હોમપેજગુજરાતહિંદુ સાધુ-સંતોને વાતમાં ઘસડ્યા વગર ‘છાંગુર પીરો’ વિશે લખવાની ત્રેવડ ક્યારે બતાવશે...

હિંદુ સાધુ-સંતોને વાતમાં ઘસડ્યા વગર ‘છાંગુર પીરો’ વિશે લખવાની ત્રેવડ ક્યારે બતાવશે કલમવીરો?

જ્યારે-જ્યારે હિંદુ સાધુની વાત આવે છે, હિંદુ આધ્યાત્મિક ગુરુઓની વાત આવે છે ત્યારે તેમનાં નામ સાથે, ફોટા સાથે, મોટાં મથાળાં સાથે અને પૂરેપૂરી સ્પષ્ટતા સાથે લખાતું હોય છે. બીજી તરફ જ્યારે મૌલવીઓની, પાદરીઓની વાત આવે ત્યારે મુદ્દાને સીધો સામાન્યીકરણ કરવા તરફ વાળી દેવાય છે.

- Advertisement -

નીડરતા અને બહાદુરીની વાત આવે ત્યારે આપણે ત્યાંના લેખકો અને પત્રકારોની તોલે કોઈ આવતું નથી. કલમની તાકાત થકી દુનિયા બદલી નાખવા નીકળેલાઓ રોજ ગમે તેની સામે તલવારો તાણીને ઊભા રહી જાય છે. તેમાં નેતાઓ પણ આવી ગયા, અભિનેતાઓ પણ, ખેલાડીઓ પણ, મોટી હસ્તીઓ અને ધર્મગુરુ, સાધુ-સંતો પણ. જોકે આમાં મૌલવીઓ અને પાદરીઓ આવતા નથી. તેમના વિશે લખવાનું આવે એટલે સિત્તેર ટકાની સ્યાહી સુકાઈ જાય છે. બાકીના ત્રીસ રહ્યા તેમની પણ તટસ્થતા પછી તટસ્થતા જેવી રહેતી નથી. બહાદુરીને બોલપેનના ઢાંકણમાં બંધ કરીને મૂકી દેવામાં આવે છે. મૌલવીઓ-પાદરીઓની ચર્ચા ચાલે ત્યારે તેમાં હિંદુ સાધુઓને પણ ઘસડી લાવવામાં આવે છે, કારણ કે મીડિયાએ સ્વયં રચેલી તટસ્થતાની વ્યાખ્યામાં આ જ આવે છે.

હમણાં દિવ્ય ભાસ્કરની બુધવારની પૂર્તિ ‘કળશ’માં 30 જુલાઈના રોજ કૉલમિસ્ટ આશુ પટેલનો લેખ છપાયો. શીર્ષક આવું છે– ‘સંતનો સ્વાંગ ધરનારા શેતાનોનો ધંધો કેમ ચાલે છે?’. ચિત્રમાં એક સાધુ છે, જેના માથે તિલક છે, દાઢી છે, ભગવાં વસ્ત્રો પહેર્યાં છે. હાથમાં માળા છે. હિંદુ સાધુનું કાર્ટૂન અને હેડલાઈન વાંચીને જે લાગે એ પહેલા ફકરામાં નથી. ત્યાં ‘છાંગુર બાબા’થી ચર્ચા ચાલુ થાય છે. આખી વાર્તાનો મૂળ સંબંધ જ ‘છાંગુર’ સાથે જોડાયેલો છે.

જે લોકો નથી જાણતા, તેમને ખ્યાલ હોવો જોઈએ કે, તાજેતરમાં જ યુપીમાં છાંગુર પીર નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેનું મૂળ નામ જલાલુદ્દીન શાહ છે અને તે પોતાને એક પીર ગણાવતો હતો. તેના પર લવ જેહાદને પ્રોત્સાહન, હિંદુઓનું અને ખાસ કરીને હિંદુ મહિલાઓનું ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે. તે સિવાય તે હિંદુ યુવતીઓને ફસાવવા પર મુસ્લિમ યુવાનોને ફંડિંગ આપતો હોવાના પણ આરોપ છે. ઉપરાંત એજન્સીઓએ એવું પણ કહ્યું છે કે, તેને મુસ્લિમ દેશોમાંથી ફંડિંગ પણ મળી રહ્યું હતું અને તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો. 

- Advertisement -

આમ તો છાંગુરને ‘બાબા’ કહેવો એ પણ મીડિયાનો એક પ્રોપગેન્ડા છે, અથવા કહી શકાય કે અજ્ઞાનતા છે. કારણ કે ‘બાબા’ શબ્દ હિંદુ સાધુઓ માટે વપરાતો હોય છે. મુસ્લિમ વ્યક્તિ માટે ‘પીર’ વપરાય. એ બાજુ પર મૂકી દઈએ તોપણ નોંધવા જેવી બાબત એ છે કે લેખકે સમગ્ર લેખમાં ક્યાંય પણ છાંગુર પીરના વાસ્તવિક નામનો ઉલ્લેખ કર્યો નથી. આ નામ છે– જલાલુદ્દીન શાહ.

પ્રથમ દ્રષ્ટિએ જે માણસને ખબર નથી કે, છાંગુર કોણ છે તો તે માણસો આ લેખ વાંચતા સમયે તેને એક હિંદુ સાધુ અથવા તો સંત તરીકે જ જુએ એ સ્વાભાવિક છે. આશુ પટેલે શરૂઆતના બે ફકરામાં છાંગુર વિશે વાત કરી છે, જેમાં તેના માટે ‘નકલી ધર્મગુરુ’ શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું છે કે, તે (છાંગુર) ધર્માંતરણ કૌભાંડ અને વિદેશોમાંથી મળેલા અબજો રૂપિયાના ફંડને મુદ્દે વિવાદમાં ઘેરાયો છે. હવે પ્રથમ વખત વાંચનાર માણસ ‘ધર્મગુરુ’, ‘સંત’ જેવા શબ્દ પરથી છાંગુરને હિંદુ સમજી બેસે એ સ્વાભાવિક છે અને ‘લેખકે’ કુશળતાથી ‘ધર્માંતરણ’ શબ્દનો ઉલ્લેખ કર્યો પણ ધર્માંતરણ કોનું થતું હતું એ કહેવાનું ભૂલી ગયા! ફરી એ જ પ્રશ્ન ઊભો થાય કે, પ્રથમ વખત છાંગુર વિશે વાંચનાર વાંચકો તેનો શું અર્થ કાઢશે? 

અહીં ઘણી બધી ગેરસમજ થવાનો અવકાશ છે. છાંગુરનું નામ જાણવું વાચકે જરૂરી છે. ધર્માંતરણ કરાવતો હતો તો કોનું કયા ધર્મ-પંથ-મઝહબમાં ધર્માંતરણ કરાવતો હતો એ પણ કહેવું પડે. લવ જેહાદને પ્રોત્સાહન વગેરે જેવી બાબતોનો અહીં ઉલ્લેખ જ નથી. જે કંઈ લખવામાં આવ્યું છે એ બધું અધ્યાહાર જ રાખવમાં આવ્યું છે.

મજહબ કોઈપણ, પરંતુ ટાર્ગેટ પર માત્ર હિંદુ ધર્મ

કૉલમિસ્ટના લેખનો આધાર એક ઇસ્લામી મૌલવીની કરતૂતો છે. પરંતુ તેના વિશે જેટલી માહિતી છે એ બધી અસ્પષ્ટ છે, વાંચનારને ગેરમાર્ગે દોરી શકે તેવી છે. એક પણ જગ્યાએ ઓળખ દર્શાવતા શબ્દો વાપરવામાં આવ્યા નથી. બીજી તરફ કાર્ટૂનમાં હિંદુ સાધુ છે અને શીર્ષકમાં પણ ‘સંત’ લખવામાં આવ્યું છે. બેલેન્સ કરવા માટે લખવામાં આવ્યું છે કે, “આપણે સરળ રહીને જીવીએ તો ઈશ્વર સાથે સંવાદ કરવા માટે કે તેની કૃપા મેળવવા માટે કોઈ બાવા, બાબા, મૌલવી કે મહારાજને વચેટિયા બનાવવાની જરૂર નથી.” પરંતુ અહીં પણ બાબા, મહારાજ આવી જ ગયા.

કહેવાની વાત એટલી છે કે જ્યારે-જ્યારે હિંદુ સાધુની વાત આવે છે, હિંદુ આધ્યાત્મિક ગુરુઓની વાત આવે છે ત્યારે તેમનાં નામ સાથે, ફોટા સાથે, મોટાં મથાળાં સાથે અને પૂરેપૂરી સ્પષ્ટતા સાથે લખાતું હોય છે. બીજી તરફ જ્યારે મૌલવીઓની, પાદરીઓની વાત આવે ત્યારે મુદ્દાને સીધો સામાન્યીકરણ કરવા તરફ વાળી દેવાય છે. ત્યારે પણ હિંદુ સાધુઓને કારણ વગર માત્ર એટલા માટે ઘસડવામાં આવે છે, કારણ કે લેખક તટસ્થ દેખાય શકે. એક લેખકની, કોઈ પત્રકારની તટસ્થ રહેવાની ચળ સંતોષવા માટે હિંદુ સાધુઓ કાયમ ઘસડાતા રહ્યા છે.

અહીં પણ આશુ પટેલે લેખમાં સામાન્યીકરણ જ કર્યું છે. છાંગુરની ઘટનાના અસ્પષ્ટ ઉલ્લેખ બાદ લખે છે કે, “ઉપરવાળાના નામે આવા નકલી (મોટાભાગના એવા જ છે) ધર્મગુરુઓ આપણને બેવકૂફ બનાવીને અબજો રૂપિયાનાં આર્થિક સામ્રાજ્ય ઊભાં કરે છે.” અહીં પણ મોટાભાગના ધર્મગુરુઓને એક જ શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યા. આ ફરી એ જ વામપંથી માનસિકતા દેખાડવાની વાત થઈ, જેમાં કોઈ કારણ વગર, કોઈ ઠોસ પુરાવા વગર માત્ર ઘૃણાના કારણે હિંદુ સાધુઓને એક જેવામાં ખપાવી દેવામાં આવે છે.

મુખ્યધારાનું મીડિયા વર્ષોથી આ બધું કરતું આવ્યું છે. આ જ તેમના માટે ‘પત્રકારત્વ’ છે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં