મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળ્યા છે. મુંબઈના આઝાદ મેદાન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા.
દેવેન્દ્ર ફડણવીસ બાદ એકનાથ શિંદે અને અજિત પવારે મંત્રી પદના શપથ લીધા હતા. આ બંને નેતાઓ નવી સરકારમાં ઉપમુખ્યમંત્રી હશે.
સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંઘ, ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે. પી નડ્ડા, મંત્રીઓ નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, પિયુષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, નિર્મલા સીતારામન, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામદાસ આઠવલે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય, ભાજપ અને NDAશાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી. ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. ઉપરાંત, બિહાર સીએમ નીતિશ કુમાર, યુપી સીએમ યોગી આદિત્યનાથ, આસામ સીએમ હિમંતા બિસ્વા સરમા, ઉત્તરાખંડ સીએમ પુષ્કર સિંઘ ધામી, ગોવા સીએમ પ્રમોદ સાવંત વગેરે નેતાઓએ હાજરી આપી હતી.
આ સિવાય સમારોહમાં ફિલ્મ જગતની હસ્તીઓ તેમજ ઉદ્યોગપતિઓને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સિવાય ભાજપ-શિવસેના અને NCPના કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.