
જામનગર મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 12 બેઠક રાજ્યભરમાં વિવાદનું કેન્દ્ર બની છે. આ વોર્ડમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે 2-2 બેઠકો પર વિજય મેળવ્યો છે. જોકે, આ જીત લોકશાહીના સ્વસ્થ મૂલ્યો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે ચૂંટાયેલા ચાર પ્રતિનિધિઓમાંથી બે એવા છે જેઓ ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર ગુના હેઠળ જેલમાં બંધ છે અને જેલના સળિયા પાછળથી જ ચૂંટણી લડીને જીત્યા છે.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો અસલમ ખીલજી અને કોંગ્રેસનો અલ્તાફ ખફી જીત્યો છે, જે બંને ગુજસીટોકના આરોપીઓ છે. આ બંને પક્ષોએ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. અસલમ ખીલજી ‘આપ’માંથી અને અલ્તાફ ખફી કોંગ્રેસમાંથી જીત્યો છે. એક જ વોર્ડમાંથી બે આરોપીઓની જીત લોકશાહીની ગરિમા સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કરે છે.
ચૂંટણી પહેલાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી અને તેની ગેંગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરના ટિટોડી વાડી અને બંગલા વાડી વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલું અંદાજે 12,000 ચોરસ ફૂટનું ગેરકાયદેસર દબાણ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. અલ્તાફ ખફી અને તેના સાગરીતોએ ઉભા કરેલા આલીશાન ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્રએ કાર્યવાહી કરી હતી.
નોંધનીય છે કે જે વ્યક્તિઓ પર સંગઠિત ગુનાખોરીના આરોપો છે અને જેમની મિલકતો પર તંત્રએ ગેરકાયદેસર હોવા બદલ કાર્યવાહી કરવી પડી હોય, તેઓ નગરપાલિકાના વહીવટમાં બેસીને પ્રજાના હિતોનું રક્ષણ કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ન છે.

