‘રશિયન તેલ ખરીદીનો ફાયદો ઉઠાવે છે બ્રાહ્મણો’: ટ્રમ્પના સલાહકાર નવારોએ ફરી ઓક્યું ઝેર, પીએમ મોદી-પુતિન-જિનપિંગની મુલાકાત પર કરી ટિપ્પણી

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને યોગ્ય ઠેરવ્યો. નવારોએ ભારતીય બ્રાહ્મણો પર રશિયા પાસેથી તેલ ખરીદીને નફો કમાવવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત, ભારતને સૌથી મોટું લોકતંત્ર ગણાવીને ચીન અને રશિયાથી મિત્રતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

FOX News સાથેની વાતચીતમાં નવારોએ ભારતને ‘ટેરિફનો મહારાજા’ ગણાવ્યો અને કહ્યું કે નવી દિલ્હીમાં વિશ્વમાં સૌથી વધુ ટેરિફ છે. નવારોએ પીએમ મોદીને મોટા નેતા ગણાવ્યા અને કહ્યું, “તેઓ (પીએમ મોદી) પુતિન અને શી જિનપિંગ સાથે સૂવા જઈ રહ્યા છે, જ્યારે તે પોતે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે.”

નાવારોએ ઉમેર્યું હતું કે, “હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ભારતીય લોકો કૃપા કરીને સમજો કે, અહીં શું થઈ રહ્યું છે. બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે નફો કમાઈ રહ્યા છે. આપણે આ બંધ કરવું પડશે.”