Tuesday, January 21, 2025
More

    પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘનું નિધન, 92 વર્ષની વયે દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

    પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે (26 ડિસેમ્બર) તેમને શ્વાસની તકલીફ થતાં દિલ્હીની AIIMS હોસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા.

    AIIMS હોસ્પિટલ દિલ્હી દ્વારા એક બુલેટિન જારી કરીને પુષ્ટિ કરવામાં આવી છે. 

    પૂર્વ પીએમ ઉંમરના કારણે ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને ભૂતકાળમાં પણ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે. છેલ્લા થોડા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. 

    સમાચાર મળતાં જ સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા AIIMS હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમનાં પુત્રી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જેઓ દિલ્હી આવવા રવાના થયા છે. 

    ડૉ. મનમોહન સિંઘ 10 વર્ષ માટે (2004-2014) દેશના વડાપ્રધાન રહ્યા. ઉપરાંત, 1991થી 1996 સુધી નરસિમ્હા રાવ સરકારમાં તેઓ નાણામંત્રી હતા. તે પહેલાંના દાયકામાં 1982થી 1985 સુધી તેમણે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. 2014માં વડાપ્રધાન પદ છોડ્યા પછી પણ તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. એપ્રિલ, 2024માં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો.