
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં કરોડોના ખર્ચે એક કતલખાનું બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને પરત ખેંચી લેવામાં આવી છે. શહેરના પૂર્વ મેયર અને ભાજપ ધારાસભ્ય અમિત શાહે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને પરત ખેંચવાની પણ માંગ કરી હતી. આખરે એ દરખાસ્ત પરત ખેંચાઈ છે.
તાજેતરમાં શહેર કમિશનર બંછાનિધિપાનીએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીને સુપરત કરેલા ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં કતલખાનું બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી-બહેરામપુરામાં એક અદ્યતન કતલખાનું બનાવવામાં આવશે અને તેના માટે અંદાજિત ₹32 કરોડનો ખર્ચ મૂકવામાં આવ્યો હતો. જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે, જે 15882.13 સ્ક્વેર મીટર હોવાનું બજેટમાં જણાવાયું હતું.
આ બાબત સાર્વજનિક થતાં જ સોશિયલ મીડિયા પર વિરોધ ઉઠવા માંડ્યો હતો. ત્યારબાદ ભાજપ ધારાસભ્ય અમિત શાહે પણ પોતાનો વિરોધ દર્શાવ્યો.
'સ્લોટર હાઉસનું કામ ભાજપની વિચારધારા વિરુદ્ધનું… શીર્ષ નેતૃત્વનું ધ્યાન દોરતા AMCનો નિર્ણય પાછો લેવાયો…'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) February 5, 2026
– અમદાવાદમાં કતલખાનું બનાવવાની દરખાસ્ત પરત
– AMC ડ્રાફ્ટ બજેટમાં કરાયો હતો ઉલ્લેખ, BJP ધારાસભ્ય અમિત શાહે કર્યો હતો વિરોધ
અમિત શાહ સાથે ઑપઈન્ડિયાની ખાસ વાતચીત
AMC… pic.twitter.com/fnVLn9eyDq
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે, “સ્લોટર હાઉસનું કામ ભાજપની વિચારધારા બહારનું કામ છે. પરંતુ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે તેની દરખાસ્ત કરી હતી. ત્યારબાદ આ મામલે અમે શીર્ષસ્થ નેતૃત્વને ધ્યાન દોરતાં તેમણે કમિશનરને નિર્ણય પરત લેવા માટે જણાવ્યું હતું અને આખરે દરખાસ્ત પરત લઈ લેવામાં આવી છે. આ બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો આભાર વ્યક્ત કરું છું.”
વધુ જાણકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવાશે.

