Monday, March 24, 2025
More

    બાર એસોસિએશનના વિરોધ છતાં જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઇકોર્ટ મોકલાશે: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બે બેઠકો બાદ કરી ભલામણ

    સુપ્રીમ કોર્ટ કોલેજિયમે (Supreme Court Collegium) દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માને (Justice Yashvant Varma) તેમની મૂળ કોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં (Allahabad High Court) પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. રસપ્રદ વાત એ છે આ નિર્ણય 20 માર્ચ અને 24 માર્ચ એમ બે દિવસ બેઠક યોજ્યા બાદ લેવામાં આવ્યો છે.

    સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત કોલેજિયમના નિવેદનમાં જણાવાયું છે કે, “સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 20 અને 24 માર્ચ, 2025ના રોજ યોજાયેલી તેની બેઠકોમાં, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ફેરબદલ કરવાની ભલામણ કરી છે.” આ ભલામણ સરકારને મોકલવામાં આવ્યો છે. આગામી સમયમાં અંતિમ નિર્ણય આવી શકે છે.

    નોંધનીય છે કે, તેમના ઘરેથી રોકડ રકમ મળી આવ્યા બાદ તેમની બદલી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરવામાં આવશે તેવી વાત વહેતી થઈ હતી. જોકે અલ્હાબાદ બાર અસોસિએશને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. બાર એસોશિએશને કહ્યું હતું કે, અમે કચરાપેટી નથી કે આ રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવે. તેના સ્થાને યોગ્ય તપાસ થવી જોઈએ. પરંતુ હવે કોલેજિયમે અલ્હાબાદ હાઇકોર્ટમાં જ જસ્ટિસ વર્માની બદલી કરવાની ભલામણ કરી છે.

    અહેવાલ મુજબ, 14 માર્ચની સાંજે જ્યારે જસ્ટિસ વર્માના ઘરે આગ લાગી ત્યારે ફાયર ફાઇટરોએ અજાણતામાં બિનહિસાબી રોકડ રકમ મેળવી લીધી હતી. દિલ્હી પોલીસ કમિશનરે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે બળી ગયેલી રોકડ રકમની રિકવરીનો વિડીયો પણ શેર કર્યો હતો.

    જોકે, જસ્ટિસ વર્માએ પૈસા સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કરતા કહ્યું કે, “મારી કે મારા પરિવારની આ રોકડ નથી.” તેમણે દાવો કર્યો હતો કે આ ઘટના તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો એક ભાગ છે.