જામનગર: ગુજસીટોકના આરોપી અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર

ગુજસીટોકના આરોપી જામનગરના કુખ્યાત અલ્તાફ ખફીના જામનગરના એક ફાર્મ હાઉસ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. અલ્તાફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર છે અને હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે.

કાર્યવાહી શહેરના બંગલા વાડી વિસ્તારમાં કરવામાં આવી. અહીં અલ્તાફે લગભગ 1200 સ્ક્વેર ફિટ સરકારી જમીન પર દબાણ કરીને ફાર્મ હાઉસ તાણી બાંધ્યું હતું. આ મામલે પ્રશાસને અલ્તાફને નોટિસ ફટકારીને દબાણ હટાવવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ સમયમર્યાદા પૂર્ણ થતાં પ્રશાસને પોલીસતંત્રની હાજરીમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરી.

કાર્યવાહી દરમ્યાન પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોનો મોટો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્તાફ અને તેના સાગરિતોની આવી અન્ય ગેરકાયદેસર સંપત્તિઓ વિરુદ્ધ પણ નજીકના ભવિષ્યમાં કાર્યવાહી કરવામાં આવશે.

એક જ વૉર્ડમાંથી AAP-કોંગ્રેસ બંનેએ બે ગુજસીટોકના આરોપીઓને ટિકિટ આપી

અલ્તાફ ખફી જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં વૉર્ડ નંબર 12માંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છે. તેની સામે આમ આદમી પાર્ટીએ ગુજસીટોકના જ એક આરોપી અસલમ ખીલજીને ટિકિટ આપી છે. આ બંને અગાઉ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે.

હાલ અલ્તાફ અને અસલમ બંને જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં જામનગર પોલીસે દરોડા પાડીને અલ્તાફ અને અસલમ ખિલજી ગેંગ વિરુદ્ધ મોટાપાયે કાર્યવાહી હાથ ધરી હતી અને આ બંને અને તેમના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં કુલ 29 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દરમ્યાન ગત 17 એપ્રિલના રોજ પોલીસે ફરીથી અલ્તાફ અને તેના સાથીઓની ધરપકડ કરીને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી 23 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હાલ અલ્તાફ પોલીસ રિમાન્ડ હેઠળ છે. તેને 23મીએ ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અલ્તાફની ગેંગના અમુક સાગરિતો અબુ સુફિયાન અને ઓસમાણ ખફી હજુ ફરાર છે જેમને પોલીસ શોધી રહી છે.