Thursday, July 3, 2025
More

    PM મોદી સાથે વાતચીત બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના: સીએમ ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે સંપૂર્ણ મદદની આપી ખાતરી: દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા 242 યાત્રીઓ

    અમદાવાદના મેઘાણીનગર ખાતે પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) થવાની દુર્ઘટના સામે આવી છે. કહેવાય રહ્યું છે કે, આ પ્લેનમાં 242 પેસેન્જરો સવાર હતા. આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ ત્વરિત એક્શનમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી બચાવકામગીરીની માહિતી આપી છે.

    તેમણે લખ્યું હતું કે, “અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.”

    વધુમાં લખ્યું કે, “ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.”

    ANIના અહેવાલ મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે તમામ કામગીરી આગામી સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. દુર્ઘટનાની ગંભીરતાના પગલે PM નરેન્દ્ર મોદીએ સિવિલ એવિએશનના મંત્રી રામમોહન નાયડુ સાથે વાતચીત કરી હતી, જે વિજયવાડાથી અમદવાદ માટે રવાના થઈ ચૂક્યા છે.

    અહેવાલો અનુસાર રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં લગભગ 50 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મૃતદેહ સળગેલી હાલતમાં છે. પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલના ડોક્ટર માટેની હતી. દુર્ઘટનાના પગલે મોટી જાન-માલ હાનિ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.