Monday, November 4, 2024
More
    હોમપેજમંતવ્યસુરતમાં બુલડોઝર એક્શન અને ગુજરાતી સેક્યુલર ‘પત્રકારો’ની પીડા: યે દુઃખ કાહે ખતમ...

    સુરતમાં બુલડોઝર એક્શન અને ગુજરાતી સેક્યુલર ‘પત્રકારો’ની પીડા: યે દુઃખ કાહે ખતમ નહીં હોતા બે!

    હકીકત એ છે કે નિયત કિસ્સાઓમાં ધર્મ પણ હોય છે અને મઝહબ પણ. સુરતમાં જેમણે પથ્થરમારો કર્યો હતો તે મુસ્લિમ સગીરો હતા. એક જ કોમના હતા. તેમાંથી જે લીડર હતો તે મદરેસામાં જતો હતો. જે કટ્ટર બની ચૂક્યો હતો. આ કોઇ સામાન્ય ગુનો નથી. કોઇ પત્રકારને બોલવામાં બીક લાગતી હોય તેનાથી તે સામાન્ય ગુનો બની જતો નથી.

    - Advertisement -

    સુરતમાં ગણેશજીના મંડપ પર સગીર મુસ્લિમોએ પથ્થર ફેંક્યા બાદ તે જ વિસ્તારમાં બીજા જ દિવસે ગેરકાયદેસર દબાણો હટવવા માટે જે બુલડોઝર ચાલ્યાં તે જોઈને અમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. તમારું પણ થયું હશે. થવું જોઈએ. પણ ગુજરાતના અમુક ‘પત્રકારો’ આમાં અપવાદ છે. તેમના વર્તન-વ્યવહાર પરથી તો લાગે છે કે તેમને દુઃખી રહ્યું છે પેટમાં, પણ કૂટી રહ્યા છે માથું. સીધી રીતે કહી શકાય એવી સ્થિતિ નથી, ચૂપ રહેવાય એમ પણ નથી એટલે આડીઅવળી વાતો થઈ રહી છે ને સવાલો થઈ રહ્યા છે કે આવી કાર્યવાહી બીજે કેમ નથી થઈ? 

    અમુકને ચિંતા પેઠી છે કે ગુજરાતમાં યોગી-હિમંતા મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે. (તેમના માટે આ ચિંતા હશે, આપણે તો એ દહાડાની રાહ જોઈને બેઠા છીએ!) કોઈને લાગે છે કે સરકાર માત્ર એક કોમને ટાર્ગેટ કરી રહી છે. કોઇ વળી એમ પૂછી રહ્યું છે કે સરકારે આ પ્રકારની કાર્યવાહી બીજે કેમ ન કરી? આ બળતરા અને પીડાનો અંત નથી. આપણે બીજું શું કરીએ? મીઠું ભભરાવી આપીએ. 

    ‘નિર્ભય ન્યૂઝ’ નામનું એક પોર્ટલ ચલાવતાં બેન ગોપી મણિયારે ગુજરાતને ‘હિંદુત્વની પ્રયોગશાળા’ બનાવવામાં આવી રહ્યું હોવાનું કહ્યું છે. આગળ વાત કરતાં પહેલાં તેમનો ટૂંકો પરિચય એ કે ગઈ દિવાળીએ અયોધ્યામાં લાખો દીવડા પ્રગટાવવામાં આવ્યા તો તેમને ‘ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોહ્યલું’વાળી કવિતા યાદ આવી હતી. પછીથી સોશિયલ મીડિયા પર બહુ ટ્રોલિંગ થયું. અમારી સહાનુભૂતિ છે. 

    - Advertisement -

    બીજી એક વાત. આ ‘હિંદુત્વની પ્રયોગશાળા’વાળા શબ્દપ્રયોગના જનકો સેક્યુલર-લિબરલ ટોળકીની આની આગલી પેઢી છે. ત્યારે તો હમણાં યુ-ટ્યુબ ચેનલો ખોલી બેઠેલા પત્રકારોને ‘પ્રયોગશાળા’ની જોડણી લખતાં પણ નહીં આવડ્યું હોય. (એ કોણ બોલ્યું કે હમણાં પણ અમુકને નથી આવડતી!) સેક્યુલર ટોળકી કાયમ ગુજરાત વિશે આવું કહ્યા કરે છે ને આપણે એટલા જડ મગજના થઈ ગયા છે કે તેની ઉપર ધ્યાન આપ્યા વગર જઈને નરેન્દ્રભાઈને મત આપી આવીએ છીએ! 

    આ બેન એક વિડીયોમાં કહે છે કે, ગુજરાતમાં ગણેશ પંડાલના નામે ફરી હિંદુત્વનો પ્રયોગ થયો છે. બહુ સરસ. શું મુસ્લિમ સગીરોના હાથમાં પથ્થર સરકારે આપ્યા અને રિક્ષા પણ કરી આપી અને કહ્યું કે તેઓ જઈને ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકે? સીધો અને સરળ પ્રશ્ન એ છે કે પથ્થર ન ફેંકાયા હોત તો શું આ કાર્યવાહીની જરૂર પડી હોત? 

    અહીં ક્યાંય પથ્થર મારનારા મુસ્લિમોનો કોઈ ઉલ્લેખ નહીં, જે મઝહબી ધર્માંધ માનસિકતા દર્શાવાઈ તેનો પણ ઉલ્લેખ નહીં અને વાત હિંદુત્વના પાટે ચડાવી દેવાઇ. કારણ કે સાંભળનારા હું અને તમે તો મૂરખ છીએ. 

    આગળ તટસ્થ દેખાવા માટે તેઓ કહે છે કે, સરકારે ખૂબ સારી કાર્યવાહી કરી અને ઝડપી કાર્યવાહી કરી અને અમે ઘટનાને (પથ્થરમારાની) વખોડીએ છીએ, પણ અન્ય ઘટનાઓમાં બુલડોઝર કાર્યવાહી કેમ ન થઈ? આગળ કહે છે કે, હરણીની ઘટનામાં જે બાળકો મર્યાં તેમાંથી ઘણાં મુસ્લિમો પણ હતાં. આમ કાયમ આ ગેંગ હિન્દુ-મુસ્લિમ કરવાની ના પાડતી રહે છે તો પછી આ શું છે? આગળ મોરબીના પુલની ઘટનાનો ઉલ્લેખ કરીને તેઓ  કહે છે કે ત્યાં કેમ આવી કાર્યવાહી ન થઈ. 

    આવો સવાલ બીજા પણ અન્ય ‘પત્રકારો’એ પૂછ્યો છે. 

    એક ભાઈ છે જગદીશ મહેતા. આ ભાઈએ લોકસભા ચૂંટણી પહેલાં ક્ષત્રિય આંદોલન વખતે અનેક યુટ્યુબ ચેનલોના સ્ટુડિયો ગજવ્યા હતા અને વિશ્લેષણો કર્યાં હતાં. ભાજપને કેટલીક બેઠકોનું નુકસાન થશે અને આ આંદોલનની કેવીક અસર થશે તેનું તેમણે બહુ વિગતવાર ‘વિશ્લેષણ’ કર્યું હતું. એ વાત અલગ છે કે પછી ભાજપે માત્ર એક જ બેઠક ગુમાવી! વિશ્લેષણ કેટલુંક સાચું પડ્યું એ તો તેઓ જ જાણે. 

    સવાલ- કોઇ એક કોમનાં દબાણો કેમ હટાવાયાં? જવાબ- કારણ કે મંડપ પર પથ્થરો પણ એક જ કોમ તરફથી ફેંકાયા હતા

    તેમની સમસ્યા નવી છે. તેમનો પ્રશ્ન છે કે સરકારે કોઇ એક કોમ કે જે સરકારની વિરૂદ્ધ હોય કે પછી જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી સરકારને વાહવાહી મળતી હોય તેવી રીતે કાર્યવાહી ન કરવી જોઈએ. પણ અહીં સરળ જવાબ એ છે કે ગણેશજી પર પથ્થર પણ એક જ કોમના માણસોએ ફેંક્યા હતા. કોઇ પત્રકાર સ્ટુડિયોમાં બેસીને ‘તટસ્થ’ દેખાય શકે તે માટે સરકાર નિર્દોષોને પણ દંડી ન શકે. 

    આગળ આ ભાઈ કહે છે કે, ગુનેગારોનાં જાતિ-જ્ઞાતિ, ધર્મ હોતા નથી. આવું ગપ્પું આ લોકોએ બહુ ચલાવ્યું. પણ હકીકત એ છે કે નિયત કિસ્સાઓમાં ધર્મ પણ હોય છે અને મઝહબ પણ. સુરતમાં જેમણે પથ્થરમારો કર્યો હતો તે મુસ્લિમ સગીરો હતા. એક જ કોમના હતા. તેમાંથી જે લીડર હતો તે મદરેસામાં જતો હતો. જે કટ્ટર બની ચૂક્યો હતો. આ કોઇ સામાન્ય ગુનો નથી. કોઇ પત્રકારને બોલવામાં બીક લાગતી હોય તેનાથી તે સામાન્ય ગુનો બની જતો નથી. આ એક મઝહબી કટ્ટર માનસિકતામાંથી જન્મેલું કૃત્ય છે અને તેને તે જ રીતે બતાવવાની ત્રેવડ હોવી જોઈએ. 

    ‘આતંકવાદને ધર્મ નથી હોતો’ જેવું જ તૂત આ પણ છે. તો પછી કેમ દર વખતે હિંદુ શોભાયાત્રાઓ ઉપર જ હુમલા થાય છે? જ્યારે હિંદુઓ પક્ષે લેશમાત્ર કશું થતું નથી. આ પ્રશ્ન પૂછવાની હિંમત હોવી જોઇએ. ખાસ કરીને ગામમાં ફરીને અમે નીડર પત્રકાર છીએની બૂમો પાડનારાઓમાં તો ખાસ. 

    પોતાને ‘પત્રકાર’ કહેતાં એક બેને વળી લખ્યું કે બુલડોઝર કાર્યવાહી બહુ પ્રેડિક્ટેબલ થઈ ગઈ અને વાહવાહી કરનારી ભીડ બહુ મોટી થઈ ગઈ છે. સાથે પૂછ્યું કે, કેમ મનપાને ઘટના બાદ જ જાણ થાય કે જે તે જગ્યા પર ગેરકાયદેસર દબાણ છે? અત્યાર સુધી એ ક્યાં ઉંઘતું હતું અને કેમ આ કાર્યવાહી પણ અમુક જ ઘટના બાદ કરાય છે? સાથે કહ્યું કે, સરકારો હવે આમાં ગૌરવ અનુભવવા માંડી છે અને સાથે કોર્ટને તાળાં મારવાની પણ સલાહ આપી. 

    અહીં પથ્થર ફેંકનારાઓ માટે કોઇ ચીજ નહીં, માત્ર એટલું લખી દેવાયું કે આરોપીઓની હરકતનો કોઇ બચાવ ન થઈ શકે. ન જ થઈ શકે, પણ એ હરકત કઈ હતી? એ કોણ કહેશે? હરકત ન હતી, પણ આતંકી માનસિકતા દર્શાવતું કૃત્ય હતું. તેની ઉપર કશું જ નહીં અને સરકારે કાયદામાં રહીને કાર્યવાહી કરી તો ત્રણ ફકરાનો નિબંધ લખીને આપી દીધો?

    આ ટોળકી ક્યારે સમજશે કે તમારે બુલડોઝર કાર્યવાહી કરવી હોય તો તેના માટે બાંધકામ ગેરકાયદેસર હોવું જરૂરી છે. બધે જ આ કાર્યવાહી એટલા માટે ન થાય, કારણ કે અન્ય ગુનાઓ અને ઘટનાઓમાં જે સંડોવાયેલા હોય તેમણે ગેરકાયદેસર બાંધકામો કર્યાં જ હોય એ જરૂરી નથી. એટલે એવો સવાલ ન થાય કે બીજી ઘટનાઓમાં કેમ આવું ન થયું? એવું એટલા માટે ન કર્યું, કારણ કે ત્યાં ગેરકાયદેસર બાંધકામો નહીં હોય. બાકી, સરકારે કોર્ટમાં જેટલી કાર્યવાહી કરવાની છે એ તો થઈ જ રહી છે. ત્યાં બેદરકારી દાખવવામાં આવતી હોય તો ચોક્કસ પૂછાય.

    તેમણે કોઇ પણ રીતે મુદ્દો બનાવવો છે. સમુદાય વિશેષનો ઉલ્લેખ કરવો નથી અને બુલડોઝર ફેરવતી સરકાર પર ચડી બેસવું છે. આવું પત્રકારત્વ ‘તટસ્થ’ હોય તો આપણે તટસ્થ નથી એ ઈશ્વરકૃપા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં