Saturday, December 28, 2024
More

    અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું એક સત્ર રદ, વામપંથી લેખિકાઓને આમંત્રણ પર સર્જાયો હતો વિવાદ: અધિકારિક વેબસાઇટ પણ ડાઉન કરી દેવાઈ

    અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં (Ahmedabad International Book Festival) વામપંથી લેખક-લેખિકાઓને આમંત્રણ આપવા પર સર્જાયેલા વિવાદ બાદ આખરે બુધવારનું એક સેશન રદ કરી નાખવામાં આવ્યું છે. લેખિકાઓ સેવી કરનેલ (savie karnel) અને કિરણ મનરાલનું (kiran manral) એક સત્ર બુધવારે (4 ડિસેમ્બર) સાંજે 5:45 કલાકે આયોજિત કરવામાં આવ્યું હતું, જે રદ કરાયું હોવાની જાણકારી મળી રહી છે. 

    ‘અન્ડરકવર હિરોઈન્સ: રીઈમેજિનિંગ ધ રોલ ઑફ વિમેન’ શીર્ષકથી આયોજિત આ સત્રમાં બંને લેખિકાઓને સ્પીકર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની વામપંથી વિચારધારાના કારણે સોશિયલ મીડિયા પર વિરોધ ઉઠ્યો હતો. આખરે સત્ર રદ કરવામાં આવ્યું છે. 

    AIBF જેના નેજા હેઠળ થઈ રહ્યું છે એ ‘નેશનલ બુક ટ્રસ્ટ’ દ્વારા 4 ડિસેમ્બરનાં સત્રોનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, તેમાં સત્રનો કોઈ ઉલ્લેખ નથી. 

    અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની સાઇટ ડાઉન કરાઈ

    બીજી તરફ, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેરની આધિકારિક વેબસાઇટ પણ હંગામી ધોરણે ટેક ડાઉન કરી લેવામાં આવી છે. સંભવતઃ સ્પીકરોની નવી યાદી અને નવા શિડ્યુલ સાથે ફરી લાઇવ કરવામાં આવશે.