
લોકસભામાં પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારત પર થયેલી અસરો વિશે વાત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ યુદ્ધની દુનિયાભરની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે, પરંતુ ભારત પર ઓછામાં ઓછો દુષ્પ્રભાવ પડે અને લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર સતત કામ કરી રહી છે. તેમણે પાછલા એક દાયકામાં લીધેલા નિર્ણયોના કારણે કઈ રીતે હાલ રાહત મળી રહી છે એ પણ સંબોધનમાં સમજાવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું, “ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ, ગેસ અને ફર્ટિલાઇઝર જેવી અનેક ચીજો હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે આવે છે. યુદ્ધ બાદથી જ અહીંથી જહાજોનું આવનજાવન પડકારજનક થઈ ગયું છે. છતાં સરકારનો પ્રયાસ રહ્યો છે કે પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પુરવઠો બહુ વધારે પ્રભાવિત ન થાય. દેશના સમાન્ય પરિવારોને ઓછામાં ઓછી પરેશાની થાય તેની ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.”
તેમણે ઉમેર્યું, “દેશ જરૂરિયાતનો 60% LPG આયાત કરે છે. તેના સપ્લાયમાં અનિશ્ચિતતાના કારણે સરકારે LPGના ડોમેસ્ટિક ઉપયોગને પ્રાથમિકતા આપી છે અને સાથે જ દેશમાં પણ LPGનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલનો પુરવઠો દેશભરમાં સુચારુ રીતે થતો રહે તે માટે પણ સતત કામ કરવામાં આવી રહ્યું છે.”
પીએમએ કહ્યું, “આજની સ્થિતિમાં એનર્જી સિક્યુરિટીને લઈને ગત એક દાયકામાં ઉઠાવવામાં આવેલાં પગલાં વધુ પ્રાસંગિક બન્યાં છે. ભારતે ગત 11 વર્ષમાં એનર્જી ઈમ્પોર્ટનું ડાવર્સિફિકેશન પણ કર્યું છે. પહેલાં ઇમ્પોર્ટ 27 દેશોમાંથી થતું હતું, આજે ભારત 41 દેશોમાંથી એનર્જી ઈમ્પોર્ટ કરે છે.”
ઉપરાંત તેમણે કહ્યું કે, “ગત દાયકામાં ભારતે સંકટના આવા જ સમય માટે ક્રૂડ ઓઈલના ભંડારણને પણ પ્રાથમિકતા આપી છે. આજે ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનથી વધુનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને 65 લાખ મેટ્રિક ટનથી વધુના રિઝર્વની વ્યવસ્થા પર કામ ચાલી રહ્યું છે. કંપનીઓ પાસે જે રિઝર્વ રહે એ અલગ છે.”
પીએમ મોદીએ આશ્વાસન આપતાં કહ્યું કે, સરકાર અલગ-અલગ દેશોના સપ્લાયરો સાથે પણ સતત સંપર્કમાં છે અને પ્રયાસ એ રહ્યો છે કે જ્યાંથી સંભવ હોય ત્યાંથી તેલ અને ગેસની સપ્લાય થતી રહે. તેમણે કહ્યું, “અમારો પ્રયાસ રહ્યો છે કે તેલ હોય, ગેસ હોય કે ફર્ટિલાઇઝર હોય, આવા દરેક જરૂરી સામાન સંબંધિત જહાજો ભારત સુધી સુરક્ષિત પહોંચે. મેરીટાઇમ કોરિડોર સુરક્ષિત રહે એ માટે તમામ વૈશ્વિક સહયોગ સાથે સંવાદ ચાલી રહ્યો છે. આ જ કારણે તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલાં ઘણાં જહાજો ભારત પરત ફર્યાં છે.”
વડા પ્રધાને કહ્યું, “સંકટના આ સમયમાં દેશની વધુ એક તૈયારી બહુ કામ આવી રહી છે. પાછલાં 10-11 વર્ષમાં ઇથેનોલ ઉત્પાદન અને તેના બ્લેન્ડિંગ પર અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે. એક દાયકા પહેલાં દેશમાં એક-દોઢ ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ કેપેસિટી હતી, આજે આપણે 20% પર પહોંચ્યા છીએ. જેના કારણે પ્રતિ વર્ષ લગભગ સાડા ચાર કરોડ બેરલ ઓછું ઓઇલ આયાત કરવું પડી રહ્યું છે. આ જ રીતે રેલવેના વીજળીકરણથી પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. જો આટલું વીજળીકરણ ન થયું હોત તો દર વર્ષે લગભગ 180 કરોડ લિટર ડીઝલ વધુ લાગ્યું હોત. આ જ રીતે મેટ્રોનું નેટવર્ક વધારવામાં આવ્યું છે. આજે જે સ્કેલ પર વૈકલ્પિક ઇંધણ પર કામ થઈ રહ્યું છે, તેનાથી ભારતનું ભવિષ્ય સુરક્ષિત થશે.”
અંતે પીએમએ કહ્યું, “એનર્જી આજે અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ગ્લોબલ એનર્જીની જરૂરિયાતને પૂરો કરનાર એક મોટો સ્ત્રોત પશ્ચિમ એશિયા છે. સ્વાભાવિક છે કે દુનિયાભરની અર્થવ્યવસ્થા વર્તમાન સંકટથી પ્રભાવિત થઈ રહી છે. પરંતુ ભારત પર તેનો ઓછામાં ઓછો દુષ્પ્રભાવ થાય તે માટે નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરેક સેક્ટરના હિતધારકો સાથે ચર્ચા ચાલી રહી છે, જ્યાં જરૂરી હોય તેમને તમામ મદદ આપવામાં આવી રહી છે. આ માટે એક આંતરમંત્રાલય જૂથ પણ બનાવ્યું છે, જે દરરોજ મળે છે અને આપણા ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં આવતી સમસ્યાઓનું આકલન કરીને સમાધાન પર નિરંતર કામ કરી રહ્યું છે. સરકાર અને ઉદ્યોગોના સહિયારા પ્રયાસોથી આપણે પડકારોનો મજબૂતીથી સામનો કરી શકીશું.”

