વડાપ્રધાન મોદી (PM Modi) શુક્રવારે (13 ડિસેમ્બર) ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજની (Prayagraj) યાત્રા પર પહોંચ્યા છે. અહીં તેમણે ગંગાપૂજન કરીને મહાકુંભનો ઔપચારિક પ્રારંભ કર્યો છે. તે પહેલાં તેમણે અક્ષયવટ, સરસ્વતી કૂપ અને મોટા હનુમાનજી મંદિરના દર્શન પણ કર્યા હતા. આ જ અવસર પર તેમણે મહાકુંભ પહેલાં જ પ્રયાગરાજને ₹5500 કરોડના 167 વિકાસકાર્યોની ભેટ આપી છે.
આ દરમિયાન તેમણે અક્ષયવટ, હનુમાન મંદિર, સરસ્વતી કૂપ, ભારદ્વાજ આશ્રમ અને શ્રુંગ્વેરપુર ધામ કોરિડોરનું લોકાર્પણ પણ કર્યું હતું. ડિજિટલ મહાકુંભને પ્રોત્સાહન આપવા માટે તેમણે કુંભ સહાયક ચેટબોટ પણ લૉન્ચ કર્યું કર્યું હતું. તે સિવાય 10 નવા ઓવરબ્રિજ, ફ્લાઇઓવર, સ્થાયી ઘાટ અને રિવરફ્રન્ટ સહિત રેલ અને માર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
આ ઉપરાંત PM મોદીએ પ્રયાગરાજમાં સભાને સંબોધિત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ ગંગા, યમુના, સરસ્વતી , નર્મદા જેવી અનેક પવિત્ર નદીઓનો દેશ છે. આ નદીઓના પ્રવાહની પવિત્રતા, આ તીર્થોનું જે મહત્વ, માહત્યમ છે, તેનો સંગમ છે , તેનો યોગ, તેનો સંયોગ, તેનો પ્રભાવ, તેનો પ્રતાપ આ પ્રયાગ છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “જે વ્યક્તિ પ્રયાગરાજમાં સ્નાન કરે છે, તે દરેક પાપોમાંથી મુક્ત થઈ જાય છે. રાજા-મહારાજાઓનો સમય હોય કે સેંકડો વર્ષોની ગુલામીનો કાળખંડ હોય, આસ્થાનો આ પ્રવાહ ક્યારેય નથી અટક્યો. તેનું સૌથી મોટું કારણ એ છે કે, કુંભનું કારક કોઈ બાહરી શક્તિ નથી.”