Monday, February 17, 2025
More

    આતંકવાદ વિરુદ્ધ NIAનું ઑપરેશન, પાંચ રાજ્યોમાં દરોડા: ગુજરાતના સાણંદમાં પણ પહોંચી ટીમ, એક મદરેસા સંચાલકની અટકાયત

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે (12 ડિસેમ્બર) દેશનાં અનેક ઠેકાણે દરોડા પાડીને સંદિગ્ધોની પૂછપરછ હાથ ધરી હતી. આ કાર્યવાહી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્કને પકડવા માટે થઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના સાણંદમાં પણ એજન્સીએ એક ઠેકાણે દરોડા પાડ્યા હતા. 

    જાણવા મળ્યા અનુસાર, NIAની એક ટીમ સાણંદ પહોંચી હતી. દરમ્યાન, જિલ્લા પોલીસની એક ટીમને પણ સાથે રાખવામાં આવી. અહીં એક મદરેસામાં નોકરી કરતા આદિલ નામના એક શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    આદિલની અટકાયત કરીને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. તે ઓનલાઇન માધ્યમથી જૈશના માણસો સાથે જોડાયેલો હોવાની આશંકાએ તપાસ કરવામાં આવી રહી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    ગુજરાત સિવાય NIAની ટીમોએ કુલ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. તમામ ઠેકાણે એક જ કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એજન્સીને ઇનપુટ મળ્યા હતા કે જૈશ સાથે સંકળાયેલા અમુક ઇસમો મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ટેરર પ્રોપગેન્ડા ફેલાવવામાં સંકળાયેલા છે. ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી.