‘હવે કેવી વાતચીત? હથિયાર ફેંકો અન્યથા માર્ચ 2026 સુધીમાં ખતમ કરી નાખીશું’: નક્સલવાદીઓને ફરી એક વખત ગૃહમંત્રી શાહની ચેતવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ફરી એક વખત નક્સલવાદીઓને ચેતવણી આપી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નક્સલવાદીઓ પાસે એક જ વિકલ્પ છે– તેઓ શસ્ત્રો હેઠાં મૂકીને આત્મસમર્પણ કરે અન્યથા માર્ચ 2026ની ડેડલાઈન સુધીમાં તેમને નષ્ટ કરી દેવામાં આવશે અને સરકાર આના માટે પ્રતિબદ્ધ થઈને કામ કરી રહી છે.

બસ્તરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે ગૃહમંત્રી શાહે કહ્યું, “અમુક લોકો વાતચીત માટે કહે છે. હું ફરી એક વખત સ્પષ્ટ કહું છું… કેવી વાતચીત કરવાની છે? સરકારની લાભદાયક સમર્પણ અને પુનર્વસન નીતિ પહેલેથી અમલમાં છે જ. તેનો સ્વીકાર કરીને હથિયારો હેઠાં મૂકવાં જ પડશે.”

તેમણે આગળ કહ્યું કે, “જો તમે બસ્તરમાં શાંતિભંગ કરવા માટે હથિયારો ઉપાડશો તો સુરક્ષાબળો કડકમાં કડક જવાબ આપશે. માર્ચ 2026ની તારીખ નક્કી જ થઈ ગઈ છે, એ દિવસ સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ કરી નાખવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં CPI-માઓવાદી દ્વારા સરકાર સમક્ષ વાતચીતનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સરકારે સ્પષ્ટ રીતે નકારી દીધો હતો. ગૃહમંત્રી અગાઉ પણ કહી ચૂક્યા છે કે નક્સલવાદીઓ પાસે હવે માત્ર આત્મસમર્પણનો જ રસ્તો વધ્યો છે. તે સિવાય કોઈ વાતચીત કરવામાં સરકારને કોઈ રસ નથી. CPI-Mમાં પણ આ બાબતને લઈને ફાંટા પડી ગયા છે અને આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે.

અમિત શાહે આગળ કહ્યું કે દિલ્હીમાં અમુક લોકો એવી ભ્રમણા ફેલાવે છે કે નક્સલવાદનો જન્મ વિકાસ સામે લડવા માટે થયો હતો. પરંતુ બસ્તર વિકાસથી વંચિત રહ્યું તેનું કારણ જ નક્સલવાદ છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી તેઓ બસ્તરના લોકોને એ આશ્વાસન આપવા માટે આવ્યા છે કે માર્ચ 2026 સુધીમાં સરકાર નક્સલવાદ ખતમ કરીને રહેશે અને વિસ્તારને ફરી વિકાસના પાટે ચડાવશે.