‘કાયદાકીય રીતે થશે કાર્યવાહી, બળજબરીથી કબજો નહીં લેવાય’: દિલ્હી જિમખાના ક્લબ મામલે સરકાર, હાઇકોર્ટે રોક લગાવવાનો કર્યો ઇનકાર

દિલ્હી હાઇકોર્ટમાં દિલ્હી જિમખાના ક્લબ મામલે મંગળવારે (26 મે) મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે કોર્ટને આશ્વાસન આપ્યું કે ક્લબ સામે કોઈપણ કાર્યવાહી માત્ર કાયદા મુજબની પ્રક્રિયા અનુસરીને અને અગાઉથી નોટિસ આપ્યા બાદ જ કરવામાં આવશે. કેન્દ્ર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ક્લબને ‘ફોર્સફુલી ઇવિક્ટ’ કરવામાં નહીં આવે.

જસ્ટિસ અવનીશ ઝિંગને કેન્દ્ર સરકારને સમન્સ જારી કરીને 8 અઠવાડિયામાં લેખિત જવાબ દાખલ કરવા કહ્યું છે. ક્લબના સભ્યો અને દિલ્હી જિમખાના ક્લબ સ્ટાફ વેલફેર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં કેન્દ્ર સરકારના 5 જૂન સુધી 27.3 એકર જમીન ખાલી કરવાનો આદેશ પડકારવામાં આવ્યો છે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સરકાર ‘પ્રોસિજર એસ્ટેબ્લિશ્ડ બાય લો’ મુજબ જ કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે સરકાર 22 મેના પત્ર દ્વારા ‘પરપેચ્યુઅલ લીઝ ડીડ’ સમાપ્ત કરીને રી-એન્ટ્રીની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે, પરંતુ બળજબરીપૂર્વક કબજો લેવાનો હેતુ નથી.

હાઇકોર્ટે પણ નોંધ્યું કે હાલ સુધી પબ્લિક પ્રિમાઇસિસ એક્ટ હેઠળ કોઈ સત્તાવાર કાર્યવાહી શરૂ થઈ હોવાનું રેકોર્ડ પર નથી. કોર્ટે કહ્યું કે જો ભવિષ્યમાં આવી કાર્યવાહી શરૂ થાય તો અરજદારો કાયદાકીય ઉપાયો અપનાવી શકશે.

કેન્દ્ર સરકારે અગાઉ દિલ્હી જિમખાના ક્લબને લુટિયન્સ દિલ્હીમાં આવેલી પોતાની 27.3 એકર જમીન 5 જૂન સુધી ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. સરકારનું કહેવું છે કે આ જમીન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા અને જાહેર સુરક્ષા સંબંધિત જરૂરિયાતો માટે જરૂરી છે.

79 વર્ષીય ક્લબ સભ્ય વિજય ખુરાનાએ દાખલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારની કાર્યવાહી મનસ્વી છે અને યોગ્ય પ્રક્રિયા વિના ‘ફોર્સ્ડ ઇવિક્શન’ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ દિલ્હી જિમખાના ક્લબ સ્ટાફ વેલફેર એસોસિએશને દલીલ કરી કે સરકારની કાર્યવાહીથી રસોઈયા, વેઈટર, ગ્રાઉન્ડ્સમેન, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને અન્ય કર્મચારીઓની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે.

ક્લબ સભ્યો તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ અભિષેક મનુ સંઘવીએ કોર્ટમાં દલીલ કરી કે સરકારે કોઈ શો-કોઝ નોટિસ આપ્યા વગર સીધો અંતિમ આદેશ જારી કર્યો હતો. તેમણે પબ્લિક પર્પઝ શબ્દપ્રયોગને પણ અસ્પષ્ટ ગણાવ્યો.

બીજી તરફ એડવોકેટ કપિલ સિબલે દલીલ કરી કે સરકારને પબ્લિક પર્પઝના નામે કબજો લેવાની છૂટ આપતી લીઝની કલમ બંધારણીય સિદ્ધાંતો સામે છે. જોકે હાઇકોર્ટે નોંધ્યું કે અરજીઓમાં આ કલમની બંધારણીય માન્યતાને સીધી રીતે પડકારવામાં આવી નથી.

અરજદારો તરફથી એવો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે NCLT કાર્યવાહી બાદ નિયુક્ત કરાયેલા સરકાર-નામિત સભ્યો ધરાવતી વર્તમાન ગવર્નિંગ કમિટી કેન્દ્ર સરકાર સાથે મળીને જમીન સોંપી શકે છે. જોકે કેન્દ્ર સરકારે આ આરોપોને નકારી કાઢ્યા હતા. કોર્ટે પણ નોંધ્યું કે ક્લબ પોતે જ સરકારના આદેશ સામે વાંધો ઉઠાવી રહ્યું છે.

દિલ્હી જિમખાના ક્લબની સ્થાપના 1913માં ઇમ્પિરિયલ દિલ્હી જિમખાના ક્લબ તરીકે થઈ હતી. સ્વતંત્રતા બાદ 1947માં તેના નામમાંથી ઇમ્પિરિયલ શબ્દ દૂર કરવામાં આવ્યો હતો. 2022માં NCLTએ ક્લબમાં દુરવ્યવહાર અને ગેરવહીવટના આરોપો વચ્ચે 15 સરકાર-નામિત ડિરેક્ટરોની નિમણૂકને મંજૂરી આપી હતી, જેને બાદમાં NCLATએ પણ યથાવત રાખી હતી.

હાઇકોર્ટે હાલ કોઈ ‘ઇન્ટરિમ સ્ટે’ આપવાનો ઇનકાર કર્યો છે અને મામલાની આગામી કાર્યવાહી માટે 28 જુલાઈની તારીખ નક્કી કરી છે.