ભાવનગરમાં પીએમ મોદીએ અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું: ₹34,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપી ભેટ

પીએમ મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત પર આવ્યા છે. ભાવનગરમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ તેઓ જવાહર મેદાન પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્યો અને મંત્રીઓએ માતાજીની ચુંદડી અને ચાંદીના ગરબાથી તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રાજ્ય અને દેશના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કર્યું છે. 

પીએમ મોદીએ ભાવનગર સહિત રાજ્ય અને દેશ માટે ₹34,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તેમણે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું છે અને આ કાર્યક્રમની તેમણે અધ્યક્ષતા પણ કરી છે. આ કાર્યક્રમ હેઠળ પીએમ મોદીએ સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ પણ કર્યું છે. 

આ સાથે જ વડા પ્રધાને પોર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું.