
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાહર ગામમાં આદિવાસી જમીન પર ગેરકાયદે ચર્ચ અને ધર્માંતરણ થતું હોવાના આરોપ સામે આવ્યા છે. આ પ્રવૃત્તિઓ સામે સ્થાનિક આદિવાસી સમુદાયે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. દેવ બિરસા સેનાના સભ્યોએ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ સાથે ઉમરપાડાના મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું છે.
દેવ બિરસા સેનાનું કહેવું છે કે તેમના ગામમાં કોઈ પણ વ્યક્તિ ખ્રિસ્તી નથી કે કોઈ ઈસાઈ મતમાં ધર્માંતરિત પણ થયું નથી, છતાં ખ્રિસ્તી સંસ્થા તેમની જમીન પર કોઈપણ સત્તાવાર પરવાનગી વિના ચર્ચનું બાંધકામ કરી રહી છે. આદિવાસી સમુદાયનું કહેવું છે કે આ બાંધકામનો ઉપયોગ વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે. આવેદનમાં ઉલ્લેખ છે કે આ બાંધકામ કલેક્ટરની પરવાનગી વિના થઈ રહ્યું છે અને તેના કારણે મહેસૂલી કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે.
બિરસા સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે આ બાંધકામ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 2(ક), 2(ખ), 2(ગ), 2(ઘ), 2(ચ), 4(ર), 4(ગ) સહિતની જોગવાઈઓનો ભંગ કરે છે. આદિવાસી સમુદાયના લોકોએ દાવો કર્યો છે કે આ એક મોટું ષડયંત્ર છે જેનો હેતુ તેમની પ્રાચીન અને પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ અને પ્રથાઓને નષ્ટ કરવાનો છે.

આદિવાસી સમુદાયના એક સભ્યે જણાવ્યું કે, “અમારો સમુદાય અનાદિ કાળથી નાગદેવ, ગોવલદેવ, વાઘદેવ અને અન્ય દેવતાઓની પૂજા કરે છે અને વૃક્ષો, પથ્થરો તથા નદીઓની પૂજાની પરંપરાઓનું પાલન કરે છે. પરંતુ હવે આદિવાસી વિસ્તારોમાં મોટા ચર્ચો બનાવવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર સભાઓનું આયોજન થઈ રહ્યું છે. લાલચ અને પ્રલોભનો આપીને અમારા ભોળા આદિવાસી લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે, જે અમારી આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવાનું એક કાવતરું છે.”
આવેદનપત્રમાં દેવ બિરસા સેનાએ ચર્ચના બાંધકામનું કામ તાત્કાલિક અટકાવવું, જમીનની માલિકી અને કાનૂની સ્થિતિની તપાસ કરવી, નિયમ વિરુદ્ધ કાર્ય કરનાર સામે કાર્યવાહી કરવી અને આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાની માંગ કરી છે. આ ઉપરાંત આવા કૃત્ય કરનાર ખ્રિસ્તી સંસ્થાઓ તથા પાદરીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

