Sunday, March 23, 2025
More

    સંભલમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં ભાજપ નેતાનું મોત: બે આરોપીઓએ ઘરમાં ઘૂસીને ઝેરનું ઇન્જેકશન આપ્યું હોવાના આરોપ

    સંભલમાં હોળી અને જુમ્માના વિવાદ વચ્ચે સંદિગ્ધ પરિસ્થિતિમાં ભાજપ નેતાના મોતનો મામલો સામે આવ્યો છે. ભાજપ નેતા ગુલફામ સિંઘ યાદવના મોત બાદ વિસ્તારમાં રાજકીય હડકંપ મચી ગઈ ગઈ છે. મીડિયા અહેવાલોમાં પોલીસ સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક ભાજપ નેતાએ શ્વાસ છોડતા પહેલાં કહ્યું હતું કે, સૂતી વખતે તેમને કોઈએ ઇન્જેકશન લગાવ્યું હતું.

    પોલીસે જણાવ્યું છે કે, સોમવારે (10 માર્ચ) સંદિગ્ધ પરિસ્થિતિમાં ભાજપ નેતાનું મોત થયું છે. અહેવાલો અનુસાર, મૃતકે કહ્યું હતું કે, તેમને સૂતા પહેલાં કોઈએ ઇન્જેકશન લગાવ્યું હતું. ત્યારબાદ તેમને સારવાર માટે અલીગઢ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન જ તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

    વધુમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, બાઇક સવાર આરોપીઓએ ભાજપ નેતાના ઘરમાં ઘૂસીને તેમને ઝેરનું ઇન્જેકશન લગાવી દીધું હતું અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. નોંધવા જેવું છે કે, ગુલફામ સિંઘ યાદવ છેલ્લા ત્રણ દાયકાથી રાજકારણમાં સક્રિય હતા, તેઓ 2004માં ગુન્નૌર વિધાનસભા માટે થયેલી પેટાચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંઘ યાદવ વિરુદ્ધ ભાજપની ટિકિટ પર ચૂંટણી પણ લડ્યા હતા.