Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણસબસે ખતરનાક હોતા હૈ પ્રશાંત કિશોર બન જાના!

    સબસે ખતરનાક હોતા હૈ પ્રશાંત કિશોર બન જાના!

    ઓછામાં ઓછી પાંચ બેઠકો પણ આવી હોત તો પ્રશાંત કહી શક્યા હોત કે પ્રથમ પ્રયાસે તેઓ સાવ નિષ્ફળ ગયા નથી. પણ 14 નવેમ્બરે પરિણામો આવ્યાં તો જનસુરાજનું નામનિશાન ન દેખાયું. પછીથી ડેટા આવ્યો તેમાં જાણવા મળ્યું કે કુલ 238માંથી 236 ઉમેદવારોએ ડિપોઝીટ જ ગુમાવી દીધી છે.

    - Advertisement -

    બિહારની ચૂંટણીમાં મતો ભલે NDA અને મહાગઠબંધનને મળ્યા હોય, પણ ફૂટેજ ખાવાનું, રીલબાજી કરવાનું, માહોલ બનાવવાનું સંપૂર્ણ કામ ત્રીજા મોરચા તરીકે ચૂંટણીમાં ઉતરેલી પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજે ઉપાડી લીધું હતું. બિહારમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના વાયદા સાથે, ત્રીજા વિકલ્પ તરીકે પાર્ટીને પ્રોજેક્ટ કરીને વિધાનસભા ચૂંટણી લડવા ઉતરેલા પ્રશાંત કિશોરની હાલત જોવા જેવી થઈ છે!

    2022માં પાર્ટી બનાવીને બિહારનાં હજારો ગામડાં પગપાળા ફરી ચૂકેલા પ્રશાંત કિશોરે બિહારની ચૂંટણીમાં લગભગ તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પણ આખરે લડ્યા 238. પ્રશાંત કિશોરે જોકે સમગ્ર ચૂંટણી દરમિયાન એવું રટણ ચાલુ રાખ્યું હતું કે કાં તેમની પાર્ટી અર્શ પર હશે– એટલે કે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે, અથવા પછી ફર્શ પર હશે એટલે 10થી ઓછી બેઠકો આવશે.

    અર્શવાળી વાત તો ટાઢાં પહોરનાં ગપ્પાં હતી એ પ્રશાંત કિશોરને પણ ખબર હતી. બિહારના રાજકારણને જોતાં વ્યવહારિક રીતે એ શક્ય ન હતું. પણ ત્રણ વર્ષ આટલી મહેનત કરી હોય, ગામેગામ જઈને મતદારો સાથે મુલાકાતો કરી હોય, સોશિયલ મીડિયા પર ભરપૂર કેમ્પેઈન ચલાવ્યું હોય, મીડિયામાં ઠીકઠાક માહોલ બનાવાયો હોય ને પછી 1 બેઠક જીતવાની વાત દૂર પણ 2 સિવાય બાકીના ઉમેદવારો ડિપોઝિટ પણ ન બચાવી શક્યા હોય તો આ પ્રશાંત કિશોરનો, જનસુરાજનો બહુ મોટો પરાજય કહેવાય!

    - Advertisement -

    ઓછામાં ઓછી પાંચ બેઠકો પણ આવી હોત તો પ્રશાંત કહી શક્યા હોત કે પ્રથમ પ્રયાસે તેઓ સાવ નિષ્ફળ ગયા નથી. પણ 14 નવેમ્બરે પરિણામો આવ્યાં તો જનસુરાજનું નામનિશાન ન દેખાયું. પછીથી ડેટા આવ્યો તેમાં જાણવા મળ્યું કે કુલ 238માંથી 236 ઉમેદવારોએ ડિપોઝીટ જ ગુમાવી દીધી છે. વૉટશેર એટલો છે કે ચૂંટણી પંચે પાર્ટીને અલગ પણ તારવી નથી અને ‘અન્ય’માં નાખી દીધી છે!

    પ્રશાંત કિશોરનો, તેમની પાર્ટીનો આવો ધબડકો કેમ થયો તેના વિશે અનેક વિશ્લેષણો થઈ રહ્યાં છે. રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાઓ ચાલે છે. તેમના સમર્થકો તો જોકે હજુ એ જ નક્કી કરી શક્યા નથી કે આમાં ડિફેન્ડ કઈ રીતે કરવું. આ લખાય રહ્યું છે તેના થોડા કલાક પછી પ્રશાંત કિશોર એક પ્રેસ કૉન્ફરન્સ કરશે. તેમાં તેઓ પોતાનો, પાર્ટીનો કેવોક બચાવ કરે એ જોવું રહ્યું. ત્યાં સુધીમાં આગળની ચર્ચાઓ કરીએ.

    પ્રશાંત કિશોર પોતે ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ તરીકે ઘણાખરા સફળ રહ્યા છે એવું તેમનો છેલ્લા એક દાયકાનો રિપોર્ટ જોતાં કહી શકાય. જોકે એ વાત પણ એટલી જ સાચી છે કે તેઓ ક્લાયન્ટ પસંદ કરવામાં બહુ ધ્યાન રાખે છે. જ્યાં જીતની સંભાવનાઓ 50 ટકા કરતાં વધારે હોય ત્યાં જ તેઓ હાથ નાખતા. જ્યાં જોખમ જેવું હોય ત્યાં બહુ માથાકૂટમાં પડતા નહીં. 2012નું નરેન્દ્ર મોદીનું ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કેમ્પેઇન અને 2014નું લોકસભા ચૂંટણીનું કેમ્પેઈન ડિઝાઇન કરવામાં પણ તેમણે ભૂમિકા ભજવી હોવાનું કહેતા રહે છે. ભૂમિકા કેવી અને કઈ કક્ષા સુધીની હતી એ મોદી અને પ્રશાંત કિશોર જાણે, પણ પ્રશ્ન એ છે કે આટલી પાર્ટીઓને જીતાડવાનો દાવો કરતા, આટલી સરકારો બનાવી હોવાનું કહ્યા કરતા પ્રશાંત કિશોરની જ્યારે પોતે ચૂંટણી લડવાની વાત આવી ત્યારે આવી હાલત કેમ થઈ?

    કોચ તરીકે કામ કરવું અને સ્વયં મેદાનમાં ઉતરવું– બંને વચ્ચે આસમાન-જમીનનું અંતર છે

    એક સ્ટ્રેટેજિસ્ટ તરીકે ચૂંટણી લડાવવી અને નેતા તરીકે ચૂંટણી લડવી એમાં આસમાન-જમીનનું અંતર છે. એક કોચ તરીકે સલાહ આપવી અને જાતે મેદાનમાં ઉતરવું– આ બંને વચ્ચે અંતર છે તેવું જ. કામ હાથ પર લઈએ ત્યારે જ જાણવા મળે કે કેટલા વીસે સો થાય. નેતા બનવાનું કામ આપણે ધારીએ એટલું સરળ હોતું નથી એ ઘણાને નેતા બની ગયા પછી સમજાય છે. પ્રશાંત કિશોરનું નામ તેમાં હવે ઉમેરાઈ ગયું.

    પ્રશાંત કિશોરે નેતાગિરી તો ચાલુ કરી, પણ નેતાના ગુણ તેમનામાં હજુ નથી. એક વખત જાહેરજીવનમાં આવ્યા પછી, લીડર બન્યા પછી ઘણો સંયમ રાખવો પડે છે. બોલવામાં, વ્યવહારમાં સરળતા લાવવી પડે છે. પ્રશાંત કિશોર હજુ પણ પોતે બહુ મોટા સ્ટ્રેટેજિસ્ટ છે અને બિહારના રાજકારણ વિશે તેમના સિવાય કોઈને ગતાગમ નથી એવા ભ્રમમાં રહ્યા હતા. (પરિણામ પછી ઉતરી ગયો હોય તો સારી વાત છે.)

    આ અહંકાર પ્રશાંતના વ્યવહારમાં, મીડિયા સાથેની તેમની વાતચીતોમાં, ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે જોવા મળતો થઈ ગયો હતો. ‘આ પાર્ટીની શું ઔકાત છે’, ‘પેલી પાર્ટીની શું ઔકાત છે’, ‘આ નેતાને એની ઔકાત ખબર પડી જશે’, ‘પેલો નેતા તો ગુંડો છે’ આવી બધી ફાંકા ફોજદારી પ્રશાંત કિશોરે આખી ચૂંટણી દરમિયાન કરી. છેલ્લે તેમની પોતાની શું ઔકાત છે એ બિહારની જનતાએ દેખાડી દીધી! તેમણે જેમને-જેમને ટાર્ગેટ કર્યા હતા એ બધાની સ્થિતિ જનસુરાજ અને પ્રશાંત કરતાં તો સારી જ છે.

    આ જ અહંકારના કારણે પ્રશાંત કિશોર એવું કહી દીધું હતું કે નીતિશ કુમારની કારકિર્દી ખતમ થઈ ગઈ છે અને JDUને 25 કરતાં ઓછી બેઠકો આવશે. આટલે સુધી કહીને અટકી ગયા હોત તોપણ ઘણું હતું, પણ પછી કહ્યું કે 25થી વધારે બેઠકો JDUની આવી તો પોતે રાજકારણ મૂકી દેશે. વાત પર વળગી રહે એવું લાગતું તો નથી, શું ખેલ કરે છે એ જોઈએ.

    સિસ્ટમ બદલવા માટે સિસ્ટમમાં રહીને જ કામ કરવું પડે

    પ્રશાંત કિશોરની નિષ્ફળતાનું મોટું કારણ એ છે કે તેમની વાતોમાં વ્યવહારિકતા ન હતી. પહેલા જ પ્રયાસે બિહારની તમામ બેઠકો પર ચૂંટણી લડીને સરકાર બનાવી નાખવાની વાતો ગપ્પાં લાગે એ સ્વાભાવિક છે. જનતા મૂરખ નથી. એટલે તેમના અમુક મુદ્દાઓ વાજબી હોવા છતાં જનતાએ બહુ ગંભીરતાથી ન લીધા.

    પ્રશાંત કિશોરે આમ જોવા જઈએ તો આડકતરી રીતે NDAને બહુ મોટો ફાયદો કરાવ્યો. અગાઉ બિહારમાં ચૂંટણી ઘણીખરી જાતિવાદી રાજકારણના, સ્થાનિક નેતાઓના કેન્દ્રમાં રહી જતી હતી. પ્રશાંત કિશોર ત્રણ વર્ષ સુધી ફરીફરીને રોજગાર, પલાયન, શિક્ષણ વગેરે મુદ્દાઓ પર નરેટિવ સ્થાપિત કર્યો. આ મુદ્દાઓ પોતે સરકારમાં આવશે તો હલ કરશે એવું વચન પણ આપ્યું. પણ લોકોને એ વાતે કન્વીન્સ કરવામાં નિષ્ફળ રહ્યા કે પોતે સત્તામાં આવશે કઈ રીતે! એટલે પછી લોકોએ જેઓ સત્તામાં છે, જેઓ કામ કરી શકે એમ છે તેમને પસંદ કરી લીધા!

    પ્રશાંત કિશોરની ઘણી બધી વાતો અવ્યવહારિક પણ હતી. સત્તામાં આવતાંની સાથે જ આટલાં-આટલાં પરિવર્તનો લાવી દઈશું ને ધરમૂળથી ફેરફારો કરવા માંડીશુંની વાતો તો તેમણે ઘણી કરી હતી, પણ વાસ્તવમાં એ થશે કઈ રીતે તેનો રોડમેપ સમજાવવામાં નિષ્ફળ ગયા. આવું દિલ્હીમાં એક વખત થઈ ચૂક્યું છે એટલે જનતા વધારે જાગૃત થઈ ગઈ છે. થવું જરૂરી પણ છે. બીજો કેજરીવાલ પાકે અને દેશનાં બીજાં દસ વર્ષ બગડી જાય એ હવે પોસાય એમ નથી.

    સત્તામાં આવતાંની સાથે જ સિસ્ટમ બદલી નાખવાની, ધરમૂળથી ફેરફારો લાવવાની વાતો બોલવા-સાંભળવામાં અને રીલ બનાવવામાં ચાલે તેમ છે, વાસ્તવિકતા તેનાથી ઘણી જુદી છે. સિસ્ટમ રાતોરાત બદલી શકાતી નથી. ભ્રષ્ટાચાર અને રોજગાર જેવી સમસ્યાઓનાં સમાધાન તાત્કાલિક આવી જતાં નથી. સમાજ કે સિસ્ટમ બહાર રહીને બદલી શકાતાં નથી, એ બદલવા માટે પહેલાં તેના ભાગ બનવું પડે છે. પ્રશાંત કિશોરે બહારથી બધું બદલવાનાં સપનાં દેખાડ્યાં.

    નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ આવાં સપનાં બતાવી શક્યા હોત, પણ તેમણે કામ કરવાનું પસંદ કર્યું. એ જ સિસ્ટમમાં રહીને કામ કર્યું, જે સિસ્ટમ પહેલેથી ચાલતી આવતી હતી. પરિવર્તન લાવતાં તેમને વર્ષો લાગ્યાં. વડા પ્રધાન તરીકે અગિયાર વર્ષ થઈ ગયાં હોવા છતાં હજુ આપણને અમુક ફરિયાદો રહે છે કે આ કામ થયાં નથી. એ કામો થશે, પણ સમય માગી લે છે. એટલી ધીરજ સત્તા પર બેઠેલા માણસનામાં હોવી જોઈએ.

    ટીમવર્ક છે સરકાર ચલાવવી, એકલે હાથે સરકારો ન ચલાવાય

    બીજું, સરકાર બનાવવી, સરકાર ચલાવવી એ ટીમવર્ક છે. કોઈ એક માણસ પહોંચી વળતો નથી. એક માણસની કાબેલિયત સરકારને ગતિ આપી શકે, દિશા આપી શકે, પણ એકલાથી કશું થતું નથી. નરેન્દ્ર મોદીની સરકાર ભારતની સૌથી સફળ સરકાર રહી તેનું કારણ મોદીની દીર્ઘદૃષ્ટિ અને મોદીની કાબેલિયત તો ખરી, પણ તેમની એકસ્ટ્રા ઓર્ડિનરી ટીમ પણ છે. પ્રશાંત કિશોરની પાર્ટીમાં તેમના સિવાય બીજો એક પણ ચહેરો ન હતો. એટલે દલીલ ખાતર માની લઈએ કે તેઓ સત્તામાં પણ આવી ગયા હોત તો સરકાર નહીં પણ અરાજકતા જ સર્જાઈ હોત એ લોકોને ખબર હતી. સરકાર બનાવવાની વાતો કરવી હોય તો તમારે એકલાએ ઝંડા લઈને દોડી ન જવાય, પણ ટીમ દેખાડવી પડે એ પણ પ્રશાંત કિશોરને હવે શીખવા મળ્યું હશે.

    રણમેદાનમાં સેનાપતિ અગ્રિમ મોરચે હોય, પ્રશાંત કિશોરે પીછેહઠ કરી

    શીખવા તો એ પણ મળ્યું હશે કે મેદાનમાં ઉતરીએ ત્યારે સેનાપતિએ સૌથી આગળ રહેવાનું હોય. ખાસ કરીને જ્યારે લડાઈનો સંપૂર્ણ દારોમદાર જ સેનાપતિ પર હોય. પ્રશાંત કિશોરે ચૂંટણી પહેલાં પોતે પણ ચૂંટણી લડશે એવી વાતો કરી પણ છેલ્લે એમ કહીને છટકી ગયા કે પાર્ટીએ તેમને ચૂંટણી ન લડાવવાનો નિર્ણય કર્યો છે. આ હાસ્યાસ્પદ વાત થઈ. જન સુરાજમાં પ્રશાંત કિશોર હાલ એકમાત્ર ચહેરો છે એ જગજાહેર છે. તેમને લગતા રાજકીય નિર્ણયો પાર્ટી ન કરે. એ પણ એવી પાર્ટી, જેની કેડર જ હજુ બની રહી છે.

    બીજું, પ્રશાંત કિશોરે કારણ આપ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે તો પોતે એક જ બેઠક પર સીમિત થઈ જશે, અને બાકી ઠેકાણે પ્રચાર નહીં કરી શકે. પણ આ સમસ્યા તેમને એકલાને નહીં, બધા જ નેતાઓને નડે છે. અમિત શાહ પોતે આખા દેશની 543 બેઠકો પર ધ્યાન રાખતા હોવા છતાં ગાંધીનગરથી લડે છે. નરેન્દ્ર મોદી પોતે વારાણસીથી લડે છે. બિહારનું જ ઉદાહરણ લઈએ તો તેજસ્વી યાદવ જ મહાગઠબંધનના કેન્દ્રમાં હોવા છતાં રાઘોપુરથી ચૂંટણી લડ્યા હતા. બીજા પણ અનેક નેતાઓ આવી ગયા. પ્રશાંત કિશોરનું આવું કારણ આપવું એ જ દર્શાવે છે કે તેમની, તેમની પાર્ટીની સ્થિતિ ચૂંટણીમાં વાસ્તવિક રીતે કેવી હતી.

    આ અને આવાં બીજાં ઘણાં કારણોસર પ્રશાંત કિશોરની વાતો વાતો જ રહી, વાયદા વાયદા જ રહ્યા અને વૉટમાં ટ્રાન્સફર ન થયા. જો તેઓ 25-30 સારી બેઠકો પસંદ કરીને એટલી જ બેઠકો પર લડ્યા હોત તો પરિણામો આનાથી જુદાં હોત. આ બધી જોકે ‘જો અને તો’ની વાત છે. સંભવતઃ પ્રશાંત કિશોરની ગણતરી જુદી હશે. ગણતરી ખોટી પડે છે. જીવનમાં ગણતરીઓ ખોટી પડતી રહે છે. આ પરિણામના કારણે પીકેની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ એવું માનવાને કોઈ કારણ નથી. રાજકારણમાં ક્યારેય કશું ખતમ થતું નથી.

    (શીર્ષક અવતાર સિંઘ સંધૂની જગવિખ્યાત પંક્તિ ‘સબ સે ખતરનાક હોતા હૈ મુર્દે કા શાંતિ સે ભર જાના’થી પ્રેરિત છે, એ સુજ્ઞ વાચકની જાણ સારુ.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં