દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના કેસમાં ભુજની કોર્ટે 19 વિદેશી નાગરિકોને ફટકારી 20 વર્ષની સજા: ગુનેગારોમાં 18 પાકિસ્તાની, એક અફઘાન

ગુજરાતના કચ્છ સરહદેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવાના ત્રણ અલગ-અલગ મોટા કેસોમાં ભુજની સ્પેશિયલ NDPS કોર્ટે એક ચુકાદો આપ્યો છે. કોર્ટે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ગુનેગારોમાં 18 પાકિસ્તાની નાગરિકો અને 1 અફઘાનિસ્તાનનો નાગરિક સામેલ છે. આ ઉપરાંત, અદાલતે તમામ દોષિતો પર ₹2-2 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે વર્ષ 2020થી 2022 દરમિયાન જખૌના દરિયાઈ માર્ગે ત્રણ મોટાં ઑપરેશન હાથ ધર્યાં હતાં. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ₹575 કરોડની કિંમતનું કુલ 115 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ત્રણેય કેસમાં પાકિસ્તાનથી બોટ મારફતે ભારતીય જળસીમામાં ઘૂસાડવામાં આવતા આ માદક પદાર્થો સાથે વિદેશી સ્મગલરોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

કેસની વિગતો મુજબ, પ્રથમ ઑપરેશન 6 જાન્યુઆરી 2020ના રોજ કરાયું હતું, જેમાં ₹175 કરોડનું હેરોઈન અને 5 પાકિસ્તાની પકડાયા હતા. જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ 15 એપ્રિલ 2021ના રોજ બીજા ઑપરેશનમાં ₹150 કરોડના હેરોઈન સાથે 8 પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. જ્યારે 8 ઑક્ટોબર 2022ના રોજ ત્રીજા ઑપરેશનમાં મધદરિયે બોટ આંતરીને ₹250 કરોડના હેરોઈન સાથે 6 પાકિસ્તાની અને 1 અફઘાન નાગરિકને દબોચી લેવાયા હતા. આ ત્રણેય કેસ ભેગા કરીને ભુજ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

ચુકાદો આપતી વખતે સ્પેશિયલ જજ વી. એ. બુદ્ધાએ આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું કે, આ કોઈ સામાન્ય ગુનો નથી પરંતુ ભારતીય યુવાધનને બરબાદ કરવાનું અને દેશના સામાજિક માળખાને નબળું પાડવાનું એક સુનિયોજિત ષડયંત્ર હતું. અદાલતે નોંધ્યું કે ડ્રગ્સની તસ્કરી માત્ર વ્યક્તિગત ગુનો નથી, પરંતુ તે સીધી રીતે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો છે.