‘રાજકારણ બદલવા’ આવેલી આમ આદમી પાર્ટીએ જામનગર ચૂંટણીમાં ગુજસીટોકના આરોપી અસલમ ખિલજીને આપી ટિકિટ

રાજકારણ બદલી નાખવાના વાયદા કરીને આવેલી આમ આદમી પાર્ટીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો મળતા ન હોવાની ચર્ચાઓ વચ્ચે પાર્ટીએ જામનગરમાં એક ગંભીર ગુનાના આરોપીને ટિકિટ આપતાં વધુ વિવાદ સર્જાયો છે. અસલમ ખીલજી ગુજસીટોકના ગુણનો આરોપી છે અને તેની સામે બાર જેટલા ક્રિમિનલ કેસ છે, જેમાં ફાયરિંગ, ગેંગવૉર, હુમલો, હિંસક ઘર્ષણ, લેન્ડ ગ્રેબિંગ વગેરેનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીએ અસલમને જામનગર ચૂંટણીમાં વૉર્ડ નંબર 8માંથી ટિકિટ આપી છે. તેણે ગુરુવારે (9 એપ્રિલ) પોલીસ કસ્ટડીમાં રહીને જ ફોર્મ પણ ભરી દીધું હતું.

અસલમ સામે ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ્સ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. તેણે કોર્ટ પાસે ફોર્મ ભરવાની મંજૂરી માગતા કોર્ટે મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે અસલમ ખીલજી વર્ષોથી કોર્પોરેટર તરીકે ચૂંટાતો આવે છે અને વિપક્ષ નેતા પણ રહી ચૂક્યો છે. તાજેતરમાં જ પોલીસે તેની ગેંગ સામે કાર્યવાહી કરીને ગેંગના લગભગ 18 માણસોની ધરપકડ કરી લીધી હતી. આખી ગેંગ મળીને વિવિધ પોલીસ મથકોમાં કુલ 46થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ સિવાય પોલીસે અલ્તાફ ખફી ગેંગ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી.

આમ કાયમ શિક્ષણ અને સભ્યતાની વાતો કરતી આમ આદમી પાર્ટીએ આવા ગંભીર ગુનાના આરોપીને ટિકિટ આપતાં અનેક સવાલો ઊભા થયા છે, જેનો જવાબ ફાંકા ફોજદારી કરતા નેતાઓ પાસેથી મળી રહ્યો નથી.