.
બેન્ચે કહ્યું કે ઘણા કિસ્સાઓમાં અધિકારીઓ પર સ્વઘોષિત ડોગ લવર્સ અથવા એનિમલ એક્ટિવિસ્ટ દ્વારા દબાણ, હુમલા અને FIR જેવી કાર્યવાહી કરવામાં આવે છે. તેથી સારા ઈરાદાથી કોર્ટના આદેશો અમલમાં મૂક્તા અધિકારીઓને કાયદાકીય રક્ષણ મળવું જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પ્રાથમિક દૃષ્ટિએ દુરાશયપૂર્ણ વર્તન અથવા સત્તાનો ગંભીર દુરુપયોગ જણાય ત્યારે જ FIR થઈ શકે.
સુપ્રીમ કોર્ટે એનિમલ બર્થ કંટ્રોલ (ABC) ફ્રેમવર્કની અમલવારીને લઈને પણ કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે 2001થી અમલમાં આવેલી અને 2023માં સુધારાયેલી ABC વ્યવસ્થા દેશભરમાં અસંગત, અપૂરતી અને બેદરકારીભરી અમલવારીના કારણે નિષ્ફળ ગઈ છે. જો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સમયસર સ્ટેરિલાઇઝેશન, વેક્સિનેશન અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું હોત તો હાલની પરિસ્થિતિ આટલી ગંભીર ન બની હોત.
કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક સંપૂર્ણ કાર્યરત ABC સેન્ટર શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ એન્ટિ-રેબીઝ દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, વસ્તી અનુસાર ABC સેન્ટરો વધારવા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય જાહેર સ્થળોએ પણ આ પ્રકારની કાર્યવાહી વિસ્તૃત કરવાની સૂચના આપવામાં આવી છે.
NHAIને રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી રખડતા પશુઓ હટાવવા અને મોનીટરીંગ ફ્રેમવર્ક ઉભું કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટોને સુઓ-મોટો કેસ નોંધાવી આદેશોના અમલ પર નજર રાખવા કહ્યું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને 7 ઑગસ્ટ સુધીમાં અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે ચેતવણી પણ આપી છે કે આદેશોના અમલમાં સતત બેદરકારી અથવા ઉદાસીનતા દાખવનારા અધિકારીઓ સામે કોર્ટ અવમાનનાની કાર્યવાહી સહિતની કડક કાર્યવાહી થઈ શકે છે.

