Tuesday, March 18, 2025
More

    તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ નિવાસસ્થાનની બહાર પોતાને જ કોરડા માર્યા, અન્ના યુનિ. યૌન ઉત્પીડન કેસમાં ન્યાયની માંગ સાથે કરી રહ્યા છે વિરોધ

    તમિલનાડુના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કે અન્નામલાઈએ શુક્રવારે (27 ડિસેમ્બર) પોતાના નિવાસસ્થાનની બહાર પોતાને જ કોરડા વીંઝ્યા હતા. એક દિવસ પહેલાં તેમણે ચેન્નાઈમાં ઘોષણા કરી હતી કે અન્ના યુનિવર્સિટી યૌન ઉત્પીડન કેસમાં DMK સરકાર અને પોલીસના વલણનો વિરોધ કરવા માટે તેઓ પોતાને કોરડા મારશે અને એટલું જ નહીં પરંતુ સરકારને ઉખાડી ન ફેંકે ત્યાં સુધી પગરખાં નહીં પહેરે. 

    શુક્રવારે (27 ડિસેમ્બર) સવારે અન્નામલાઈએ પોતાના નિવાસસ્થાનની બહાર વચન પ્રમાણે પોતાના શરીરે કોરડા વીંઝ્યા હતા. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જોકે, પાંચ-છ વખત કોરડા માર્યા બાદ સમર્થકોએ તેમને અટકાવી દીધા હતા. 

    આ મામલો ગત 23 ડિસેમ્બરનો છે. ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનું યૌન શોષણ થયું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પછીથી પોલીસે ગુનો દાખલ કર્યો. જોકે, અન્નામલાઈની ફરિયાદ છે કે પોલીસે FIR ફરતી કરીને રેપ પીડિતાની ઓળખ ઉજાગર કરી દીધી એટલું જ નહીં પરંતુ કેસમાં નરમ વલણ દાખવવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

    આ જ કેસ બાદ તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી DMK સરકાર ન ઉખાડી ફેંકે ત્યાં સુધી તેઓ પગરખાં નહીં પહેરે.