‘JDUને 25 બેઠકો મળશે તો રાજકારણ છોડી દઈશ’ કહેનાર પ્રશાંત કિશોરે કારમી હાર બાદ ફેરવી તોળ્યું, કહ્યું– કયા પદ પર છું તે રાજીનામું આપું?

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી ‘જનસુરાજ’ને ત્રીજા મોરચા તરીકે રજૂ કરીને ચૂંટણી લડેલા પણ અત્યંત કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા પ્રશાંત કિશોરે મંગળવારે (18 નવેમ્બર) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી.

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પ્રશાંતને નીતિશ કુમારની JDU જો 25 કરતાં વધારે બેઠકો મેળવશે તો પોતે રાજકારણ છોડી દેશે તેવું તેમનું નિવેદન પણ યાદ કરાવવામાં આવ્યું હતું, પણ હવે તેમણે ફેરવી તોળ્યું છે અને કહ્યું છે કે પોતે કોઈ પદ પર જ નથી તો રાજીનામું કઈ રીતે આપી શકે? સાથે બહાનાં પણ કાઢ્યાં.

પ્રશાંત કિશોરે કહ્યું, “હું કયા પદ પર છું કે રાજીનામું આપી દઉં? એવું તો નહતું કહ્યું કે બિહાર છોડીને ચાલ્યો જઈશ. રાજકારણ તો અમે કરતા જ નથી, પરંતુ એવું તો નહતું કહ્યું કે બિહારના લોકોની વાત કરવાની છોડી દઈશું.”

ત્યારબાદ તેમણે નીતિશ કુમાર અને JDUએ પૈસા આપીને વૉટ ખરીદ્યા હોવાનું રટણ ચાલુ કરી દીધું અને નવી શરત મૂકતાં કહ્યું કે નીતિશ કુમાર જો વાયદો પૂરો કરી દે તો તેઓ રાજકારણ છોડી દેશે.

પ્રશાંતે કહ્યું. “હું આજે પણ પચીસ બેઠકોવાળી વાત પર અડગ છું. જો નીતિશ કુમારે વૉટ ખરીદ્યા ન હોય તો લોકોને બે-બે લાખ રૂપિયા આપી દે, હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ, તેમાં કોઈ બેમત નથી. નીતિશ કુમાર બિહારના દોઢ કરોડ લોકોને બે-બે લાખ આપી દે તો અમે માની લઈશું કે અમારી ભૂલ હતી.”

આગળ કહ્યું કે નીતિશ કુમારે પૈસા આપીને લોકોના વૉટ ખરીદ્યા છે. પછી ફેરવી તોળતાં કહ્યું કે તેવો આરોપ લાગ્યો છે. આગળ કહ્યું કે સરકાર લોકો માટે સ્વરોજગારની વ્યવસ્થા કરી દે અને નહીં કરી શકે તો અમે અહીં જ છીએ.