
પશ્ચિમ એશિયામાં યુદ્ધની વર્તમાન સ્થિતિ અને તેનાથી ભારત પર થતી, થનારી અસર વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (23 માર્ચ) લોકસભામાં સંબોધન કર્યું હતું, જેમાં દરેક પાસાં વિશે તેમણે ગૃહને માહિતગાર કર્યું.
શરૂઆતમાં પીએમએ પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક છે તેમ કહીને ઉમેર્યું કે, “આની વિશ્વની અર્થવ્યવસ્થા પર, લોકોનાં જીવન પર વિપરીત અસરો થઈ રહી છે. જેથી સમગ્ર દુનિયા આ સંઘર્ષના સમાધાન માટે અપીલ કરી રહી છે. ભારત સામે પણ આ યુદ્ધે અણધાર્યા પડકારો ઊભા કરી દીધા છે, જે આર્થિક પણ છે, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત પણ છે અને માનવીય પણ છે.”
વડા પ્રધાને કહ્યું, “યુદ્ધરત અને આ ક્ષેત્રના અન્ય દેશો સાથે ભારતના વ્યાપક વ્યાપારિક સંબંધો રહ્યા છે. જે ક્ષેત્રમાં યુદ્ધ થઈ રહ્યું છે તે દુનિયાના અન્ય દેશો સાથે આપણા વ્યાપારનો અગત્યનો માર્ગ છે. વિશેષરૂપે ક્રૂડ ઓઇલ અને ગેસની આપણી જરૂરિયાતનો મોટો હિસ્સો આ જ ક્ષેત્ર પૂરો પાડે છે. ઉપરાંત લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહીને કામ કરે છે. આવાં અનેક કારણોસર ભારતની ચિંતા વધુ છે. જેથી આવશ્યક છે કે ભારતની સંસદથી આ સંકટને લઈને એકમત થઈને અવાજ દુનિયા સુધી પહોંચે.”
‘દરેક ભારતીયને જરૂરી મદદ અપાઈ રહી છે’: પીએમ
વડા પ્રધાને કહ્યું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ દરેક ભારતીયને જરૂરી મદદ આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું, “મેં સ્વયં પશ્ચિમ એશિયાના મોટાભાગના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બે રાઉન્ડ ફોન પર વાતચીત કરી છે. એ તમામે ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ દરમ્યાન અમુક લોકોનાં દુઃખદ મૃત્યુ થયાં છે અને અમુક ઘાયલ થયા છે. આવી કઠિન પરિસ્થિતિમાં તેમના પરિજનોને આવશ્યક મદદ પૂરી પાડવામાં આવી રહી છે.”
પ્રભાવિત દેશોમાં આપણાં જેટલાં મિશન છે તે તમામ ત્યાં રહેલા ભારતીયોની મદદ કરવામાં લાગેલાં છે. નિયમિત રીતે એડવાઇઝરી બહાર પાડવામાં આવી રહી છે. અહીં ભારતમાં અને વિદેશોમાં પણ 24*7 કન્ટ્રોલ રૂમ અને આપાતકાલીન હેલ્પલાઇન જારી કરવામાં આવી છે અને તમામ શક્ય મદદ આપવામાં આવી રહી છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Our missions in the affected countries are continuously engaged in helping Indians. Whether it's Indians working there or tourists who have gone there, everyone is being provided with all possible assistance.… pic.twitter.com/WEWvQWwtGo
— ANI (@ANI) March 23, 2026
વડા પ્રધાને કહ્યું, “સંકટની સ્થિતિમાં દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા આપણી બહુ મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી 3 લાખ 75000થી વધુ ભારતીયો સુરક્ષિત ભારત પરત ફર્યા છે. ઈરાનથી હમણાં 1000થી વધુ ભારતીયો પરત ફર્યા, જેમાંથી 700થી વધુ મેડિકલનો અભ્યાસ કરતા યુવાનો છે.”
તેમણે કહ્યું, “સરકાર સંવેદનશીલ પણ છે, સતર્ક પણ છે અને દરેક સહાય માટે તત્પર પણ છે.”

