Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતનવસારીની ઘટનામાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા દેવાંશી જોશીએ બનાવ્યો વિડીયો, DySPના...

    નવસારીની ઘટનામાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા દેવાંશી જોશીએ બનાવ્યો વિડીયો, DySPના બચાવમાં કરી તર્ક વગરની દલીલો

    વર્ષોથી ચવાઈ ગયેલા લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાના આધારે હિંદુ સંગઠનોને ટાર્ગેટ કરવાનો યુટ્યુબ પત્રકારનો નિષ્ફળ પ્રયાસ, DySPના બચાવમાં ક્લિપ પણ કાપવી પડી!

    - Advertisement -

    ફેક ન્યૂઝ, ભ્રામક સમાચારો અને ભળતા-ભળતા જ દાવાઓ સાથે સમાચારો પ્રકાશિત કરવામાં જેનો ટ્રેકરેકોર્ડ સારો એવી રહ્યો છે એવું મીડિયા પોર્ટલ ‘જમાવટ’ ચલાવતાં ‘પત્રકાર’ દેવાંશી જોશીએ તાજેતરમાં એક વિડીયો બનાવીને નવસારીમાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ વિ. DySP એસ. કે રાયના મામલામાં જ્ઞાન આપ્યું છે. આમ તો જોકે દેવાંશીનું જમાવટ પોતે ભૂતકાળમાં એક ભ્રામક સમાચારના આધારે ગુજરાત પોલીસને ટાર્ગેટ કરીને ઉંધેમાથે પછડાયું હતું. જે ચૈતર વસાવાના સમાચારો બતાવીને જમાવટની યુટ્યુબ ચેનલ દહાડા કાઢી રહી છે તેમની ધરપકડ થઈ ત્યારે પણ દેવાંશી જોશીએ સીધી ગુજરાત પોલીસને ટાર્ગેટ કરીને ‘કઠપૂતળી’ ગણાવી દીધી હતી. પણ આ કેસમાં સામે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ છે એટલે તેમણે સીધેસીધો પોલીસનો પક્ષ લઈ લીધો હતો.

    એક નોંધવા જેવી વાત એ પણ રહે કે એક વખત નર્મદાના સેલંબામાં હિંદુ શોભાયાત્રા પર પથ્થરમારો થયો ત્યારે આ યુટ્યુબ પત્રકારે એક વિડીયો બનાવીને હિંદુઓને જ પ્રશ્ન કરી દીધા હતા અને પૂછ્યું હતું કે તેઓ કથિત મુસ્લિમ વિસ્તારમાં કેમ ગયા હતા? જોકે પછી ટ્રોલિંગ ભરપૂર થયું અને લોકોએ અઘરા પ્રશ્નો કરવાના ચાલુ કર્યા તો આ બધી બાબતોને છેટી રાખી હતી. હવે તેમણે ફરી એક વખત સાહસ કર્યું છે.

    વિડીયોની શરૂઆતમાં દેવાંશી બિનજરૂરી જ્ઞાન આપે છે અને કહે છે કે દેશમાં થયેલા ઝઘડા અને તોફાનો, રમખાણોનો ઇતિહાસ કાઢશો તો તેના મૂળમાં કોમી નફરત અને હિંસા સિવાય બીજું કશું જ નહીં જોવા મળે.

    - Advertisement -

    આ વાસ્તવમાં ઘસાઈ ગયેલું, ચવાઈ ગયેલું લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડિસ્ટોનું પ્રિય વાક્ય છે. જેઓ-જેઓ આવાં વાક્યો બોલીને ફાંકા-ફોજદારી કરતા રહે છે એ લોકો એમ કહેતા નથી કે રમખાણો અને તોફાનો થયાં એ કઈ મજહબી માનસિકતાના કારણે થયાં? કોમી નફરત કયા સમુદાયની કયા સમુદાય પ્રત્યે હતી? કયો સમુદાય પીડાતો રહ્યો? સાવ ઉપરછલ્લી આવી વાતો કર્યા કરવી સરળ છે, પણ ઊંડાણપૂર્વક જાઓ તો કોણ કોને કોમી નફરત કરે છે અને કોણ ટ્રેનો સળગાવે છે, કોણ રલીવ-ચલીવ-ગલીવના નારા લગાવીને હિંદુઓને રાતોરાત ભાગી જવા માટે કહે છે એ પણ કહેવું પડે અને એ ક્યારેય તેમણે કહેવું હોતું નથી.

    આગળ દેવાંશી તહેવારનો ઉલ્લેખ કરીને કહે છે કે, “ધર્મ અને તહેવાર એકબીજાને જોડવાનું કામ કરે છે કે તોડવાનું તેની ઉપર એક ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચી શકાતું.”

    કેમ ન પહોંચી શકાય? ધર્મ અને તહેવાર બંને આમ જોવા જઈએ તો સનાતન કે ધર્મ સાથે સંબંધિત છે, પણ તેને સેક્યુલર વેમાં લઈએ અને તમામને આવરી લઈએ તોપણ આ નક્કી કરવું બહુ સરળ કામ છે. કયો હિંદુ તહેવાર તોડવાનું કામ કરે છે? દરેક તહેવાર જોડે જ છે અને એટલે જ સનાતનના તહેવારો જુદા પડે છે. જે કથિત તહેવારોમાં રસ્તે લોહીની નદીઓ વહે છે તેની ઉપર એક અક્ષર બોલી શકાતો નથી કારણ કે તેનાં દુષ્પરિણામોથી આ બહેન પણ વાકેફ છે.

    આગળ તેઓ કહે છે કે, “દરેક ધર્મ એ કહે છે કે શાંતિ અને ભાઈચારો એ જ અમારો સંદેશ છે.”

    આ વાતને અહીં હસી કાઢીએ એ જ સારું રહેશે. બીજું એટલું કરીએ કે એટલી પ્રાર્થના કરીએ કે આ પત્રકાર હવે આવી ઉપરછલ્લી અને જેનો કોઈ નિષ્કર્ષ ન નીકળતો હોય તેવી વાતો આપણા માથે મારીને ફાલતુ જ્ઞાન આપવા કરતાં અન્ય પંથો-મજહબોના ગ્રંથો, પુસ્તકો વાંચવાનું ચાલુ કરે એટલે વહેલી તકે આ ભ્રમમાંથી બહાર આવે.

    માત્ર હિંદુ કાર્યકર્તાઓની નારાબાજીનો ઉલ્લેખ, આગળની ઘટના કોણ કહેશે, ‘તટસ્થ પત્રકાર’?

    આગળ દેવાંશી નવસારીના કેસનો ઉલ્લેખ કરે છે અને સીધું કહી દે છે કે હિંદુ કાર્યકર્તાઓએ DySP સંજય રાયની ઑફિસની બહાર જઈને નારાબાજી કરી અને તેમની વિરુદ્ધ આરોપો લગાવ્યા.

    આ ભ્રમ પેદા કરી શકે છે. વાસ્તવિકતા એ છે કે પહેલાં હિંદુ કાર્યકર્તાઓ સાથે લાઠીચાર્જ થયો હતો. તેમણે રજૂઆત કરી અને ન સાંભળવામાં આવ્યું ત્યારે અઠવાડિયા પછી એક રેલીનું આયોજન કર્યું અને એ રેલીમાં આ નારા લગાવવામાં આવ્યા. ક્રિયા પર બોલ્યા વગર પ્રતિક્રિયા પર હોબાળો મચાવવાની લેફ્ટ ઇકોસિસ્ટમની કુટેવ છે. યુટ્યુબ પત્રકારે અહીં એ જ કર્યું છે. તેમણે શરૂઆતમાં એ કહ્યું નથી કે હિંદુ કાર્યકર્તાઓ પર પહેલાં લાઠીચાર્જ થયો હતો. તેઓ સીધી વાત નારાબાજીથી જ ચાલુ કરે છે.

    સંજય રાય જ્યાં હિંદુ કાર્યકર્તાનું તિલક ભૂંસવાનો પ્રયાસ કરે છે એ ક્લિપ ઉડાવી દેવાઈ!

    બીજું, અહીં દેવાંશી જોશીના વિડીયોમાં જે સંજય રાયની ક્લિપ ચાલે છે એ સંપૂર્ણ નથી. તેઓ એક હિંદુ કાર્યકર્તા સાથે માથાકૂટ કરતા તો બતાવાયા છે, પણ તિલક ભૂંસવાના પ્રયાસ કરે છે એ ભાગ કાઢી નાખવામાં આવ્યો છે!

    આગળ દેવાંશી જોશીનો દાવો છે કે નવસારીમાં હિંદુ કાર્યકર્તાઓએ એક ગરબા આયોજનમાં જઈને તિલક ચેક કરવા અને તમામનાં બળજબરીથી આધાર કાર્ડ ચેક કરવાનાં શરૂ કર્યાં હતાં.

    હિંદુ કાર્યકર્તાઓ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પણ એ જણાવી ચૂક્યા છે કે તેઓ બિલકુલ શાંતિપૂર્ણ રીતે પહોંચ્યા હતા અને આયોજકો સાથે પણ ચર્ચા કરીને મામલો પતાવી દીધો હતો. જે કંઈ થયું એ પછી બહાર આવ્યા પછી બન્યું હતું.

    છતાં દેવાંશી જોશી વિડીયોમાં હિંદુ સંગઠનોને જ્ઞાન આપે છે અને કહે છે કે સંગઠનોને આ બધું કરવાનો કોઈ અધિકાર નથી. આગળ તેઓ પોલીસ અધિકારીનો બચાવ કરીને કહે છે કે આયોજકોએ ફરિયાદ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી અને કાર્યકર્તાઓને સમજાવવાના પ્રયાસો કર્યા અને પછી ઝઘડો થયો અને ત્યારબાદ કાર્યકરોને દોડાવી-દોડાવીને મારવામાં આવ્યા!

    અહીં પ્રશ્ન એ છે કે શું આ કાર્યકર્તાઓ વિરુદ્ધ કોઈ લેખિત ફરિયાદ હતી? FIR થઈ હતી? તો પોલીસને મારવાનો અધિકાર કોણે આપ્યો? હિંદુ સંગઠનોને ફોકટનાં સલાહસૂચન કરવા કરતાં ખરેખર તો દેવાંશી જોશીએ આ પ્રશ્ન પોલીસ અધિકારીને કરવો જોઈતો હતો. પણ આ વિડીયો જ અધિકારીના બચાવમાં બનાવાયો છે, હિંદુ કાર્યકર્તાઓ પર પૂર્વગ્રહ રાખીને જ કેમેરો ચાલુ કરવામાં આવ્યો તો પછી આ બધી વાતોનો કોઈ અર્થ રહેતો નથી.

    હિંદુ સંગઠનોને ટાર્ગેટ કર્યાં

    દેવાંશી આગળ કહે છે, “DySP શું કરતા? તેમને કોઈ સંજય ખાન ન કહી જાય તેના માટે તમાશો જોતા?” પણ અહીં પ્રશ્ન એ છે કે તમાશો કર્યો હતો કોણે? ગરબાના આયોજકો અને હિંદુ સંગઠનો વચ્ચે જે ચર્ચા થવાની હતી એ તો મંડપની અંદર પૂરી થઈ ગઈ હતી. બહાર આવીને તમાશો કોણે કર્યો? છતાં અહીં પણ હિંદુ સંગઠનોને જ જવાબદાર ઠેરવવામાં આવ્યાં.

    વિડીયોમાં દેવાંશી જોશી હિંદુ સંગઠનોને ટાર્ગેટ કરીને પૂછે છે કે તેઓ ગરબા આયોજનોમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવાની માગ કરે છે તો અમુક કલાકારો કે પછી અધિકારીઓ અને પદાધિકારીઓ મુસ્લિમો છે અને ગરબામાં ભાગ લે છે ત્યાં કેમ કંઈ બોલતા નથી? આગળ ફરીથી વર્ષોથી ગોખી રાખેલાં વાક્યો બોલીને કહે છે કે નેતાઓનાં સંતાનો આ બધું નથી કરતા પણ તેમણે ફેલાવેલી નફરતની રાજનીતિ માટે જમીન પરના નીચેના માણસો હોબાળો કરતા રહે છે.

    આ દલીલનો જવાબ એ છે કે હિંદુ સંગઠનો ગરબા આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશનો વિરોધ એટલા માટે કરે છે કારણ કે ભૂતકાળમાં લવ જેહાદના કેસો આવી ચૂક્યા છે. ઈન્ટરનેટ પર જઈને સર્ચ કરશો તો આવા અઢળક કેસો મળશે. બીજું, માતાજીની આરાધના એ હિંદુઓનું કામ છે. દેવાંશી જેમનાં ઉદાહરણો આપે છે તેમાંથી મોટાભાગના કલાકારો, અધિકારીઓ ગરબા ગ્રાઉન્ડમાં ધમાલ મચાવવા માટે કે હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવા માટે નથી આવતા અને એટલે તેમને આવકારવામાં આવે છે. હિંદુ સંગઠનોને વિરોધ આવીને ટપોરીગિરિ કરનારાઓનો હોય છે અને એટલે પ્રતિબંધની માગણી કરવામાં આવે છે.

    વાહિયાત દલીલોના આધારે મુસ્લિમ યુવાનોને ગરબામાં પ્રવેશ આપવાની વાતો

    આગળ અત્યંત વાહિયાત દલીલો આપીને કહે છે કે ટપોરીવેડા તો ‘બહુ જ બધા લોકો’ કરી રહ્યા છે અને તેમાં ધર્મને કશું લાગતું-વળગતું નથી. અહીં બહુ જ બધા લોકોનો અર્થ એ છે કે આવું તો હિંદુ છોકરાઓ પણ કરે છે. આ કેવી દલીલ થઈ? તે પણ એક મહિલાએ કરી? હિંદુઓમાં પણ અમુક તત્ત્વો આવા હોય એટલે લવ જેહાદ વગેરેને સદંતર ભૂલી જઈને મુસ્લિમ યુવાનોને પણ પ્રવેશ આપવા માંડવાનો? હિંદુ સમાજમાં આવી ખામીઓ હોય તો સમાજ પોતાની રીતે સુધારશે, પણ આપણે ત્યાં પણ આવા લોકો તો છે જ એમ કહીને બહારથી બીજી સમસ્યાઓ નોતરવાની?

    વિડીયોને અંતે દેવાંશી ફરી એક વખત હિંદુ કાર્યકર્તાઓને સલાહ આપે છે, જેની તેમને બિલકુલ જરૂર નથી. તેઓ કહે છે કે સંગઠનો અમુક નેતાઓના કહેવાથી આ બધું કરી રહ્યાં છે.

    વાસ્તવમાં તેમને સંગઠનોનાં કામો વિશે કે તેની વિશાળતા વિશે બિલકુલ ખબર નથી એ તેમની ઉપરછલ્લી વાતો સાંભળીને જ ખ્યાલ આવી જાય એમ છે. હિંદુ સંગઠનો કોઈ નેતા, કોઈ પાર્ટી માટે કામ કરતાં હોત તો શતાબ્દી ઉજવતાં ન હોત. સો વર્ષમાં ભલભલાં સંગઠનો આવીને જતાં રહ્યાં. હિંદુ સંગઠનો અડીખમ છે. કારણ કે તેઓ કામ એટલા માટે કરે છે જેથી સમુદાય શાંતિથી પોતાનો તહેવાર ઉજવી શકે. તેના માટે તેમણે પથ્થરો પણ ખાવા પડે છે, આરાધ્યની મૂર્તિ ખંડિત થતી પણ જોવી પડે છે. અને કોઈ ઉત્સાહી, અલ્પમતિ પત્રકાર કેમેરાની સામે બેસીને તેમને કારણ વગરની સલાહ આપે એ પણ સાંભળવી પડે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં