Wednesday, March 26, 2025
More

    કર્ણાટકમાં ઇઝરાયેલી પ્રવાસી અને એક સ્થાનિક મહિલા સાથે ગેંગરેપ, 3 મિત્રોને ફેંક્યા કેનાલમાં: પોલીસ તપાસ શરૂ

    કર્ણાટકમાંથી (Karnataka) એક ઈઝરાયેલી પ્રવાસી મહિલા અને હોમસ્ટેની મહિલા માલિક સાથે સામૂહિક બળાત્કાર (Gang Rape) તથા અન્ય 3 લોકો પર હુમલો થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 6 માર્ચની રાત્રે 11:30એ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    અહેવાલ અનુસાર 29 વર્ષીય હોમસ્ટેની માલિકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અને અન્ય ચાર મહેમાનો રાત્રે જમ્યા પછી તુંગભદ્રા લેફ્ટ બેંક નહેરના કિનારે તારાઓ જોવા ગયા હતા ત્યારે 3 આરોપીઓ બાઇક પર આવ્યા હતા.

    આરોપીઓએ પહેલાં પૂછ્યું કે પેટ્રોલ ક્યાંથી મળશે અને પછી ઇઝરાયેલી મહિલા (27) પાસેથી 100 રૂપિયા માંગવા લાગ્યા. જ્યારે તે મહિલાએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેમની સાથેના અન્ય મુસાફરોને કેનાલમાં ફેંકીને 2 મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.

    ફરિયાદીના જણાવ્યા મુજબ, અમેરિકાનો ડેનિયલ અને મહારાષ્ટ્રનો પંકજ કોઈક રીતે બહાર આવવામાં સફળ રહ્યા પરંતુ ઓડિશાનો બિબાશ ગુમ છે, જેને શોધવાના પ્રયાસ ચાલુ છે. આ ઉપરાંત મહિલાઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

    આ મામલે કોપ્પલના SP અરસિદ્દીએ જણાવ્યું હતું કે મહિલાઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે, અને બે ખાસ ટીમો કેસની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે હાલ મહિલાઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

    પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની (BNS) કલમ 309(6) (ચોરી અથવા ખંડણી), 311 (મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદાથી લૂંટ અથવા લૂંટ), 64 (બળાત્કાર), 70(1) (સામૂહિક બળાત્કાર), 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ ફરિયાદ નોંધી હતી.