પશ્ચિમ એશિયામાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી ભારે તણાવની સ્થિતિ છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે ભારતનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે આ સંઘર્ષ માત્ર પ્રાદેશિક નથી, પરંતુ તેની અસર ભારતના વેપાર, ઉર્જા સુરક્ષા અને લાખો ભારતીયોના જીવન પર પડી રહી છે.
તેમણે જણાવ્યું કે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા છે. ગલ્ફ દેશોમાં અંદાજે 1 કરોડ ભારતીયો વસવાટ કરે છે, જેમની આજીવિકા પર આ યુદ્ધની અસર પડી શકે છે. આગળ તેમણે કહ્યું કે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 3.75 લાખથી વધુ ભારતીયો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. વધુમાં એ પણ જણાવ્યું હતું કે આ હુમલાઓના કારણે ઘણા ભારતીયોએ જીવ ગુમાવ્યા છે જે દુઃખદ છે અને જે ઘાયલ છે તેમને સારવાર પહોંચાડવામાં આવી રહી છે.
આવા સંકટને પહોંચી વળવા સરકારની અગાઉથી કરેલી તૈયારીઓ
વધુમાં તેમણે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ જેવા વિસ્તારોમાં ફસાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. આ યુદ્ધને કારણે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ફર્ટિલાઇઝરની સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. આ અંગે PM મોદીએ માહિતી આપી હતી કે આવા પડકારને પહોંચી વળવા ભારત સરકારે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને પાછલા 11 વર્ષમાં અનેક મહત્વના પગલાં લીધા છે.
જેના ભાગરૂપે અગાઉ ભારત માત્ર 27 દેશોમાંથી ઉર્જા આયાત કરતું હતું, જે હવે વધારીને 41 દેશો સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આગળ તેમણે જણાવ્યું કે ભારતે 53 લાખ મેટ્રિક ટનથી વધુનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વિકસાવ્યો છે અને વધુ 65 લાખ મેટ્રિક ટન પર કામ ચાલી રહ્યું છે. રસોઈ ગેસનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે LPGના ઉત્પાદન અને PNG કનેક્શન વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વૈશ્વિક સંકટનો સામનો કરવા ‘આત્મનિર્ભરતા’ જ એકમાત્ર વિકલ્પ
વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે ‘આત્મનિર્ભરતા’ જ એકમાત્ર વિકલ્પ છે. PM મોદીએ આગળ કહ્યું કે ભારતનો 90% થી વધુ વેપાર વિદેશી જહાજો દ્વારા થાય છે, જે પરિસ્થિતિ સુધારવા માટે સરકારે 70,000 કરોડ રૂપિયાનું ‘મેડ ઇન ઇન્ડિયા’ જહાજ નિર્માણ અભિયાન શરૂ કર્યું છે ઉપરાંત ડિફેન્સ સેક્ટર, દવાઓ માટેના કાચા માલ (API) અને રેર અર્થ મિનરલ્સમાં વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે મોટાપાયે કામ થઈ રહ્યું છે.
યુદ્ધના સમાધાન અંગે PM મોદીએ કહ્યું હતું કે ભારતે હંમેશા ‘સંવાદ અને કૂટનીતિ’નો રસ્તો સૂચવ્યો છે. વડા પ્રધાને અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન અને ગલ્ફ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરી શાંતિ સ્થાપવા અને નાગરિકો પર થતા હુમલા અટકાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં અવરોધ ભારતને સ્વીકાર્ય નથી.
‘ટીમ ઇન્ડિયા’ બનીને કામ કરવા અપીલ
યુદ્ધના શોર્ટ ટમ, મિડીયમ ટર્મ અને લોંગ ટર્મના દુષ્પરિણામોને પહોંચી વળવા માટે સરકારે સાત નવા એમ્પાવર્ડ ગ્રુપ્સની રચના કરી છે જે સપ્લાય ચેઇન, મોંઘવારી અને ફર્ટિલાઇઝર જેવા વિષયો પર નજર રાખશે. વડા પ્રધાને રાજ્યોને વિનંતી કરી છે કે ગરીબોને ‘પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના’નો લાભ મળતો રહે તે સુનિશ્ચિત કરે, આવા સમયે કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે.
આ ઉપરાંત તેમણે કોરોનાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તે સમયે પણ ભારતના વિવિધ રાજ્યોમાં ભલે વિપક્ષની સરકાર હતી પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને ‘ટીમ ઇન્ડિયા’ બનીને તે સંકટનો સામનો કર્યો હતો. આ વખતે પણ તેમણે એ જ અપીલ કરી હતી કે કેન્દ્ર અને રાજ્યો ‘ટીમ ઇન્ડિયા’ બનીને આ વૈશ્વિક સંકટનો સામનો કરે.
વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે સરકાર સતર્ક છે અને દરેક પડકાર માટે તૈયાર છે. ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને પૂર્વ આયોજિત વ્યૂહરચનાના કારણે દેશ આ સંકટમાંથી સુરક્ષિત રીતે બહાર આવી શકે છે. નોંધનીય છે કે ગઈકાલે (23 માર્ચ) જ પીએમ મોદીએ લોકોસભામાં પણ સંબોધન કરીને વર્તમાન પરિસ્થિતિ અંગે અને સરકારની સતર્કતા અંગે માહિતી આપી હતી.

