Tuesday, March 18, 2025
More

    ‘કુંભ કા ક્યા મતલબ હૈ? ફાલતુ હૈ કુંભ…’: RJD ચીફ લાલુ પ્રસાદ યાદવનું વિવાદિત નિવેદન

    દેશના પૂર્વ રેલ મંત્રી અને RJDના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કુંભને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કુંભને નકામો ગણાવી દીધો હતો. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગને લઈને નિવેદન આપતા તેમણે કુંભને ટાર્ગેટ કરીને વિવાદ ઊભો કરી દીધો છે.

    મીડિયા સાથે વાત કરતા લાલુ યાદવે કહ્યું છે કે, “નાસભાગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હું પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું.” તેમણે આ ઘટના માટે આખા રેલવે વિભાગને જવાબદાર ઠેરવી દીધો છે અને તેમણે રેલ મંત્રીને જવાબદારી લેવા માટેનું પણ કહ્યું છે. સાથે કુંભને લઈને તેમણે કહ્યું કે, “કુંભ કા ક્યાં મતલબ હૈ? ફાલતુ હૈ કુંભ.”

    નોંધવા જેવું છે કે, પ્રયાગરાજમાં મહાકુંભનો મહાપર્વ ચાલી રહ્યો છે. જેમાં હમણાં સુધીમાં 45 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે અને હજુ પણ દેશભરમાંથી યાત્રિકો કુંભ પહોંચી રહ્યા છે. ભારે ભીડને લઈને રસ્તાઓ અને રોડ પણ જામ થઈ ગયા છે. ભીડના કારણે જ શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ થઈ ગઈ હતી અને તેમાં 18 લોકો મૃત્યુ પામ્યા હતા.