‘ભ્રામક, પાયાવિહોણા રિપોર્ટ’: અરુણાચલ પ્રદેશમાં ચીની ઘૂસણખોરીના અહેવાલો ભારતીય સેનાએ ફગાવ્યા

ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા ઘૂસણખોરી કરીને નવા કેમ્પ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભારતીય સેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારના અહેવાલો સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને કોઈ પણ આધાર વગરના છે. સેનાએ દેશની સરહદો સંપૂર્ણ સુરક્ષિત હોવાનો વિશ્વાસ અપાવ્યો છે.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના ટાક્સિંગ વિસ્તારના એક સ્થાનિક સામાજિક સંગઠન ‘નાહ વેલફેર સોસાયટી’એ (NWS) ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર આપ્યું. આ પત્રમાં સંગઠને આક્ષેપ કર્યો હતો કે ચીની સૈનિકોએ પાછલાં કેટલાંક વર્ષોમાં ઓયિંગ, પનિયાર, મારપાન, પોતરાંગ તળાવ અને તિન્દિંગતાંગ જેવા પાંચ સ્થાનિક વિસ્તારો પર કબજો કરી લીધો છે, જેના કારણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે પશુ ચરાવવાનું અને શિકાર કરવાનું મુશ્કેલ બન્યું છે.

સ્થાનિક સંગઠનના પ્રમુખ કેરુ ચાડરે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ચીન છેલ્લાં 10થી 15 વર્ષથી આ સરહદી વિસ્તારોમાં ધીમે-ધીમે રસ્તા, પુલ અને કેમ્પ બનાવીને પોતાની હાજરી વધારી રહ્યું છે. જોકે આ સંગઠને ભારતીય સેના પ્રત્યે પૂરો ભરોસો વ્યક્ત કર્યો હતો. હવે સેનાએ આ સ્થાનિક દાવાઓ વચ્ચે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરમાં કોઈ ઘૂસણખોરી થઈ નથી.

ભારતીય સેનાએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશની સરહદોની સુરક્ષા માટે તે સંપૂર્ણ રીતે સજ્જ છે. સરહદ પર શાંતિ જળવાઈ રહે તે માટે સંવાદ અને સ્થાપિત વ્યવસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સાથે જ દેશની સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટે સેના હંમેશા મજબૂત અને સતર્ક સ્થિતિમાં રહેશે.