અખબાર ગુજરાત સમાચારે (Gujarat Samachar) હમણાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેનું શીર્ષક છે– ‘ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી.’ 7 ઑગસ્ટના રોજ પ્રકાશિત આ અહેવાલમાં અનેક ખામીઓ છે અને લખનારે ગેરસમજના કારણે એવા નિષ્કર્ષ કાઢ્યા છે, જેનાથી તદ્દન જુદું ચિત્ર વાંચનારના મગજમાં સર્જાય છે.
રિપોર્ટની શરૂઆતમાં ગુજરાતની બે અલગ-અલગ સ્થિતિ હોવાનું દર્શાવવા માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત’નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે આ જ વિકસિત ગુજરાતમાં દારુણ ગરીબી પણ છે. રિપોર્ટ કહે છે, “ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. વિકાસના બણગાં ફૂંકવામાં આવી રહ્યાં છે, ત્યારે કડવી હકીકત એ છે કે લોકોને બે ટંક ખાવાનાંય ફાંફાં છે. કરુણતા એ છે કે રાજ્ય સરકાર હજારો-લાખો લોકોને મફત અનાજ આપે તેને સિદ્ધિ ગણાવી રહી છે.”
ગુજરાત સમાચારે કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રજૂ કરેલા એક રિપોર્ટને આધાર બનાવીને લખ્યું છે કે, ગુજરાતમાં 3.65 કરોડ લોકો અનાજ મેળવે છે. સાથે કહેવામાં આવ્યું છે કે છેલ્લાં 2 વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે.
Poverty in Gujarat: દેશના વિકસિત રાજ્યો પૈકીના એક ગણાતા ગુજરાતની કહેવાતી સિદ્ધિઓની અનેકવાર પોલ ખૂલી ગઈ છે. ગુજરાતની અડધોઅડધ પ્રજા મફત અનાજ લેવા મજબૂર છે. ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવે છે. કરુણતા એ છે… pic.twitter.com/Rc0dxSy6Yy
— Gujarat Samachar (@gujratsamachar) August 7, 2025
રિપોર્ટ અનુસાર– “2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો અનાજ મેળવતા હતા, જ્યારે 2025માં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઈ છે. છેલ્લાં 2 વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં સમૃદ્ધ ગુજરાતમાં મફત અનાજ લેનારાઓની સંખ્યા સવિશેષ વધુ છે.”
અહેવાલનો બાકીનો ભાગ, છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર આવી શક્યો નથી અને ગરીબી હટાવો માત્ર નારામાં જ રહી ગઈ છે અને સરકાર ગરીબી હટાવી શકી નથી, દિવસે-દિવસે ગરીબ પરિવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે… જેવી વાતો લખીને ભરવામાં આવ્યો છે.
અંતે લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ગરીબી ચરમસીમાએ હોવા છતાં સરકાર મફત અનાજ વહેંચીને વાહવાહી મેળવી રહી છે. અંત આ રીતે થાય છે– “ગરીબી નાબૂદી માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીએ સીમા વટાવી છે, ત્યારે છેવાડાના માનવી સુધી લાભ મળતો નથી તે વાત પ્રસ્થાપિત થઈ છે.”
ગુજરાત સમાચારે આદત અનુસાર આ આંકડો ક્યાંથી મળ્યો તે જણાવ્યું નથી. પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે માર્ચ 2025માં સાંસદ પરિમલ નાથવાણીના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રાલયે સંસદમાં આ માહિતી આપી હતી. તેમાં જોકે એકમાત્ર ગુજરાત નહીં પણ દરેક રાજ્યની વિગતો છે.
પ્રશ્નમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યવાર કેટલા લોકોને લાભ મળ્યો તેની વિગતો માંગવામાં આવી હતી. સાથે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અંત્યોદય અન્ન યોજના માટે છેલ્લાં ત્રણ વર્ષમાં કયાં રાજ્યને કેટલું ભંડોળ આપવામાં આવ્યું તેની વિગતો મંગાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો, જે હેઠળ 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો નિઃશુલ્ક અનાજ આપવામાં આવે છે. મોદી સરકારે આ યોજના ડિસેમ્બર 2028 સુધી લંબાવી દીધી છે. ત્યાં સુધી તેનો લાભ મળવાનો ચાલુ રહેશે.
સરકારી રિપોર્ટની માહિતીનું યોગ્ય અર્થઘટન જરૂરી
એ વાત સાચી છે કે સરકારના રિપોર્ટ અનુસાર, 2022-23માં ગુજરાતમાં PM-GKAY હેઠળ નિઃશુલ્ક અનાજ મેળવનારાઓની સંખ્યા 345 કરોડ હતી. જે સંખ્યા 2024માં 351 કરોડ અને 2025માં 365 કરોડ જેટલી થઈ છે. પરંતુ તેનાથી એવો નિષ્કર્ષ ન કાઢી શકાય કે આટલા લોકો ગરીબી હેઠળ આવી ગયા છે. તેનો સાદો અર્થ એ થાય કે તેઓ પહેલાં પાત્ર હોવા છતાં આ યોજના હેઠળ ન હતા, તેમને પછીથી આવરી લેવામાં આવ્યા.
ગુજરાત સરકાર સતત જણાવતી રહી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાયક હોય તેવા મહત્તમ પરિવારો આવરી લેવામાં આવે તે માટે તેઓ પ્રયાસ કરતા રહે છે. થોડા સમય પહેલાં પીએમ મોદીએ સુરતમાં ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન કેમ્પેઈનની શરૂઆત પણ કરાવી હતી, જેનો ઉદ્દેશ્ય જ આવા કોઈ પરિવારો બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે.
એ પણ નોંધવું જોઈએ કે એપ્રિલ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે ‘મા અન્નપૂર્ણા યોજના’ની શરૂઆત કરાવી હતી ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે તેના હેઠળ 3.82 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. અર્થાત્ આ આંકડો 2016માં વધુ હતો, તેનાથી 2025માં ઘટાડો જ જોવા મળ્યો છે, વધારો નહીં. ઉપરાંત, 2022નો એક રિપોર્ટ જણાવે છે કે, ગુજરાતમાં PMGKAYના લાભાર્થીઓની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે.
આ કિસ્સામાં 2023થી 2025 વચ્ચે જે તફાવત જોવા મળે છે તે એટલા કારણોસર છે કે આટલા સમયમાં 20 લાખ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એનો અર્થ એ નથી કે 2 વર્ષ પહેલાં આ 20 લાખ લોકો સધ્ધર હતા અને અચાનક આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ, ગરીબી એ હદ સુધી આવી ગઈ કે નિઃશુલ્ક અનાજ મેળવવાનું શરૂ કરી દેવું પડ્યું. તેમની આર્થિક સ્થિતિ પહેલાં પણ એ જ હતી, ફેર એટલો કે કોઈ કારણોસર યોજનાનો લાભ મળતો ન હતો, તે મળવાનો શરૂ થઈ ગયો.
એટલે એક રીતે જોવા જઈએ તો આ સરકારનું સારું કામ બતાવે છે કે તેઓ સતત આ યોજના હેઠળ વધુમાં વધુ પરિવારો આવરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરતા રહે છે. ગુજરાત સમાચારે પણ અહીં સરકારને ભાંડવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ ફરી એક વખત નિષ્ફળતા જ હાથ લાગી.
સરકાર કેમ લોકોને નિઃશુલ્ક અનાજ આપી રહી છે?
બીજું, અહીં જે દલીલ કરવામાં આવી છે કે સરકાર અનાજ વહેંચીને વાહવાહી કેમ કરી રહી છે, તેનો જવાબ પણ પીએમ મોદીનાં ઘણાં સંબોધનમાં મળી જાય તેમ છે.
વડાપ્રધાન અગાઉ અનેક તબક્કે PM-GKAY યોજના વિશે જણાવી ચૂક્યા છે કે લોકોને નિઃશુલ્ક અનાજ આપવું કેમ જરૂરી છે. આને એ રીતે ન જોવું જોઈએ કે આજે પણ ભારતે આટલા કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ આપવું પડે છે.
મોદી ભૂતકાળમાં પણ પોતાનાં ઘણાં ભાષણોમાં કહી ચૂક્યા છે કે, કોઇ બીમાર વ્યક્તિ જ્યારે હૉસ્પિટલથી આવે ત્યારે ડૉક્ટર કહેતા હોય છે કે તેની થોડા દિવસ સંભાળ રાખવાની જરૂર છે. કારણ એ હોય છે કે ક્યાંક તે ફરી મુસીબતમાં ન આવી પડે. એટલે જે ગરીબીમાંથી બહાર આવ્યા છે તેને થોડા સમય સુધી સહારો આપવાની જરૂર પડે છે, જેથી ફરી એવું કોઈ સંકટ ન આવી પડે, જેનાથી તેઓ ફરી ગરીબી તરફ ધકેલાઇ જાય. એટલે તેને મજબૂતી મેળવવા માટે સમય આપવો જરૂરી છે. આવા સમયે સરકાર આવી સહાય કરે તો તે ઉપર આવી જ જાય છે.
ગુજરાત સમાચારના તર્ક વગરના રિપોર્ટથી વિપરીત એક હકીકત એ પણ છે કે 2024ના NITI આયોગના એક રિપોર્ટ અનુસાર, છેલ્લાં 9 વર્ષમાં દેશના 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. NITI આયોગના ડિસ્કશન પેપર ‘2005-06થી ભારતમાં બહુઆયામી ગરીબી’માં જણાવવામાં આવ્યું કે, 2013માં જે બહુઆયામી ગરીબીની ટકાવારી 29.17 ટકા હતી તે 2022-23માં ઘાટીને 11.28 ટકા જેટલી થઈ ગઈ છે. આંકડાની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 24.82 કરોડ લોકો આ કેટેગરીમાંથી બહાર આવ્યા.
આ રિપોર્ટમાં પણ આટલા કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનો શ્રેય મોદી સરકારની યોજનાઓને આપવામાં આવ્યો. જેમાંથી એક યોજના આ PM-GKAY પણ છે.
મહામારી બાદ પણ લોકો હજુ સ્થિર થવાના પ્રયાસ કરી રહ્યા છે. ધીમે-ધીમે તેમનું જીવનધોરણ ઉપર આવી રહ્યું છે. આવા સમયે જો સરકાર હાથ છોડી દે તો ફરીથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે એવી શક્યતાઓ છે. તેના કરતાં જો તેમના માથેથી આ ભોજનની ચિંતા દૂર કરવામાં આવે તો આવા લોકોને આગામી 5 વર્ષનો ગાળો મળશે, જેમાં અન્ય બાબતો પર ધ્યાન આપી શકશે અને આખરે પોતાના પગ પર નિર્ભર રહી શકે તે સ્થિતિમાં આવી જશે.
‘અમૃતકાળ’ કે ‘વિકસિત ભારત’ એ બે-પાંચ વર્ષ માટેનું વિઝન નથી, પણ એક લાંબાગાળાનું આયોજન છે. પરંતુ તેને હાંસલ કરવા માટે અમુક ટૂંકાગાળાના ધ્યેયો પણ રાખવા પડે છે અને આવા ધ્યેય આવી યોજનાઓ થકી જ પાર પડતા હોય છે. આ હંમેશા માટે વ્યવસ્થા રહેવાની નથી, કારણ કે સરકાર બીજી યોજનાઓ થકી પણ ઘણું બધું કરી રહી છે. મૂળ આશય જીવનધોરણ ઉપર લાવવાનો છે, જે આવતું દેખાય પણ રહ્યું છે.
(ગુજરાત સમાચારના અહેવાલમાં વ્યાકરણ અને જોડણીની ઢગલેબંધ ભૂલો છે, જેને અહીં ટાંકતી વખતે સુધારી લેવામાં આવી છે.)


