Sunday, July 13, 2025
More

    લાલુ યાદવ જ ‘મુખ્ય સૂત્રધાર’, તેજસ્વી-રાબડી પણ કૌભાંડમાં સામેલ: ‘નોકરીને બદલે જમીન’ કેસમાં CBIએ કોર્ટમાં રજુ કરી દલીલ

    1 જુલાઈ 2025ના રોજ આરજેડી (RJD) નેતા અને તત્કાલીન રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના (Lalu Prasad Yadav) બહુ ચર્ચિત ‘નોકરીના બદલે જમીન’ કૌભાંડ (Land for Job Scam) મામલે સીબીઆઈએ (CBI) કોર્ટમાં પોતાની દલીલો રજુ કરી હતી. જેમાં CBIએ લાલુ પ્રસાદ યાદવને આ સમગ્ર કૌભાંડના ‘મુખ્ય સૂત્રધાર’ ગણાવ્યા હતા. આ ઉપરાંત તેજસ્વી યાદવ (Tejashwi Yadav) અને રાબડી દેવી (Rabri Devi) પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાવ્યું હતું.

    મળતી માહિતી મુજબ મંગળવારે (1 જુલાઈ) CBIએ રાઉઝ એવન્યુ કોર્ટમાં લાલુ સામે ચાલી રહેલા ‘નોકરીના બદલે જમીન’ કૌભાંડ કેસમાં આરોપીઓ સામે પોતાની દલીલો રજુ કરી હતી. કોર્ટમાં દાખલ કરેલી દલીલોમાં CBIએ લાલુને કેસનો ‘મુખ્ય સૂત્રધાર’ ગણાવ્યો હતો. CBIએ કહ્યું હતું કે, રેલવે મંત્રીના કાર્યકાળમાં લાલુ યાદવે રેલવેની ગ્રુપ-D જેવી મોટી ભરતીઓમાં ખુબ મોટા પાયે ગોટાળા કર્યા છે. લાલુએ રેલવેના વરિષ્ઠ અધિકારોઓ પર ગેરકાયદેસર રીતે પોતાના ‘સિલેક્ટેડ’ ઉમેદવારોને પાસ કરવા અને તેમની નિમણુંક કરવાનું દબાણ કર્યું હતું. આ કૌભાંડમાં ‘સિલેક્ટેડ’ ઉમેદવારો પાસેથી નજીવી કિંમતે જમીનો પડાવી તેની સામે તેમણે નોકરી આપવામાં આવતી હતી.

    એજન્સીએ પોતાની દલીલોમાં લાલુ યાદવની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને બંને પુત્રો તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવનો પણ ઉલ્લેખ કર્યો હતો. CBIએ જણાવ્યું હતું કે, આ તમામ ગેરકાયદેસર રીતે આપવામાં આવેલી નોકરીઓના બદલામાં અરજદારોએ આપેલી જમીનોના ‘લાભાર્થીઓ’ છે.

    જસ્ટિસ વિશાલ ગોગાણેની કોર્ટમાં, પબ્લિક પ્રોસિક્યુટર ડીપી સિંઘ સાથે સીબીઆઈએ (CBI) કોર્ટને જણાવ્યું હતું કે, રેલવેની ભરતી પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવા છતાં રેલવે વિભાગે એક જ દિવસમાં ઘણા ઉમેદવારોની અરજીઓ પાસ કરી હતી. પસંદ કરાયેલા ઉમેદવારોમાં અમુક તો એવા હતા જેમને પોતાનું નામ પણ સરખું લખતા આવડતું ન હતું. જ્યારે અમુકના પ્રમાણપત્રો પણ નકલી હતા.

    આ મામલે હવે સીબીઆઈની દલીલો બાદ કોર્ટ પ્રતિપક્ષની દલીલો સાંભળશે અને દલીલ પ્રક્રીયા પૂર્ણ થયા બાદ લાલુ યાદવ સહિતના આરોપીઓ સામે ટ્રાયલ શરૂ કરવી કે નહિ તે અંગેનો ચુકાદો આપશે. અત્યાર સુધીમાં સીબીઆઈએ લાલુ સહિત કુલ 78 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.