Tuesday, April 22, 2025
More

    ‘અમે કચરાપેટી નથી’: કૅશ મળી આવ્યા બાદ જજની બદલી અલ્હાબાદ હાઇકોર્ટ ખાતે થતાં બાર એસોશિએશન ભડક્યું

    ઘરેથી મોટા પ્રમાણમાં કૅશ મળી આવ્યા બાદ દિલ્હી હાઇકોર્ટના જજની બદલી અલ્હાબાદ હાઇકોર્ટ ખાતે કરવાના સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ સામે અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોશિએશને વાંધો ઉઠાવ્યો છે. બાર એસોશિએશને કહ્યું કે, અમે કચરાપેટી નથી કે આ રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવે. તેના સ્થાને યોગ્ય તપાસ થવી જોઈએ. 

    ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ઘરમાં આગ લાગ્યા બાદ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ પૈસા મળી આવ્યા હતા. જોકે આ રકમ ચોક્કસ કેટલી છે એ જાણવા મળ્યું નથી. અમુક અહેવાલો 15 કરોડ હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે પછીથી ગૃહ વિભાગે સુપ્રીમ કોર્ટને જાણ કરતાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં કૉલેજિયમની બેઠક બોલાવવામાં આવી અને જજની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 

    અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોશિએશને કહ્યું કે, સુપ્રીમ કોર્ટ કૉલેજિયમના આ નિર્ણયથી પ્રશ્ન એ ઉદભવે છે કે શું અલ્હાબાદ હાઇકોર્ટ કચરાપેટી છે? આ મુદ્દો એટલા માટે પણ અગત્યનો છે કારણ કે અત્યારની સ્થિતિ જોઈએ તો હાઇકોર્ટમાં જજોની ઘટ છે અને સતત સમસ્યાઓ આવતી હોવા છતાં નવા ન્યાયાધીશોની નિમણૂક થઈ નથી. નિમણૂક થાય ત્યારે બારની સલાહ લેવામાં આવતી નથી. અમુક પ્રક્રિયાઓ થઈ રહી નથી જેના કારણે ભ્રષ્ટાચારમાં વધારો થઈ રહ્યો છે અને ન્યાયતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટતો જાય છે. 

    બાર એસોશિએશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, એક તરફ આવી સમસ્યાઓ છે ત્યાં તેઓ આ પ્રકારે ભ્રષ્ટાચારને સ્થાન આપી શકે નહીં. આ મામલે એસોશિએશને એક બેઠક પણ બોલાવી હોવાનું જણાવ્યું છે, જે 24 માર્ચના રોજ યોજાશે.